'ઘરમાં વપરાતા સાબુ-શેમ્પૂને કારણે નદીઓમાં ફીણ આવે છે...', તમિલનાડુના મંત્રીના નિવેદન પર હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

VK Rajiv River Foam Statement: તમિલનાડુના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી ડો. વી.કે. રાજીવ પોતાના એક વિચિત્ર નિવેદનને કારણે સોશિયલ મીડિયા અને રાજકારણમાં ભારે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. તેમણે એવો દાવો કર્યો છે કે નદીઓમાં જોવા મળતા ફીણ માટે ઔદ્યોગિક કચરો નહીં, પરંતુ ઘરોમાંથી નીકળતું ગંદુ પાણી અને તેમાં વપરાતા સાબુ તથા શેમ્પૂ જવાબદાર છે. મંત્રીના આ દાવ બાદ રાજ્યમાં એક નવો વિવાદ છેડાઈ ગયો છે અને વિપક્ષી પક્ષોએ સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે.
તિરુપુર મુલાકાતથી શરૂ થયો વિવાદ અને મંત્રીની સ્પષ્ટતા
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મંત્રી ડો. વી.કે. રાજીવ તિરુપુરની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે નદીઓના પ્રદૂષણ માટે ઘરોમાંથી આવતા ગંદા પાણીને મુખ્ય કારણ ગણાવ્યું હતું. વિરોધ વધતાં તેમણે ચેન્નાઈ સચિવાલય ખાતે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, 'ઘરોમાં નહાવા અને કપડાં ધોવા માટે વપરાતા સાબુ તથા શેમ્પૂમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે આ પાણી ઊંચાઈ પરથી નીચે પડે છે ત્યારે નદીઓમાં ફીણ બને છે.' તેમણે પોતાના મેડિકલ બેકગ્રાઉન્ડનો હવાલો આપતાં દાવો કર્યો હતો કે તાજેતરના જળ અભ્યાસમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે.
AMMK નેતા ટીટીવી દિનાકરનનો સરકાર પર પ્રહાર
મંત્રીના આ નિવેદન પર AMMKના મહાસચિવ ટીટીવી દિનાકરને સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 'નદીઓના ગંભીર પ્રદૂષણ માટે નાગરિકોના રોજિંદા વપરાશના સાબુને જવાબદાર ઠેરવવું તદ્દન હાસ્યાસ્પદ છે. આ પર્યાવરણ વિભાગની જવાબદારીમાંથી છટકબારી દર્શાવે છે. કચરા વ્યવસ્થાપનની ખામીઓને છુપાવીને ઔદ્યોગિક પ્રદૂષકોને બચાવવાનો પ્રયાસ પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડશે.' તેમણે માગ કરી હતી કે સરકાર વિચિત્ર બહાના બનાવવાનું બંધ કરી ઔદ્યોગિક કચરા પર કડક નિયંત્રણ લાવે.
PMK પ્રમુખ અંબુમણિ રામદાસે પણ ઘેર્યા
PMKના પ્રમુખ અંબુમણિ રામદાસે પણ તમિલનાડુના પર્યાવરણ મંત્રીના આ સ્પષ્ટતાપૂર્ણ નિવેદન સામે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે મંત્રીની દલીલો પર સવાલો ઉઠાવતાં નદી પ્રદૂષણ પ્રત્યે સરકારના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિપક્ષોએ એકસૂરે સરકારને ઘેરીને તમિલનાડુની મહત્ત્વપૂર્ણ નદીઓને બચાવવા માટે મજબૂત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કડક પગલાં ભરવાની માંગ કરી છે.




