'આત્મહત્યા કરનાર ખેડૂતના અંતિમ સંસ્કારમાં જવાનું બંધ કરો...', ભાજપ MLAના વિવાદિત નિવેદન અંગે હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Buldhana MLA controversy: મહારાષ્ટ્રમાં શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના બુલઢાણાના MLA સંજય ગાયકવાડ પોતાના એક વિવાદિત નિવેદનને કારણે ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. ખેડૂતોની આત્મહત્યા અંગે તેમણે આપેલા નિવેદન બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાને પગલે પક્ષનું પ્રદેશ નેતૃત્વ અત્યંત નારાજ થયું છે અને તેમના પદ પરથી ચોક્કસ સમય માટે દૂર કરવા પર પણ વિચારણા કરી રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું શરમજનક નિવેદન
મંગળવારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ધારાસભ્ય ગાયકવાડે જણાવ્યું હતું કે, 'જે ખેડૂતો આત્મહત્યા કરે છે, તેમની અંતિમયાત્રામાં કે અંત્યેષ્ટિમાં કોઈએ જવું જોઈએ નહીં. જ્યારે લોકોને ખબર પડશે કે તેમના મૃતદેહને પ્રાણીઓ ખાશે અને તેમના અવશેષોની શું સ્થિતિ થશે, ત્યારે જ તેઓ આત્મહત્યા કરવાનું બંધ કરશે.' સાથે જ તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે કોઈ મુશ્કેલી હોય તો સરકાર, ધારાસભ્ય કે સાંસદ પાસે મદદ માંગવી જોઈએ, પરંતુ આત્મહત્યા કરીને બાળકોને નિરાધાર છોડવા એ તેમની સાથે અન્યાય છે.
એકનાથ શિંદેની નારાજગી અને પક્ષની કાર્યવાહીની શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર એકનાથ શિંદે ધારાસભ્યના આ વિવાદિત નિવેદનથી ભારે નારાજ થયા છે. શિવસેના નેતૃત્વનું માનવું છે કે ખેડૂતોના હિતમાં કામ કરતી પાર્ટીની છબીને આવા નિવેદનોથી મોટું નુકસાન પહોંચી રહ્યું છે. આથી સંજય ગાયકવાડને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે.
વિવાદ વધતાં ધારાસભ્યએ માફી માંગી સ્પષ્ટતા કરી
નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન અને આક્રોશ વધતાં ધારાસભ્ય સંજય ગાયકવાડે શુક્રવારે પોતાના નિવેદન અંગે માફી માંગી હતી. તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે, 'મારું નિવેદન ખેડૂતો માટે નહીં, પરંતુ નશાના આદિ બનેલા યુવાનો અને પરિવાર બરબાદ કરનારા લોકો માટે હતું. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં જો મહારાષ્ટ્રના ખેડૂતો અને મારા વરિષ્ઠ નેતાઓની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. હું પોતે ખેડૂત પરિવારમાંથી આવું છું અને હંમેશાં ખેડૂતોના હિતમાં કામ કરતો રહ્યો છું.'




