India

મહિલા અનામત મુદ્દે મોદી સરકારે સમર્થન માંગતા રાહુલ ગાંધીનો જવાબ- 3 વર્ષ પહેલા પાસ થયેલું બિલ લાગુ કરો

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
મહિલા અનામત કાયદાના અમલ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ વચ્ચે X પર શાબ્દિક યુદ્ધ થયું. રાહુલ ગાંધીએ 2023માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી, જ્યારે કિરેન રિજિજુએ કોંગ્રેસના સમર્થન પર સવાલ ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ કાયદાના અમલમાં વિલંબ અને તેને સીમાંકન સાથે જોડવા સામે વાંધો ઉઠાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા અનામત મુદ્દે મોદી સરકારે સમર્થન માંગતા રાહુલ ગાંધીનો જવાબ- 3 વર્ષ પહેલા પાસ થયેલું બિલ લાગુ કરો

Rahul Gandhi vs Kiren Rijiju: મહિલા અનામતને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ માગ કરી છે કે વર્ષ 2023માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને કોઈ પણ શરત વગર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે.

સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી અને કિરેન રિજિજુ વચ્ચે બહેસ

આ સમગ્ર વિવાદની શરૂઆત રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોથી થઈ હતી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ તે વીડિયોને રીપોસ્ટ કરતાં લખ્યું હતું કે આ કોંગ્રેસના દૃષ્ટિકોણમાં સકારાત્મક ફેરફારનો સંકેત છે અને રાહુલ ગાંધીના દિલમાં મહિલાઓ પ્રત્યે બદલાવ દેખાઈ રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે હવે કોંગ્રેસ મહિલા અનામત બિલનું વિના શરતે સમર્થન કરશે.

આ ટિપ્પણીનો વળતો જવાબ આપતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે મહિલા અનામત બિલ 2023માં જ કોંગ્રેસના પૂર્ણ સમર્થન સાથે સર્વસંમતિથી પસાર થઈ ચૂક્યું છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે કાયદો બન્યાના ત્રણ વર્ષ પછી પણ તેને લાગુ કેમ કરવામાં આવ્યો નથી અને સરકાર તેને સીમાંકન (ડીલિમિટેશન) સાથે શા માટે જોડી રહી છે?

મહિલા સશક્તિકરણ અને મુક્ત અભિવ્યક્તિ પર રાહુલ ગાંધીનો ભાર

વીડિયો સંદેશમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'ભારતની મહિલાઓની ઊર્જા બંધાયેલી પડી છે અને તેમને પોતાની કલ્પના તથા અભિવ્યક્તિની આઝાદી નથી મળી રહી. જ્યાં સુધી મહિલાઓ ખુલ્લીને પોતાના વિચારો રજૂ ન કરી શકે ત્યાં સુધી કોઈ પણ દેશ સફળ થઈ શકે નહીં. મહિલા સશક્તિકરણ માત્ર બિઝનેસ કે રાજકારણ પૂરતું સીમિત ન હોવું જોઈએ, પરંતુ ઘરમાં, પરિવારમાં અને જાહેર સ્થળોએ પણ તેમને મુક્તપણે બોલવાની તથા પોતાના પરિવારના સભ્યો સામે પણ અસહમત થવાની આઝાદી મળવી જોઈએ.

નારી શક્તિ વંદન અધિનિયમ અને વર્તમાન સ્થિતિ

મહિલા અનામત બિલ, જેને 'નારી શક્તિ વંદન બિલ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વર્ષ 2023માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદા હેઠળ લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે આટલો મહત્ત્વપૂર્ણ કાયદો બની ગયો હોવા છતાં કેન્દ્ર સરકાર તેને અમલમાં મૂકવામાં વિલંબ કરી રહી છે.