Get The App

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
Raghav Chadha News
(IMAGE - IANS)

Raghav Chadha News: આમ આદમી પાર્ટીના યુવા અને જાણીતા ચહેરો ગણાતા રાઘવ ચઢ્ઢા હાલમાં પોતાની જ પાર્ટીના નિશાન પર છે. એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના ગણાતા 37 વર્ષીય રાઘવ ચઢ્ઢાને પાર્ટીએ રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવી દીધા છે અને સંસદમાં તેમની બોલવાની શક્તિ પર પણ કાપ મૂકી દીધો છે. 

આતિશી અને સૌરભના આકરા પ્રહારો

શુક્રવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે તેમના પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, જ્યારે આખું વિપક્ષ(INDIA ગઠબંધન) લોકશાહી બચાવવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યું હતું, ત્યારે રાઘવ ચઢ્ઢાએ તેના પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. આતિશીના જણાવ્યા મુજબ, રાઘવ ભાજપ અને પીએમ મોદીથી ડરી રહ્યા છે અને જ્યારે સંસદમાં એલપીજી ગેસની અછત જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે તેઓ મૌન રહ્યા હતા.

સૌરભ ભારદ્વાજે રાઘવની ગંભીરતા પર કર્યો કટાક્ષ

સૌરભ ભારદ્વાજે કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે દેશ ગંભીર સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે, ત્યારે રાઘવ એરપોર્ટ પર સમોસાની કિંમત અને જ્યુસના પેકેટમાં શું છે જેવા સામાન્ય મુદ્દાઓ પર પીઆર(PR) કરવામાં વ્યસ્ત છે. રાઘવ વિરુદ્ધ આ નારાજગી જૂની છે, ખાસ કરીને જ્યારે 2024માં કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે રાઘવ આંખના ઓપરેશન માટે લંડનમાં હતા. આતિશીએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે પાર્ટીના કાર્યકરો રસ્તા પર લાઠીઓ ખાતા હતા, ત્યારે રાઘવ જેલના ડરથી લંડનમાં છુપાયેલા હતા. 2022માં પંજાબની જીત બાદ તેમને 'સુપર સીએમ' કહેવામાં આવતા હતા, પરંતુ 2025ની દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલ અને સિસોદિયાએ પંજાબ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરતા રાઘવની ભૂમિકા ઘટતી ગઈ હતી.

મહત્ત્વના પ્રસંગે રાઘવની અનુપસ્થિતિના કારણે અનેક સવાલ 

માર્ચ 2026માં જ્યારે કેજરીવાલ અને સિસોદિયા આબકારી કેસમાં નિર્દોષ છૂટ્યા, ત્યારે પણ જંતર-મંતરની રેલીમાં રાઘવની ગેરહાજરીએ વિવાદ વધાર્યો હતો. પદ પરથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરીને પોતાની વાત રજૂ કરતા કહ્યું છે કે, 'જનતાના મુદ્દા ઉઠાવવા એ કોઈ ગુનો નથી અને મારા મૌનને હાર માનવી જોઈએ નહીં.' 

આ પણ વાંચો: એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન

રાઘવ ચઢ્ઢાના સ્થાને પંજાબના ઉદ્યોગપતિની વરણી

હાલમાં રાઘવ ચઢ્ઢાની જગ્યાએ પંજાબના ઉદ્યોગપતિ અશોક મિત્તલને રાજ્યસભામાં ઉપનેતા બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે શું રાઘવ ભાજપમાં જોડાશે? પંજાબના સીએમ ભગવંત માન તેમને 'કોમ્પ્રોમાઈઝ્ડ' કહી રહ્યા છે, જ્યારે દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ લોકોનો ઉપયોગ કરીને ફેંકી દે છે. હવે રાઘવ ચઢ્ઢાનું રાજકીય ભવિષ્ય શું હશે તે જોવું રહ્યું. રાજકીય વર્તુળોમાં હવે એવી ચર્ચાઓ પણ તેજ બની છે કે શું રાઘવ ચઢ્ઢા આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે?

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી 2 - image