1 વર્ષમાં 20% ભાવવધારા બાદ આખરે સરકાર જાગી! ખાદ્યતેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી, જાણો કયું તેલ સસ્તું થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Edible Oil Import Duty Cut : તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પામ ઓઇલ, સોયા ઓઇલ અને સનફ્લાવર ઓઇલ સહિતના મુખ્ય ખાદ્ય તેલો પરની આયાત ડ્યુટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષમાં ભારતમાં વનસ્પતિ તેલના ભાવોમાં લગભગ 20 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન આવનારા મુખ્ય ધાર્મિક તહેવારો અને ઉત્સવોમાં મીઠાઈ, ફરાળ અને તળેલી વસ્તુઓની માંગ વધતી હોય છે, ત્યારે આ ડ્યુટી કટથી બજારમાં તેલના ભાવ નીચા આવશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે.
સરકાર દ્વારા ડ્યુટીમાં મોટા ઘટાડાની જાહેરાત
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ક્રૂડ પામ ઓઇલ અને સોયા ઓઇલ પરની બેઝિક આયાત ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રિફાઇન્ડ પામ ઓઇલ અને રિફાઇન્ડ સોયા ઓઇલ પરની ડ્યુટી 32.5 ટકાથી ઘટાડીને 27.5 ટકા કરવામાં આવી છે. ક્રૂડ સનફ્લાવર ઓઇલ પરની આયાત ડ્યુટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. જ્યારે રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પરની ડ્યુટી 32.5 ટકાથી ઘટાડીને 22.5 ટકા કરવામાં આવી છે. બેઝિક કસ્ટમ ડ્યુટી ઉપરાંત ખાદ્ય તેલની આયાત પર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ અને સોશિયલ વેલફેર સરચાર્જ પણ લાગુ પડે છે. જેના કારણે હવે ક્રૂડ પામ અને સોયા ઓઇલ પર કુલ આયાત ડ્યુટી 16.5 ટકાથી ઘટીને 11 ટકા થઈ ગઈ છે, જ્યારે ક્રૂડ સનફ્લાવર ઓઇલ પર ડ્યુટી 16.5 ટકાથી ઘટીને 5.5 ટકા થઈ ગઈ છે.
અટકેલી આયાતને ફરી એકવાર વેગ મળશે
વેપારીઓ અને ઉદ્યોગ જગતના જાણકારોના મતે ભારત તેની ખાદ્ય તેલની કુલ માંગના લગભગ બે-તૃતીયાંશ ભાગની જરૂરિયાતો આયાત દ્વારા સંતોષે છે. જેમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, આર્જેન્ટિના, રશિયા અને યુક્રેનથી મુખ્યત્વે પામ, સોયા અને સનફ્લાવર ઓઇલ મંગાવવામાં આવે છે. આ ડ્યુટી ઘટાડાથી સનફ્લાવર ઓઇલ સૌથી મોટો ફાયદાકારક સાબિત થશે કારણ કે તે રિફાઇનર્સ માટે વધુ આકર્ષક બનશે અને સોયા તથા પામ ઓઇલ પરનું દબાણ ઘટાડશે. અગાઉ ડ્યુટી ઘટવાની અપેક્ષાએ રિફાઇનર્સે ખરીદી અટકાવી દીધી હતી, પરંતુ હવે તહેવારોના સમયની માંગને પહોંચી વળવા માટે તેઓ આયાતમાં વધારો કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય માંગ વધવાથી મલેશિયન પામ ઓઇલ અને યુએસ સોયા ઓઇલના વાયદાને પણ ટેકો મળશે, જેનાથી સ્થાનિક બજારમાં સંતુલન જળવાઈ રહેશે.




