India

125 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો: ઑગસ્ટમાં ગરમી બાદ હવે શિયાળા પર સંકટ, ખેડૂતોની ચિંતા વધી

By GS Team
5 Sep 20263 mins read
TukuTouch Logo
WMOએ ચેતવણી આપી છે કે પ્રશાંત મહાસાગરમાં સક્રિય 'અલ નીનો' વધુ મજબૂત બની ફેબ્રુઆરી 2027 સુધી અસર કરશે. ભારતમાં ચોમાસા પર તેની સીધી અસરથી ઓછો વરસાદ અને શિયાળામાં પણ વરસાદ જોવા મળશે. IMD મુજબ, ઑગસ્ટમાં 16% ઓછો વરસાદ નોંધાયો અને સપ્ટેમ્બરમાં પણ ઓછો રહેવાની શક્યતા છે. આ બદલાવ ઘઉંના ઉત્પાદન માટે ખતરો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

125 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો: ઑગસ્ટમાં ગરમી બાદ હવે શિયાળા પર સંકટ, ખેડૂતોની ચિંતા વધી

El Nino Warning: એક તરફ વિશ્વના અનેક ભાગો પૂર અને દુષ્કાળનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રશાંત મહાસાગરમાં બની રહેલી સ્થિતિ આવનારા મહિનાઓમાં હવામાનની ચાલ સંપૂર્ણપણે બગાડી શકે છે. વિશ્વ હવામાન સંસ્થા(WMO)એ ચેતવણી આપી છે કે પ્રશાંત મહાસાગરમાં હાલમાં સક્રિય 'અલ નીનો' વધુ મજબૂત બનીને અત્યંત શક્તિશાળી રૂપ ધારણ કરી શકે છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે તેની અસર ફેબ્રુઆરી 2027 સુધી જળવાઈ રહેવાની શક્યતા છે. આ લાંબા ગાળાના બદલાવને કારણે વિશ્વભરમાં વરસાદ, તાપમાન અને વિપરીત હવામાનની ઘટનાઓ પર ઊંડી અસર જોવા મળી શકે છે.

ભારતમાં વરસાદ અને તાપમાન પર સીધી અસર

ભારતમાં અલ નીનોની અસર મુખ્યત્વે ચોમાસા પર જોવા મળે છે. સામાન્ય રીતે અલ નીનોના કારણે ભારતમાં નબળો વરસાદ નોંધાય છે. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, ઑગસ્ટ મહિનામાં દેશભરમાં સામાન્ય કરતાં 16 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો, જ્યારે 1901 પછી આ વર્ષનો ઑગસ્ટ મહિનો સૌથી ગરમ રહ્યો છે. IMDએ સપ્ટેમ્બર મહિનામાં પણ દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ(LPAના 91 ટકાથી ઓછો) રહેવાની ધારણા વ્યક્ત કરી છે.

શિયાળાની ઋતુ ટૂંકી થવા લાગી, ફેબ્રુઆરીમાં તાપમાન ઝડપથી વધ્યું

ચોમાસું પૂરું થયા પછી પણ અલ નીનોની ચિંતા હળવી થાય તેમ નથી, કારણ કે તેની અસર શિયાળાના તાપમાન પર પણ પડી શકે છે. દિલ્હી સ્થિત રિસર્ચ સંસ્થા 'ક્લાઇમેટ ટ્રેન્ડ્સ'ના અભ્યાસ મુજબ, ઉત્તર ભારતમાં શિયાળાનો સમયગાળો ટૂંકો થઈ રહ્યો છે અને ગરમી વહેલી શરૂ થઈ રહી છે. આંકડા દર્શાવે છે કે ફેબ્રુઆરી મહિનો સૌથી ઝડપથી ગરમ થઈ રહ્યો છે, જેમાં દર દાયકે તાપમાન સરેરાશ 0.69 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. માર્ચમાં 0.58 ડિગ્રી અને એપ્રિલમાં 0.66 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ દાયકાના દરે તાપમાન વધી રહ્યું છે.

ઘઉંના ઉત્પાદન માટે મોટો ખતરો

તાપમાનમાં આવી રહેલો આ ફેરફાર રવિ પાક, ખાસ કરીને ઘઉંની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિના ઘઉંના પાકમાં દાણા બનવા અને તેના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જો આ સમય દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહે, તો પાકને 'ટર્મિનલ હીટ સ્ટ્રેસ'નો સામનો કરવો પડે છે, જેનાથી ઘઉંના ઉત્પાદન પર સીધી નકારાત્મક અસર પડે છે.

શું છે આ 'અલ નીનો'?

અલ નીનો એ કોઈ સામાન્ય વાવાઝોડું કે હવામાન સિસ્ટમ નથી, પરંતુ પ્રશાંત મહાસાગર અને વાતાવરણ વચ્ચે થતો એક મોટો આબોહવાકીય ફેરફાર છે. જ્યારે મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે, ત્યારે અલ નીનોની સ્થિતિ સર્જાય છે. તેનાથી વિપરીત, જ્યારે સમુદ્રનું તાપમાન ઠંડુ હોય ત્યારે તેને 'લા નીના' કહેવામાં આવે છે, જે વૈશ્વિક સ્તરે ઠંડક લાવે છે.

વૈશ્વિક અર્થતંત્ર અને ખાદ્ય સુરક્ષા પર સંકટ

WMOના મહાસચિવ સેલેસ્ટે સાઉલોએ ચેતવણી આપી છે કે અલ નીનોની અસર વિશ્વભરના દેશો અને અર્થતંત્રો માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે આ પડકાર વધુ ગંભીર છે, કારણ કે અહીં ચોમાસું, શિયાળો અને ખેતી એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જો અલ નીનો વધારે મજબૂત બનશે તો તેની અસર માત્ર હવામાનના આંકડા સુધી સીમિત નહીં રહેતા ખેતર, પાણી, ખાદ્ય ઉત્પાદન અને સામાન્ય માણસના ખિસ્સા સુધી અનુભવાશે.