India

'દેશભરમાં બુલડોઝર એક્શનની તૈયારી...', સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ, જાણો કઈ ઇમારતો તૂટશે?

By GS Team
12 Aug 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે દેશભરમાં ગેરકાયદે બાંધકામો અને રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર કડક વલણ અપનાવ્યું છે. દિલ્હી, પટણા, લખનઉ સહિતના શહેરોમાં બુલડોઝર અને સીલિંગની કાર્યવાહીનો આદેશ અપાયો છે. દિલ્હીમાં સર્વેમાં વિલંબ બદલ MCD-NDMCને ફટકાર લગાવાઈ. પટણામાં 26,746 ગેરકાયદે કેસ મળ્યા, પૂર્વ કમિશનરને શો-કોઝ નોટિસ અપાઈ. લખનઉમાં પણ 3 અઠવાડિયામાં કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'દેશભરમાં બુલડોઝર એક્શનની તૈયારી...', સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ, જાણો કઈ ઇમારતો તૂટશે?
IMAGE - IANS

Supreme Court illegal construction: દેશભરમાં વર્ષોથી મોટા પાયે થઈ રહેલા અનધિકૃત બાંધકામ અને નિયમોનું ઉલ્લંઘન કરીને રહેણાંક (રેસિડેન્શિયલ) વિસ્તારોમાં ચાલી રહેલી વ્યાપારી (કોમર્શિયલ) પ્રવૃત્તિઓ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, પટણા, લખનઉ અને અન્ય શહેરોમાં આવા મામલાઓ પર યુદ્ધના ધોરણે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ આ તમામ શહેરોમાં મોટા પાયે બુલડોઝર ચલાવવાની અને સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

આગની ઘટનાઓ અને જીવલેણ દુર્ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટની ગંભીર નોંધ

જસ્ટિસ અહસાનોદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સુનાવણી દરમિયાન ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીની હોટેલ અને લખનઉના કોચિંગ સેન્ટરમાં લાગેલી ભયાનક આગને કારણે મોટા પાયે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. નિયમોના ભંગ અને ગેરકાયદે બાંધકામોના કારણે આવી મોટી દુર્ઘટનાઓ સર્જાય છે.

દિલ્હીમાં સરવેના કામમાં વિલંબ થતાં સુપ્રીમ કોર્ટે મ્યુનિસિપલ બોડીઝને ઝાટકી

દિલ્હીના જાણીતા લાજપતનગર અને સરોજિની નગર માર્કેટમાં ગેરકાયદે બાંધકામો અને ઇમારતોની મજબૂતી તપાસવા અંગે સુપ્રીમ કોર્ટે અગાઉ સ્પષ્ટ આદેશ આપ્યા હતા. તેમ છતાં, દિલ્હી નગર નિગમ (MCD) અને નવી દિલ્હી નગર પાલિકા પરિષદ (NDMC) દ્વારા હજુ સુધી સરવેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ બાંધકામોમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં અને ઇમારતો કેટલી સુરક્ષિત છે તે તપાસવા માટે કોર્ટે 9 જુલાઈના રોજ IIT દિલ્હીના બે પ્રોફેસરો અને અન્ય નિષ્ણાતોની એક કમિટી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, આ નિર્દેશ આપ્યા હોવા છતાં કમિટીની રચના અને તપાસનું કામ પૂરું ન થતાં સુપ્રીમ કોર્ટે બંને સંસ્થાઓનો ઉધડો લીધો હતો અને તેમની કામગીરી પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

પટણામાં 26,000થી વધુ ગેરકાયદે કેસ સામે આવ્યા, પૂર્વ નિગમ કમિશનરને શૉ-કોઝ નોટિસ

પટણા નગર નિગમ દ્વારા દાખલ કરવામાં આવેલા નવા સોગંદનામા મુજબ, અગાઉના આદેશ આધારે કરાયેલા સરવેમાં કુલ 26,746 એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં રહેણાંક મિલકતોનો ઉપયોગ કોમર્શિયલ કામો માટે થઈ રહ્યો છે. કોર્ટે ટકોર કરી હતી કે આ આંકડો સ્પષ્ટ દર્શાવે છે કે સંબંધિત મ્યુનિસિપલ કમિશનરોએ પોતાની જવાબદારી નિભાવવામાં ભારે બેદરકારી દાખવી છે.

પટણાના પૂર્વ નિગમ કમિશનર પરાશર, જેઓ લગભગ ચાર વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા, તેમણે દાખલ કરેલી એફિડેવિટમાં માત્ર 500 જેટલા મામલાઓ પર કાર્યવાહીની વિગતો આપી હતી. સુપ્રીમ કોર્ટે આ આંકડાને અયોગ્ય ગણાવીને પૂર્વ કમિશનર પરાશરને શૉ-કોઝ નોટિસ પાઠવી છે અને પૂછ્યું છે કે તેમના કાર્યકાળ દરમિયાન દાખવેલી આવી બેદરકારી બદલ તેમની સામે કાનૂની કાર્યવાહી શા માટે ન કરવામાં આવે.

લખનઉ વિકાસ મંડળ (LDA)ને પણ યુદ્ધના ધોરણે કાર્યવાહીનો આદેશ

સુપ્રીમ કોર્ટે લખનઉ વિકાસ મંડળ (LDA)ને પણ શહેરમાં નિયમો વિરુદ્ધ થયેલા બાંધકામો અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં ચાલી રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિઓની તપાસ માટે દિલ્હીની જેમ સરવે કરવાનો આદેશ આપ્યો છે. LDAના વાઇસ ચેરમેન પ્રથમેશ કુમારે કોર્ટને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 51 આવી મિલકતોની ઓળખ કરવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે એફિડેવિટ દ્વારા ખાતરી આપી હતી કે આખા ક્ષેત્રમાં યુદ્ધના ધોરણે તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે અને આ કામગીરી ત્રણ અઠવાડિયાની અંદર પૂર્ણ કરી લેવામાં આવશે.