પ.બંગાળમાં કંઇક મોટું થશે! NRC અને UCC ની સાથે શુભેન્દુ સરકાર ધર્માંતરણ વિરોધી કાયદો લાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Suvendu Adhikari UCC NRC: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક જાહેર મંચ પરથી મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે તેમની સરકાર રાજ્યમાં ટૂંક સમયમાં જ ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવશે. આ સાથે જ તેમણે બંગાળની સાંસ્કૃતિક ઓળખ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે સમાન નાગરિક સંહિતા (UCC) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) પણ લાગુ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીના આ નિવેદન બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ પલટવાર કર્યો છે અને ભાજપ સરકાર પર વિપક્ષને ડરાવવા-ધમકાવવા તેમજ દમનકારી નીતિઓ દ્વારા તેમને જડમૂળથી ઉખાડી ફેંકવાનો આરોપ લગાવ્યો છે.
ઘૂસણખોરી અને લવ જેહાદ સામે કડક પગલાં લેવાશે
રવીન્દ્ર સદન ખાતે 'વંદે માતરમ' ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક સરકારી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ સરહદ પારથી થતી ઘૂસણખોરીને રાજ્યની વસ્તી વિષયક સ્થિતિમાં ફેરફાર અને લવ જેહાદનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, 'અમને થોડો સમય આપો. બંગાળમાં ધર્માંતરણ વિરોધી કડક કાયદો, સમાન નાગરિક સંહિતા (UCC) અને એનઆરસી (NRC) ચોક્કસપણે લાવવામાં આવશે. જે લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી રહ્યા છે અને દેશની સંસ્કૃતિ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરી રહ્યા છે તેમને પાછા મોકલવામાં આવશે.'
હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા અને લોકશાહી સેનાનીઓનું સન્માન
મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'ધાર્મિક સતામણીનો સામનો કરીને ભારત આવેલા હિન્દુઓ શરણાર્થી છે અને તેમને નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે વર્ષ 1975માં કટોકટીનો વિરોધ કરનારા લોકશાહી સેનાનીઓને 9 ઓગસ્ટના રોજ રાજ્ય સ્તરે સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે પોતાના વિધાન સભા વિસ્તાર ભવાનીપુરમાં એક નવા ભાજપ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
મહુઆ મોઇત્રાનો તીખો પલટવાર: નવા બિલને ગણાવ્યું ખતરનાક
મુખ્યમંત્રીના નિવેદનો અને વિધાનસભામાં લાવવામાં આવી રહેલા નવા ખરડાને લઈને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ મમતા બેનરજીના આવાસ કાલીઘાટ ખાતે મળેલી બેઠક બાદ પત્રકારોને સંબોધન કર્યું હતું. મહુઆ મોઇત્રાએ સરકારની નીતિઓની સરખામણી કટોકટીના કાળા સપ્તાહો સાથે કરતા કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને ડરાવવામાં આવી રહ્યા છે, પરંતુ લાખો મતદારોનો અવાજ દબાવી શકાશે નહીં. મહુઆ મોઇત્રાએ ખાસ કરીને પ્રસ્તાવિત 'બંગાળ પબ્લિક સેફ્ટી એન્ડ કંટ્રોલ ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ બિલ, 2026'ની નકલો દર્શાવીને તેને અત્યંત ખતરનાક ગણાવ્યું હતું.
માત્ર શંકાના આધારે એક વર્ષની જેલનો આરોપ
મહુઆ મોઇત્રાના આરોપ અનુસાર, આ નવા પ્રસ્તાવિત કાયદામાં પૂરતી ન્યાયિક સુરક્ષા કે બચાવના ઉપાયો આપવામાં આવ્યા નથી. તેમણે દાવો કર્યો છે કે આ કાયદો કટોકટી (ઇમરજન્સી) સમયના કાળા કાયદા 'મીસા' (MISA) અને હાલના 'યુએપીએ' (UAPA) કરતાં પણ વધુ કઠોર છે, કારણ કે આ અંતર્ગત કોઈ પણ વ્યક્તિને કોર્ટની સુનાવણી વગર, માત્ર શંકાના આધારે જ આખું એક વર્ષ જેલમાં રાખી શકાય છે.
ભાજપ દ્વારા વિપક્ષના આરોપોનું ખંડન
ભાજપના વરિષ્ઠ નેતાઓએ ટીએમસીના આ આરોપોને ખોટા ગણાવતા કહ્યું કે, સત્તા ગુમાવ્યા પછી વિપક્ષ જનતામાં ખોટો ડર ફેલાવી રહ્યો છે. ભાજપના જણાવ્યા મુજબ, 'એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ બિલ, 2026'નો અસલી હેતુ ગુજરાત અને ઉત્તર પ્રદેશની જેમ જ ગુંડાગીરી, બળજબરીથી પૈસા પડાવવા (સિન્ડિકેટ રાજ) અને રાજકીય હિંસાને રોકવાનો છે, જે અગાઉની સરકારમાં ખૂબ વધી ગયા હતા. આ કાયદા હેઠળ જો કોઈ રમખાણો કે હિંસક પ્રદર્શનો કરીને સરકારી કે ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડશે, તો તે નુકસાનની પૂરેપૂરી વસૂલાત એ નુકસાન કરનારા લોકો પાસેથી જ કરવામાં આવશે.









