અમેરિકાના દબાણમાં સરકારે UPI પર ફીસ વસૂલવાનો રસ્તો ખોલ્યો! કેન્દ્ર પર રાહુલ ગાંધીનો ગંભીર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi UPI charge allegations: દેશમાં ડિજિટલ પેમેન્ટનું મુખ્ય સાધન બની ચૂકેલા યુપીઆઈને લઈને રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો છે કે સરકારે યુપીઆઈ પર ચાર્જ વસૂલવાનો રસ્તો ખોલી દીધો છે, જેનો આડકતરી રીતે બોજ સામાન્ય જનતા પર પડશે.
રાહુલ ગાંધીના ગંભીર આક્ષેપો અને અમેરિકન દબાણની વાત
સોશિયલ મીડિયા પર નિવેદન આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ફી લાગુ થઈ શકે છે. જો કે આવા વ્યવહારોની સંખ્યા ઓછી છે, પરંતુ કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં તેનો હિસ્સો ઘણો મોટો છે.
રાહુલ ગાંધીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, અમેરિકન પેમેન્ટ કંપનીઓ ભારતની ઝીરો-એમડીઆર (zero-MDR) નીતિનો લાંબા સમયથી વિરોધ કરી રહી હતી અને હવે વર્તમાન સરકાર આ જ અમેરિકન દબાણ સામે ઝૂકી રહી છે.
ખડગેનો સવાલ: શું ગ્રાહકોના ખિસ્સા પર પડશે બોજ?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકાર પર પ્રહાર કરતા પૂછ્યું કે, 'શું એ સાચું છે કે 5000 રૂપિયાના વ્યવહાર પર 25 રૂપિયા અને 10,000 રૂપિયા પર 50 રૂપિયા સુધીની સંભવિત વસૂલાત થઈ શકે છે? જો વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ પડશે, તો તેઓ આ ખર્ચ ચીજવસ્તુઓની કિંમતો વધારીને આખરે સામાન્ય ગ્રાહકો પાસેથી જ વસૂલ કરશે.'
શું છે આખો મામલો અને નવા નિયમો?
વર્તમાન નિયમો અનુસાર 2000 રૂપિયા સુધીના યુપીઆઈ (UPI) પેમેન્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી અને બે વ્યક્તિઓ વચ્ચે (પર્સન-ટુ-પર્સન) થતા લેણ-દેણ માટે આ નિયમ યથાવત રહેશે. જો કે, સામે આવેલા નવા પ્રસ્તાવ મુજબ 2000 રૂપિયાથી વધુ રકમના વેપારી પેમેન્ટ પર ફી લાગુ થવાના એંધાણ છે. શરુઆતી ચર્ચા પર નજર કરીએ તો, મોટા વેપારી વ્યવહારો પર આશરે 0.4 ટકા જેટલો ચાર્જ લાગી શકે છે.
કેન્દ્ર સરકારનો પક્ષ અને સ્પષ્ટતા
આ સમગ્ર વિવાદ અંગે કેન્દ્ર સરકારનું સ્પષ્ટ વલણ છે કે સામાન્ય નાગરિકો કે યુપીઆઈના રોજિંદા યુઝર્સ પાસેથી કોઈ પણ પ્રકારની ટ્રાન્ઝેક્શન ફી વસૂલવાનો સરકારનો કોઈ જ ઇરાદો નથી. 2000 રૂપિયા સુધીના તેમજ બે વ્યક્તિઓ (P2P) વચ્ચે થતા તમામ વ્યવહારો બિલકુલ નિઃશુલ્ક રહેશે. સરકારનું એમ પણ કહેવું છે કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ સક્ષમ અને લાંબા સમય સુધી ટકી રહે તેવી બનાવવા માટે જ આ નવા વિકલ્પો પર વિચારણા થઈ રહી છે, જેથી આમ જનતાની ઉપર કોઈ વધારાનો નાણાકીય બોજ ના પડે.




