India

પ.બંગાળના મુર્શિદાબાદમાં મોટી દુર્ઘટના, ટ્રેનની અડફેટે સ્કૂલ વાન આવી જતાં 3 વિદ્યાર્થીના મોત

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં શુક્રવારે સવારે ગોવિંદપુર રેલવે સ્ટેશન નજીક એક દર્દનાક રેલ અકસ્માત સર્જાયો હતો. નિમિતિતા-કાટોયા પેસેન્જર ટ્રેનની અડફેટે સ્કૂલ વાહન આવતા 2 વિદ્યાર્થીઓ સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. 5 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ખુલ્લા રેલવે ફાટક અને ગેટમેનની બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ.બંગાળના મુર્શિદાબાદમાં મોટી દુર્ઘટના, ટ્રેનની અડફેટે સ્કૂલ વાન આવી જતાં 3 વિદ્યાર્થીના મોત

Murshidabad train accident: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શુક્રવારે સવારે એક રેલ અકસ્માત સર્જાયો છે, જેમાં એક સ્કૂલ વાહન મુસાફર ટ્રેનની અડફેટે આવી ગયું હતું. આ દર્દનાક અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓ સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ગંભીર દુર્ઘટના પૂર્વ રેલવેના સિયાલદહ ડિવિઝન હેઠળ મુર્શિદાબાદના બહરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કર્ણસુબર્ણ અને ગોવિંદપુર રેલવે સ્ટેશન વચ્ચેના એક લેવલ ક્રોસિંગ પર બની હતી. મૃતકોમાં બે વિદ્યાર્થીઓ ઉપરાંત એક સાયકલ સવારનો પણ સમાવેશ થાય છે.

રેલવે ફાટક ખુલ્લું રહેવાના કારણે સર્જાઈ મોટી હોનારત

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક ખાનગી સ્કૂલનું વાહન બાળકોને લઈને જઈ રહ્યું હતું. આ દરમિયાન રેલવે ફાટક ખુલ્લું હોવાના કારણે ડ્રાઈવર વાહનને લેવલ ક્રોસિંગ પાર કરાવવા લાગ્યો હતો, બરાબર એ જ સમયે સામેથી આવી રહેલી નિમિતિતા-કાટોયા પેસેન્જર ટ્રેને વાહનને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્કૂલ વાહનના ફુરચેફુરચા ઊડી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ વાહનમાં ડ્રાઈવર સહિત કુલ 8 લોકો સવાર હતા.

ગેટમેનની ભૂમિકા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પહેલા એક અપ લાઇન ટ્રેન પસાર થવાની હોવાથી રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું હતું. તે ટ્રેન નીકળી ગયા બાદ ફાટક ખોલી દેવાયું, પરંતુ બીજી લાઇન પરથી ટ્રેન આવી રહી હોવા છતાં ફાટક ખુલ્લું જ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો. આ ઘટના બાદ રેલવેના ગેટમેનની ભૂમિકા અને બેદરકારી સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે.

બચાવ કામગીરી અને પોલીસ તપાસ શરૂ

અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરીને વાહનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓની ગંભીર હાલતને જોતા બાદમાં તેમને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ વ્યાપી ગયો છે.