CEC જ્ઞાનેશ કુમાર બાદ હવે CJI સૂર્યકાંત નિશાને: કેરળ કોંગ્રેસની વિવાદાસ્પદ પોસ્ટથી ગરમાવો, ભાજપનો પલટવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kerala Congress CJI Post : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલા વિરોધ અને દિલ્હીમાં લાદવામાં આવેલા કડક પ્રતિબંધો વચ્ચે મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતના એક નિવેદન પર મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરવાનો ઈનકાર કર્યા બાદ અને કાયદો-વ્યવસ્થા અંગે CJI દ્વારા અપાયેલા નિવેદન પર કેરળ કોંગ્રેસે તેમનું રાજીનામું માગતી સોશિયલ મીડિયા પોસ્ટ કરીને વિવાદ ઉભો કર્યો છે. આ મામલે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને આકરી પ્રતિક્રિયા આપી છે.
CJI સૂર્યકાંતનું વિવાદિત નિવેદન
દિલ્હીમાં પ્રદર્શનો અને સુરક્ષા પ્રતિબંધોને કારણે સર્જાયેલી સ્થિતિ અંગે જ્યારે પત્રકારોએ CJI સૂર્યકાંતને પૂછ્યું ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘આ મારો મુદ્દો નથી.’ તેમણે સ્પષ્ટતા કરી હતી કે રસ્તાઓ પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થાના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, તેથી ન્યાયતંત્રનો તેની સાથે સીધો કોઈ સંબંધ નથી. અગાઉ 11 ઓક્ટોબરના રોજ CJIએ INDIA બ્લોકના નેતાઓ સાથે મુલાકાત કરવાનો પણ ઈનકાર કર્યો હતો, જેઓ એક મેમોરેન્ડમ સોંપવા માગતા હતા.
કેરળ કોંગ્રેસે માગ્યું CJIનું રાજીનામું
CJIના આ વલણ સામે કેરળ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આકરો પ્રહાર કરતા લખ્યું કે, ‘પ્રિય સૂર્યકાંત, જો કાયદો અને વ્યવસ્થા તમારા ક્ષેત્રમાં નથી આવતી, તો હમણાં જ રાજીનામું આપી દો.’ અમે તમારી જગ્યાએ એવી વ્યક્તિ શોધી લઈશું જે આ પરિસ્થિતિ સંભાળી શકે.’ વિવાદ વધતાં કોંગ્રેસે બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ ચૂકી હતી.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનો પલટવાર
કોંગ્રેસના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ હવે ન્યાયતંત્રને નિશાન બનાવી રહી છે અને દેશની તમામ બંધારણીય અને લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. રિજિજુએ આરોપ લગાવ્યો કે તમામ ‘એન્ટી-ઈન્ડિયા ગેંગ’ એક થઈ રહી છે, જેની સામે દેશના દેશભક્ત નાગરિકો પણ એકજૂટ થશે.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને કરી નિંદા
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા પણ ચીફ જસ્ટિસ સામે કરવામાં આવેલી આવી ટિપ્પણીઓની આકરી નિંદા કરવામાં આવી છે. SCBA એ સ્પષ્ટ કર્યું છે કે ન્યાયતંત્રના વડા સામે સોશિયલ મીડિયા પર આ પ્રકારના વિધાનો કરવાથી દેશની ન્યાય વ્યવસ્થા અને તેની ગરિમા નબળી પડે છે.




