અડવાણી, ધનખડને પણ મતદાર યાદીમાં સામેલ થવા પુરાવા આપવા નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોમાં મતદારોના વેરિફિકેશન માટે એસઆઇઆર પ્રક્રિયા ચાલી રહી છે. હાલ રાજધાની દિલ્હીમાં આ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ચૂંટણી પંચ દ્વારા ૩૨ લાખ લોકોને નોટિસ જારી કરી છે, જોકે આ નોટિસ ભારે ચર્ચામાં છે. કેમ કે તેમાં દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપવડાપ્રધાન એલ. કે. અડવાણી સહિત અનેક વરીષ્ઠ નેતાઓ, પૂર્વ અને વર્તમાન અધિકારીઓના નામ પણ સામેલ છે.
ચૂંટણી પંચે દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ઉપવડાપ્રધાન એલ. એક. અડવાણી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, વિદેશમંત્રી એસ. જયશંકરને પણ નોટિસ પાઠવી છે, એટલુ જ નહીં આ નોટિસમાં ખુદ ચૂંટણી કમિશનર એસ એસ સંધુ પણ સામેલ છે. આ તમામ લોકોને ચૂંટણી પંચે કહ્યું છે કે તેઓ દિલ્હીની મતદાર યાદીમાં સામેલ થવા માટેના પુરાવા રજુ કરે. અન્ય જે પણ વરીષ્ઠ નેતાઓને નોટિસ પાઠવવામાં આવી છે તેમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ અને વકીલ કપિલ સિબલ, કોંગ્રેસ સાંસદ અભિષેક સિંઘવી વગેરેનો સમાવેશ થાય છે.
માત્ર નેતાઓ જ નહીં પૂર્વ અને વર્તમાન અધિકારીઓને પણ નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગુપ્તા, વિદેશ સચિવ વિક્રમ મિસરી, વાઇસ એડમિરલ સી. આર. પ્રવીણ, પૂર્વ એર ચીફ માર્શલ નેક બ્રોવન, પૂર્વ સૈન્ય વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, તેમના પત્ની, સીબીઆઇના ડાયરેક્ટર પ્રવીણ સૂદ વગેરેને પણ નોટિસ પાઠવવામાં આવી છે. ચૂંટણી પંચની નોટિસ મેળવનારા પૂર્વ ઉપવડાપ્રધાન એલ. એક. અડવાણી ભાજપના સૌથી વરીષ્ઠ નેતા છે જેમની ઉંમર આશરે ૯૮ વર્ષની છે. અડવાણી ઉપરાંત તેમના પુત્રી પ્રતિભા અને પરિવારના લોકોને પણ નોટિસ મોકલાઇ છે, જોકે તેમના પુત્ર જયંત આ પ્રક્રિયામાંથી પસાર થઇ ગયા છે. તેમના નામ વર્ષ ૨૦૦૨ની યાદી સાથે લિંક ના થઇ શકતા હોવાથી આ નોટિસ મોકલાઇ છે અને હાલ જે યાદી તૈયાર થઇ રહી છે તેમાં નામ સામેલ કરવા માટેના આધાર પુરાવા માગ્યા છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઇ અને તેમના પરિવારને પણ નોટિસ અપાઇ છે. કેટલાકને નામ બરાબર ના હોવાથી પણ નોટિસ મોકલાઇ છે જેમાં ખુદ ચૂંટણી કમિશનર એસ એસ સંધુનો સમાવેશ થાય છે. અન્ય એક આશ્ચર્યજનક બાબત એ છે કે ચૂંટણી પંચે એવા લોકોને પણ નોટિસ મોકલી છે કે જેઓ મૃત્યુ પામ્યા છે, જેમ કે પદ્મશ્રી સ્વર્ગસ્થ બિબેક દેબરોયને પણ નોટિસ મોકલાઇ છે, દેબરોય ભારતના અર્થશાસ્ત્રી અને વડાપ્રધાનના આર્થિક સલાહકાર કાઉન્સિલમાં પણ સામેલ હતા તેમને ૨૦૦૨ની યાદી સામે મેળ ના ખાતો હોવાથી નોટિસ મોકલાઇ છે. ખુદ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું નામ પણ નોટિસમાં સામેલ છે, તેમને ઉંમરમાં અંતરના કારણે નોટિસ મોકલાઇ છે. દિલ્હીની અંતિમ મતદાર યાદી ૪ નવેમ્બરના રોજ પ્રકાશિત થવા જઇ રહી છે તે પહેલા આ તમામ નેતાઓ, અધિકારીઓ સહિતના ૩૨ લાખ લોકોએ પુરાવા રજુ કરવાના રહેશે.




