India

જેલોમાં બંધ ગંભીર બીમાર કેદીઓ માટે મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપ્યો 3 મહિનાનો સમય

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે દેશની જેલોમાં બંધ 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અને ગંભીર બીમારીથી પીડિત કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવ્યો છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી 3 મહિનામાં આવા કેદીઓને વહેલા મુક્ત કરવા માટે સ્પષ્ટ નીતિ બનાવવાનો આદેશ આપ્યો છે. આ પ્રક્રિયા 'ઇ-પ્રિઝન્સ' પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે થશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેલોમાં બંધ ગંભીર બીમાર કેદીઓ માટે મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપ્યો 3 મહિનાનો સમય
IMAGE - IANS

Prisoner premature release: સુપ્રીમ કોર્ટે દેશની જેલોમાં બંધ વૃદ્ધ અને ગંભીર બીમારીઓથી પીડાતા કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવ્યો છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, 70 વર્ષથી વધુ ઉંમરના, લેન્ડમાર્ક કેસની જેમ અસાધ્ય અથવા ગંભીર બીમારીથી પીડાતા તેમજ શારીરિક રીતે અક્ષમ કેદીઓની માનવીય ધોરણે સમય કરતાં વહેલા મુક્ત કરવા માટે આગામી 3 મહિનાની અંદર એક સ્પષ્ટ અને પારદર્શક નીતિ તૈયાર કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે માનવ અધિકારોનું મહત્ત્વ રેખાંકિત કર્યું

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ(NALSA) દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર સુનાવણી કરતી વખતે આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. NALSA દ્વારા દેશભરની જેલોમાં બંધ આવા અસહાય કેદીઓની દયાજનક મુક્તિ માટે એક સમાન માર્ગદર્શિકા બનાવવાની માંગ કરવામાં આવી હતી.

અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, જેલોમાં વૃદ્ધ અને શારીરિક રીતે નબળા કેદીઓની સંખ્યા સતત વધી રહી છે. ઘણા કેદીઓ ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમને જેલમાં પૂરતી આરોગ્ય સુવિધાઓ મળી રહી નથી. આવા કેદીઓને લાંબો સમય જેલમાં રાખવા એ બંધારણના અનુચ્છેદ 14(સમાનતાનો અધિકાર) અને અનુચ્છેદ 21(જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર)નું ઉલ્લંઘન છે, તેમજ તે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ધોરણોની પણ વિરુદ્ધ છે.

નવી નીતિમાં કડક નિયમો અને પારદર્શિતા રાખવા આદેશ

સુપ્રીમ કોર્ટે આ નવી નીતિ માટે કડક દિશા-નિર્દેશો આપ્યા છે. કોર્ટે જણાવ્યું કે નવી નીતિમાં પાત્રતાની શરતો, અસાધ્ય બીમારી(ટર્મિનલ ઇલનેસ)ની સ્પષ્ટ વ્યાખ્યા અને એક સ્વતંત્ર મેડિકલ બોર્ડ દ્વારા કેદીઓની નિષ્પક્ષ આરોગ્ય તપાસની અનિવાર્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ સાથે જ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે સમય પહેલાં મુક્તિ માટેના તમામ આવેદનોનો કોઈ પણ પ્રકારના બિનજરૂરી વિલંબ વિના તાત્કાલિક નિકાલ કરવામાં આવે.

ઇ-પ્રિઝન્સ પોર્ટલ પર પ્રક્રિયા ડિજિટલ થશે

આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આવા તમામ આવેદનો 'ઇ-પ્રિઝન્સ' પોર્ટલના માધ્યમથી જ પ્રોસેસ કરવામાં આવે. પોર્ટલ પર અરજી દાખલ થવાથી લઈને મેડિકલ તપાસ, જેલ સત્તાધીશોનો રિપોર્ટ, મેડિકલ બોર્ડ અને અન્ડરટ્રાયલ રિવ્યૂ કમિટીની ભલામણો તેમજ સક્ષમ સત્તાધિકારીનો અંતિમ નિર્ણય અને તેના કારણો સુધીની તમામ વિગતો ડિજિટલ સ્વરૂપે નોંધવામાં આવશે.

ટૅક્નોલૉજી અને ઍલર્ટ સિસ્ટમથી મોનિટરિંગ થશે

સમયમર્યાદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટે પોર્ટલમાં ખાસ ઍલર્ટ સિસ્ટમ અને ડેડલાઇન મોનિટરિંગની સુવિધા ઉમેરવા જણાવ્યું છે. આ પોર્ટલ આપમેળે જ કમ્પ્લાયન્સ રિપોર્ટ તૈયાર કરી શકશે, જેનાથી રાજ્ય સરકારો અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને દેખરેખ રાખવામાં સરળતા રહેશે. જોકે, અદાલતે કેદીઓની તબીબી અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા જાળવી રાખવા માટે પણ ખાસ સૂચના આપી છે.

કેન્દ્ર સરકાર અને રાજ્યોને 6 મહિનામાં રિપોર્ટ સોંપવા તાકીદ

આ આદેશોને અસરકારક રીતે લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર(NIC)ને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરી ટેકનિકલ સહાય, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોફ્ટવેર સપોર્ટ અને તાલીમ પૂરી પાડવા આદેશ આપ્યો છે.

NICને ઇ-પ્રિઝન્સ પોર્ટલને અપગ્રેડ કરવા અને નિયમિત જાળવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોને આગામી 6 મહિનાની અંદર કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવા આદેશ કર્યો છે, જેમાં ઓર્ડરના પાલન માટે લેવાયેલા પગલાં, નવી નીતિની વર્તમાન સ્થિતિ અને મુક્તિ માટે લાયક કેદીઓની ચોક્કસ સંખ્યાની વિગતો આપવાની રહેશે.