India

'1 કરોડ મહિલાને 1-1 લાખ આપીશું...', બિહારની જેમ યુપીમાં ચૂંટણી જીતવા યોગી સરકારનો પ્લાન!

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર વિધાનસભા ચૂંટણી પહેલા મહિલાઓ માટે મોટી આર્થિક યોજના લાવી રહી છે. આ યોજના હેઠળ પ્રદેશની 1 કરોડ મહિલાઓને ₹1-1 લાખ સીધા બેન્ક ખાતામાં મળશે. ₹20,000નો પ્રથમ હપ્તો ડિસેમ્બરમાં, ત્યારબાદ ₹30,000 અને ₹50,000 મળશે. સ્વયં સહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓને વ્યાજમુક્ત લોન અને ડિજિટલ સુવિધાઓ માટે ક્રેડિટ કાર્ડ પણ અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'1 કરોડ મહિલાને 1-1 લાખ આપીશું...', બિહારની જેમ યુપીમાં ચૂંટણી જીતવા યોગી સરકારનો પ્લાન!
IMAGE - IANS

UP women financial scheme: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા યોગી સરકાર મહિલાઓ માટે એક મોટી આર્થિક યોજના લાવવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળ પ્રદેશની એક કરોડ મહિલાઓને એક-એક લાખ રૂપિયા આપવામાં આવશે, જે સીધા તેમના બેન્ક ખાતામાં જમા થશે.

ત્રણ તબક્કામાં મળશે સહાય

આ રકમ મહિલાઓને ત્રણ અલગ-અલગ હપ્તામાં આપવામાં આવશે. યોજના મુજબ પ્રથમ હપ્તો 20,000 રૂપિયાનો ડિસેમ્બરમાં આપવામાં આવશે, બીજો હપ્તો 30,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો 50,000 રૂપિયાનો રહેશે. આમ, કુલ એક લાખ રૂપિયા સીધા ખાતામાં પહોંચશે. બિહારમાં પણ ગત વર્ષે ચૂંટણી પહેલા આ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી હતી.

વ્યાજ મુક્ત લોન અને સ્વયં સહાય જૂથો

સરકાર આ રકમ ઉત્તર પ્રદેશ રાજ્ય આજીવિકા મિશન અંતર્ગત વ્યાજ મુક્ત ઋણ તરીકે આપવાની યોજના બનાવી રહી છે. આ માટે સ્વયં સહાય જૂથો સાથે જોડાયેલી એક કરોડ મહિલાઓને વિશેષ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે અને આ યોજના ત્રણ વર્ષ માટે લાગુ કરવામાં આવશે.

નાના વેપાર અને ડિજિટલ સુવિધાઓ પર ભાર

એક કરોડ મહિલાઓને તેમના નાના વેપાર અને ચાલુ ઉદ્યોગોને વિસ્તારવા માટે આ નાણાકીય સહાય મળશે, જેનાથી અંદાજે 3થી 4 કરોડ લોકોને લાભ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત મહિલા જૂથોને ડિજિટલ સુવિધાઓ સાથે જોડવા માટે 'આઈડી કાર્ડ' આપવામાં આવશે, જેનાથી ડિજિટલ પેમેન્ટ, માર્કેટિંગ અને ઓનલાઈન વેચાણ સરળ બનશે. સાથે જ ઈ-રિક્ષા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીના વાહનોની ખરીદી અને 100 'મહિલા શક્તિ કેન્દ્ર' સ્થાપવાના પણ નિર્દેશો અપાયા છે.