મૃત્યુદંડ માટે ફાંસીની જગ્યાએ મોતનું ઈન્જેક્શન આપવાની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court hanging verdict: સુપ્રીમ કોર્ટે ભારતમાં ફાંસીની જગ્યાએ 'લીથલ ઈંજેક્શન' (ઝેરી ઈંજેક્શન) જેવી ઓછી દર્દનાક પદ્ધતિઓથી મૃત્યુદંડ આપવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે, દેશમાં હાલમાં અમલમાં રહેલી ફાંસીની પ્રક્રિયા જ બંધારણીય રીતે માન્ય અને અસરકારક છે. આ ઉપરાંત, અદાલતે આ વિષય સાથે જોડાયેલા જૂના ચુકાદાઓની પુનઃસમીક્ષા માટે આ મામલાને મોટી બેંચ પાસે મોકલવાની માંગને પણ કોઈ મજબૂત આધાર ન હોવાનું જણાવીને રદ કરી દીધી છે.
અરજીમાં અરજદારે શું દલીલો કરી હતી?
સિનિયર વકીલ ઋષિ મલ્હોત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં BNSSની કલમ 393(5)ની બંધારણીયતાને પડકારવામાં આવી હતી. અરજદારની દલીલ હતી કે ફાંસી દ્વારા અપાતો મૃત્યુદંડ અત્યંત દર્દનાક, ક્રૂર અને અમાનવીય છે, જ્યારે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સન્માનજનક મોતનો અધિકાર મળવો જોઈએ. અરજીમાં જણાવાયું હતું કે ફાંસી આપ્યા બાદ કેદીને મૃત જાહેર કરવામાં આશરે 40 મિનિટ લાગે છે, જ્યારે ઝેરી ઈંજેક્શન કે અન્ય પદ્ધતિઓમાં 5 મિનિટમાં જ મોત થઈ જાય છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રસ્તાવનો પણ હવાલો આપવામાં આવ્યો હતો.
ભવિષ્યમાં સમીક્ષા અને સુધારાના દરવાજા ખુલ્લા રખાયા
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરજી રદ કરવાનો અર્થ એ નથી કે ભવિષ્ય માટે તમામ દરવાજા બંધ થઈ ગયા છે. જો આગામી સમયમાં કોઈ નક્કર વૈજ્ઞાનિક કે મેડિકલ પુરાવા સામે આવશે, તો આ પદ્ધતિની બંધારણીય સમીક્ષા ફરીથી કરી શકાશે. અદાલતે એવું પણ સૂચન કર્યું હતું કે કેન્દ્ર સરકાર ઈચ્છે તો કાયદા, ફોરેન્સિક મેડિસિન અને ન્યુરોસાયન્સના નિષ્ણાતોની એક સમિતિ બનાવીને ફાંસી સિવાયના અન્ય વિકલ્પો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે છે.
કેન્દ્ર સરકાર અને કાનૂની નિષ્ણાતોનો પક્ષ
અગાઉ એટર્ની જનરલ આર. વેંકટરામણીએ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ વિષય પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે, કેદીઓને ફાંસી અથવા ઝેરી ઈંજેક્શનમાંથી કોઈ એક પસંદ કરવાનો વિકલ્પ આપવાની વાત પર કેન્દ્ર સરકારે તેને વ્યાવહારિક રીતે અશક્ય ગણાવ્યું હતું. બીજી તરફ, અન્ય કાનૂની નિષ્ણાતોએ અમેરિકામાં લીથલ ઈંજેક્શન નિષ્ફળ ગયાની ઘટનાઓનો હવાલો આપતાં ફાંસીને જ સૌથી સુરક્ષિત અને ઝડપી પદ્ધતિ ગણાવી હતી.









