TMCના બળવાખોરોને અભિષેક બેનર્જીની ખુલ્લી ઓફર, 'મમતા બેનર્જી પાસે પરત આવો, હું 1 કલાકમાં રાજીનામું આપી દઈશ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhishek Banerjee Resignation Offer : તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અભિષેક બેનર્જીએ બળવાખોર નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપી છે. અભિષેક બેનર્જીએ બળવાખોર MLA-MP અને ભાજપની સાંઠગાંઠનો પણ આરોપ લગાવ્યો છે. અભિષેક બેનર્જીએ કહ્યુ કે, બળવાખોર MLA મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ પાર્ટીમાં પાછા ફરે છે, તો એક કલાકની અંદર પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે.પાર્ટીમાં ચાલી રહેલા બળવા વચ્ચે સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું, 'જે લોકો પાર્ટી છોડીને ચાલ્યા ગયા છે, અને આજે મને જવાબદાર ઠેરવી રહ્યા છે, કે અપશબ્દો બોલી રહ્યા છે, તેમને હું પડકાર ફેંકું છું કે, તેઓ દીદી (મમતા બેનર્જી) પાસે પાછા ફરે. જો તે પાછા આવશે તો હું 1 કલાકની અંદર પાર્ટીમાંથી રાજીનામું આપી દઈશ.'
તેમણે આરોપ લગાવ્યો કે, બળવાખોર નેતાઓએ ભાજપ સાથે ડીલ કરી લીધી છે. અભિષેક બેનર્જીએ કહ્યું, 'બળવાખોરોએ ભાજપ સાથે ગોઠવણ કરી રાખી છે. પહેલા પાર્ટી છોડો, પછી બળવાખોર જૂથ કે ભાજપમાં સામેલ થઈ જાઓ, અને ત્યારબાદ તેનો દોષ અભિષેક બેનર્જી પર ઢોળી દો.' તેમણે ઉમેર્યું કે, જો પાર્ટીમાં બળવાનું કારણ તે પોતે જ હોય, તો બળવાખોરો પાછા ફરતાની સાથે જ તે પદ છોડવા તૈયાર છે. અભિષેક બેનર્જીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે TMCના ઘણા સાંસદો અને ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે.
MP-MLAએ પાર્ટી છોડી, અભિષેકની કાર્યશૈલીને ગણાવી જવાબદાર
પાર્ટીમાં સર્જાયેલા સંકટ માટે કેટલાક નેતાઓએ અભિષેક બેનર્જીની કાર્યશૈલીને જવાબદાર ઠેરવી છે. સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બરાઈક જેવા તૃણમૂલ નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. આ ત્રણેય રાજ્યસભાના સાંસદ હતા. બીજી તરફ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં પાર્ટીના 20 સાંસદોએ અલગ જૂથ બનાવીને NDAને સમર્થન આપવાનો દાવો કર્યો છે. આ સાંસદોમાં કાકોલી ઘોષ ઉપરાંત શર્મિલા સરકાર, પ્રસૂન બેનર્જી, જગદીશ ચંદ્ર બસુનિયા, અરૂપ ચક્રવર્તી, કાલીપદ સોરેન, શતાબ્દી રોય, જૂન માલિયા, માલા રોય, યુસુફ પઠાણ, રચના બેનર્જી, બાપી હલદાર, મિતાલી બાગ, ખલીલુર રહમાન, અબુ તાહેર ખાન, અસિત મલ, દેવ અધિકારી અને પાર્થ ભૌમિક સહિતના નેતાઓ સામેલ છે.
આ સિવાય પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMCના 80 માંથી 64 ધારાસભ્યોએ ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં બળવો કરીને અલગ જૂથ બનાવી લીધું છે. બળવાખોર જૂથે પોતાની જાતને અસલી TMC ગણાવીને ચૂંટણી પંચ સમક્ષ પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્ન પર પણ દાવો ઠોક્યો છે. ઋતબ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
મદન મિત્રાએ પણ સાધ્યું નિશાન
તાજેતરમાં જ TMCના વરિષ્ઠ નેતા મદન મિત્રાએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપીને બળવાખોર જૂથને સાથ આપ્યો છે. મદન મિત્રાએ અભિષેક બેનર્જીની નેતૃત્વ શૈલીને 'હિટલરશાહી' ગણાવી હતી.
TMC કાર્યાલય પર ચાલ્યું બુલડોઝર
આ દરમિયાન, દક્ષિણ 24 પરગણા જિલ્લા પ્રશાસને શનિવારના રોજ આમતલા સ્થિત અભિષેક બેનર્જીની ઓફિસને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દીધી છે. તંત્રનું કહેવું છે કે, આ ઇમારત ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ પ્લાનની મંજૂરી વિના બનાવવામાં આવી હતી. ભારે સુરક્ષા વચ્ચે 3 JCB મશીનોની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. અભિષેક બેનર્જીએ ઓફિસ તોડવાની આ કાર્યવાહીને રાજકીય બદલાની ભાવના ગણાવી છે. તેમણે કહ્યું કે, 'આ કાર્યાલય કાયદેસરની જમીન પર નકશા અનુસાર જ બનાવવામાં આવ્યું હતું, અને સ્થાનિક તંત્રએ ભાજપ સાથે મળીને આ કામ કર્યું છે. TMC આ મામલે કલકત્તા હાઈકોર્ટ અને જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટમાં જશે.' તેમણે ચેતવણી આપી કે, જો 2031ની વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં સત્તા પરિવર્તન થશે, તો કાયદા હેઠળ ભાજપના કાર્યાલયો પર પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે.









