India

આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં અર્નબ વાવાઝોડાંનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સર્જાયેલા 'અર્નબ' વાવાઝોડાએ આંધ્રપ્રદેશ, ઓડિશા બાદ છત્તીસગઢ અને ઝારખંડમાં તબાહી મચાવી છે. રાયપુર સહિત 22 રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું, સ્કૂલોમાં રજા અપાઈ, ટ્રેનો અને 24 ફ્લાઈટ્સ રદ થઈ. રાંચીમાં વીજળીના થાંભલા ઉખડી જતાં અંધારપટ છવાયો. 5,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં અર્નબ વાવાઝોડાંનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ
  • ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિત ૨૨ રાજ્યોમાં એલર્ટ
  • રાયપુર સહિત અનેક જિલ્લા જળબંબાકાર, જનજીવન ઠપ્પ, રાંચીમાં વીજળીના થાંભલા ઉખડી જતા અંધારપટ
  • ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશની સ્કૂલોમાં આજે રજા જાહેર કરાઇ

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં બનેલા 'અર્નબ' વાવાઝોડાંએ આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારાના પ્રદેશોમાં ભારે કરે મચાવ્યા પછી છત્તીસગઢમાં પણ ખાનાખરાબી કરી હતી. અર્નબ વાવાઝોડાના કારણે છત્તીસગઢમાં હવામાન બદલાતા અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું, સ્કૂલો બંધ કરાઈ હતી, ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. એ જ રીતે ઝારખંડમાં પણ અસાધારણ વરસાદના કારણે ૨૪ ફ્લાઈટ રદ કરાઈ હતી, વૃક્ષો-વીજળીના થાંભલા ઉખડી ગયા હતા, જેથી અનેક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.
અર્નબ વાવાઝોડાંએ ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયા કિનારાના ક્ષેત્રોમાં ભારે તારાજી સર્જી હતી. ચક્રવાત બુધવારે મોડી રાત પછી ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયા કિનારે ટકરાયું હતું. તેની અસરથી બંને રાજ્યોમાં મૂશળધાર વરસાદ પડયો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. વરસાદના કારણે ગુરુવારે દક્ષિણ ઓડિશાના ૧૦ જિલ્લામાં સ્કૂલો બંધ રખાઈ હતી. ૫,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા હતા. નેશનલ હાઈવે પણ સુરક્ષાના કારણે બંધ કરી દેવાયો હતો.
ઓડિશા અને આંધ્રના દરિયા કિનારે ટકરાયા પછી અર્નબ વાવાઝોડું થોડું નબળું થયું હતું, પરંતુ તેની અસરના પગલે છત્તીસગઢ અને ઝારખંડમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત અનેક જિલ્લામાં વરસાદથી સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.
રાયપુરની આજુબાજુ નદીઓ બંને કાંઠે વહેવા લાગી હતી. રાયપુર, દુર્ગ અને બાલોદ સહિત અનેક જિલ્લામાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. આ સાથે કિરંદુલ-વિશાખાપટ્ટનમ રુટની ટ્રેનો રદ કરાઈ હતી તેમજ જગદલપુર-હૈદરાબાદ ફ્લાઈટ રદ કરાઈ હતી.
ઝારખંડમાં પણ ભારે વરસાદથી જનતાએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા, જેથી અનેક વિસ્તારોમાં અંધકાર છવાઈ ગયો હતો. રાંચીમાં રસ્તા પરથી પસાર થતી એક સ્કૂલ બસ પર વૃક્ષ પડયું હતું, પરંતુ વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. રાંચીમાં ભારે વરસાદના કારણે બિરસા મુંડા એરપોર્ટ પર ૨૪ ફ્લાઈટ રદ કરાઈ હતી. અનેક જિલ્લામાં સ્કૂલો બંધ રખાઈ હતી અને શનિવારે પણ સ્કૂલો બંધ રાખવા આદેશ અપાયો હતો.