Metaની હૈદરાબાદ ઓફિસમાં કોંગ્રેસ કાર્યકરોની તોડફોડ! 7 દિવસનું અલ્ટીમેટમ, મુંબઈમાં પણ હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Youth Congress Meta Office Vandalism: ઈન્ડિયન યુથ કોંગ્રેસ (IYC)ના બે મુખ્ય હોદ્દેદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતા શુક્રવારે તેલંગાણા યુથ કોંગ્રેસના કાર્યકરોએ હૈદરાબાદ સ્થિત મેટા (Meta)ના ઓફિસ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ જક્કીડી શિવચરણ રેડ્ડીની આગેવાનીમાં કાર્યકરોએ ફૂલના કૂંડા ફેંકીને તોડફોડ કરી હતી અને કેટલીક પોસ્ટ ફરી શરૂ કરવાની માંગ સાથે મેટા તથા કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
વાઇરલ થયેલા વીડિયોમાં વિરોધકર્તાઓ ઓફિસના કોરિડોર અને કેફેટેરિયા વિસ્તારમાં દોડતા તેમજ કૂંડા તોડતા જોવા મળ્યા હતા. અહેવાલો મુજબ, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબ અને રાષ્ટ્રીય પ્રભારી મનીષ શર્માના એકાઉન્ટ પર આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
મેટા સામે યુથ કોંગ્રેસની 4 મુખ્ય માંગણીઓ અને 7 દિવસનું અલ્ટીમેટમ
યુથ કોંગ્રેસે 'X' પર એક પોસ્ટ કરીને મેટાને પ્રતિબંધિત એકાઉન્ટ્સ અને પોસ્ટ પુનઃસ્થાપિત કરવા માટે 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. વિરોધકર્તાઓએ મેટા સમક્ષ 4 મુખ્ય માંગણીઓ મૂકી છે
1) છેલ્લા 6 મહિનામાં સરકારના આદેશથી કેટલા ભારતીય એકાઉન્ટ્સ બંધ કરાયા અને કેટલા હજુ બ્લોક છે તે જાહેર કરવું.
2) રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતી કે પીએમ મોદી અને ભાજપની ટીકા કરતી પોસ્ટ ઓટોમેટિક બ્લોક થવાનું કારણ સમજાવવું.
3) વિપક્ષી નેતાઓ, પત્રકારો અને ક્રિએટર્સ પરના ગેરકાયદેસર પ્રતિબંધો હટાવવા.
4) ભાજપની સંસ્થાઓને બદલે ભારતના બંધારણનું સન્માન કરવું. જો આ માંગણીઓ નહીં સંતોષાય તો કોર્ટ, રસ્તા અને ઓફિસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
મુંબઈમાં પણ BKC ખાતે વિરોધ પ્રદર્શન, અખિલેશ યાદવના મેટા પર પ્રહાર
હૈદરાબાદની સાથે જ મુંબઈ યુથ કોંગ્રેસ દ્વારા પણ BKC સ્થિત મેટાની ઓફિસ બહાર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ ઝીનત શબરીનના નેતૃત્વમાં કાર્યકરોએ ભાજપ અને આરએસએસ વિરોધી અવાજોને દબાવવાનો આરોપ લગાવ્યો હતો અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના પોસ્ટર પણ બાળ્યા હતા.
બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે 'X' પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'વિદેશી કંપનીઓએ આપણા દેશમાં વેપાર કરવો જોઈએ, રાજનીતિ નહીં. દરેક સાથે સમાન વ્યવહાર કરવો એ સારી કંપનીની ઓળખ છે અને સરકારે પણ બિનજરૂરી દબાણ કરીને વિદેશી કંપનીઓના વેપારનું રાજકીયકરણ ન કરવું જોઈએ.'
ભાજપ અને BRSના કોંગ્રેસ પર આકરા પ્રહાર, ગણાવ્યા 'ગુંડાઓ'
મેટાની ઓફિસમાં થયેલી તોડફોડ બાદ ભાજપ અને તેલંગાણાના વિપક્ષ BRSએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસને 'ગુંડાઓની પાર્ટી' ગણાવતા કહ્યું કે, 'આ જ કોંગ્રેસ મોડેલ છે જેમાં ખાનગી કંપનીઓની ઓફિસોમાં તોડફોડ કરીને સોશિયલ મીડિયા પર તેનું પ્રદર્શન કરવામાં આવે છે, જેના કારણે કોંગ્રેસના શાસનમાં ભારત નબળી અર્થવ્યવસ્થા ધરાવતું હતું.'
જ્યારે BRS નેતા કે.ટી. રામા રાવે (KTR) પણ કોંગ્રેસના કાર્યકરોને 'ગુંડા' ગણાવતા રાહુલ ગાંધીને સવાલ કર્યો કે, 'શું ભારતમાં કંપનીઓ લાવવાની આ જ રીત છે? દાયકાઓની મહેનતથી બનેલી 'બ્રાન્ડ હૈદરાબાદ' લાખો પરિવારોનું ગુજરાન ચલાવે છે અને મેટાએ સુરક્ષિત વાતાવરણના ભરોસે અહીં ભારતનું સૌથી મોટું કેમ્પસ બનાવ્યું છે, પરંતુ આ ઘટનાથી માત્ર કાચ જ નથી તૂટ્યા, 'બ્રાન્ડ હૈદરાબાદ'નો વિશ્વાસ પણ તૂટ્યો છે.




