ઉજ્જૈનમાં મંદિર તોડાયું, પણ હનુમાનજીની મૂર્તિ ખસવાનું નામ નથી લઈ રહી... ચમત્કાર કે પછી ટેક્નિકલ પડકાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ancient Idol, Modern Science: Ujjain’s Unmovable Hanuman: હિન્દુ ધર્મમાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં ઉજ્જૈન શહેરમાં હાલમાં વિજ્ઞાનને પડકારે એવી એક રસપ્રદ ઘટના આકાર લઈ રહી છે. ત્યાં સિંહસ્થ કુંભ મેળા 2028ની તૈયારીઓના ભાગરૂપે રસ્તા પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. એક રસ્તા વચ્ચે આવતી હનુમાનજીની મૂર્તિ ખસેડવાનો પ્રયાસ કરાયો ત્યારે સદંતર નિષ્ફળતા મળી છે. મૂર્તિ પોતાના સ્થાનથી ટસની મસ ન થતાં લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવવા લાગ્યા છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, ‘હનુમાનજી પોતાનું સ્થાન છોડવા માંગતા નથી.’ આ ઘટના શું ખરેખર ચમત્કાર છે કે પછી એક અત્યંત જટિલ પુરાતત્ત્વીય અને ટેક્નિકલ પડકાર? ચાલો, આ ઘટનાનું વિશ્લેષણ કરીને સમજવાનો પ્રયાસ કરીએ.
વિકાસ કાર્ય વચ્ચે અડગ છે હનુમાનજીની મૂર્તિ
ઉજ્જૈનમાં કંથાલ સ્ક્વેરથી ક્ષત્રિય ચોક(બડા સરાફા) સુધી રસ્તો પહોળો કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ રસ્તાની વચ્ચે આવતા જૂના હનુમાન મંદિરનું માળખું તોડી પડાયું છે, પરંતુ વિશાળ મૂર્તિ હજુ પણ તેની જગ્યાએ અકબંધ છે. છેલ્લા 10 દિવસથી અનેક પ્રયાસો અને મશીનરીના ઉપયોગ છતાં મૂર્તિને તેના સ્થાનેથી હલાવી શકાઈ નથી. ઇન્દોરથી બોલાવવામાં આવેલા ખાસ એન્જિનિયરો અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ પણ 2 દિવસની ભારે જહેમત પછી મૂર્તિને ખસેડવામાં નિષ્ફળ રહી છે.
મૂર્તિ શા માટે ખસેડી શકાતી નથી?
સ્થાનિક તંત્ર અને મ્યુનિસિપલ નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલો ચમત્કારનો નહીં, પરંતુ એન્જિનિયરિંગનો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૂર્તિનો પાયો સામાન્ય મૂર્તિઓ કરતાં ઘણો મજબૂત છે અને તે જમીનની અંદર ખડકમાં ઊંડે સુધી જડાયેલી છે. વહીવટીતંત્ર ઉતાવળમાં ભારે મશીનરીનો ઉપયોગ કરવા માંગતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આવી પ્રાચીન અને વિશાળ મૂર્તિને તેના મૂળ સ્થાનેથી નુકસાન પહોંચાડ્યા વિના બહાર કાઢવી એ અત્યંત સાવચેતી માંગી લેતું કામ છે. જો સ્થાનાંતરણ દરમિયાન સહેજ પણ તિરાડ પડે તો તેની ભરપાઈ થઈ શકે તેમ નથી.
મૂર્તિનો ઇતિહાસ: 170 વર્ષ કે પછી 1000 વર્ષ જૂની?
આ મૂર્તિની ઉંમર અને ઇતિહાસ બાબતે પણ અનેક શક્યતાઓ સેવાઈ રહી છે. કેટલાક લોકો તેને 170 વર્ષ જૂની માને છે. જોકે, પુરાતત્ત્વીય નિષ્ણાત પ્રોફેસર ડૉ. રમણ સોલંકીના મતે આ મૂર્તિ 1000 વર્ષ જૂની પણ હોઈ શકે છે. તે માળવા પ્રદેશના બેસાલ્ટ પથ્થરની બનેલી હોવાની અને રાજા ભોજના સમયની પરમાર પરંપરા સાથે જોડાયેલી હોવાની શક્યતા છે. વર્ષોથી મૂર્તિ પર લગાવવામાં આવેલા સિંદૂરના જાડા પડને કારણે તેની વાસ્તવિક કારીગરી જાણવી મુશ્કેલ છે, તેથી વૈજ્ઞાનિક તપાસ વિના કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેમ નથી.
ભક્તોની આસ્થા અને સંગઠનોની માંગ
સ્થાનિકો અને ભક્તોની ભાવનાઓ આ મૂર્તિ સાથે ઊંડી રીતે જોડાયેલી છે. મૂર્તિ હટી ન શકવાને કારણે લોકો તેને દૈવી શક્તિનો ચમત્કાર માની રહ્યા છે અને મંદિર પરિસરમાં ભજન-કીર્તન તેમજ ભવ્ય મહા આરતીઓ થઈ રહી છે. મંદિરના પૂજારીએ સ્પષ્ટ કર્યું છે કે હિન્દુ સમાજને વિકાસ કે મૂર્તિ સ્થાનાંતરણ સામે કોઈ વિરોધ નથી. પરંતુ, મુખ્ય શરત એ છે કે પ્રશાસન લેખિતમાં ખાતરી આપે કે મૂર્તિને કોઈપણ નુકસાન વિના સુરક્ષિત રીતે નવા સ્થળે(ટાંકી ચોકમાં) સ્થાપિત કરાશે. આગામી 2 દિવસમાં આ માર્ગ પરથી ભગવાન મહાકાલની ભવ્ય શોભાયાત્રા પસાર થવાની હોવાથી પ્રશાસન પર સમય સાચવાનું અને ભીડ નિયંત્રણ કરવાનું ભારે દબાણ છે.
પુરાતત્ત્વ વિભાગ દ્વારા સ્કેનિંગ કરાશે
આ મુદ્દે તંત્ર ઉતાવળના મૂડમાં નથી અને મૂર્તિને સંપૂર્ણ સન્માન સાથે ટાંકી ચોક ખાતે સ્થાપિત કરવાની યોજના છે. હાલમાં મૂર્તિને વરસાદ અને અન્ય નુકસાનથી બચાવવા માટે ત્યાં તંબુ (છત્ર) બાંધવામાં આવ્યો છે. પાયાની સ્થિતિ જાણવા માટે મૂર્તિની આસપાસ 1.5 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. હવે પુરાતત્ત્વ વિભાગની નિષ્ણાત ટીમ અત્યાધુનિક મશીનો દ્વારા મૂર્તિનો પાયો, તેની આંતરિક રચના અને આસપાસની માટીનું ઊંડું સ્કેનિંગ કરશે. આ સ્કેનિંગનો વૈજ્ઞાનિક રિપોર્ટ આવ્યા પછી જ નક્કી કરાશે કે મૂર્તિને સુરક્ષિત રીતે કેવી રીતે બહાર કાઢવી.




