માફી માંગો અને ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી કરો: PM મોદીના વીડિયો પર રાહુલ ગાંધીનો પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Slams PM Modi Video: પેપર લીક મુદ્દે પીએમ મોદી દ્વારા મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા વીડિયો સંદેશ બાદ વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીના આ વીડિયોને ‘લાચાર’ ગણાવીને કહ્યું કે, ‘પીએમ મોદી દેશના વિદ્યાર્થીઓનું અપમાન કરવાનું બંધ કરે અને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ બદલ માફી માંગે.’
રાહુલ ગાંધીની શિક્ષણ મંત્રીને બરતરફ કરવાની માંગ
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વડાપ્રધાન સામે ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે. તેમણે લખ્યું કે વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ માંગ કરી છે કે શિક્ષણ મંત્રીને તાત્કાલિક પદ પરથી હટાવવામાં આવે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વડાપ્રધાન આ મામલે વિદ્યાર્થીઓની માફી માંગે.
મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓનો પ્રહાર
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે વડાપ્રધાને મોડી રાત્રે વીડિયો સંદેશ જાહેર કરવાના બદલે સંસદમાં આવીને પોતાનો પક્ષ રાખવો જોઈએ. તેમણે સંસદમાં આવતા પહેલાં જ શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત, કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ સરકાર પર પોતાની જવાબદારીમાંથી ભાગવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું જ સરકારની જવાબદેહી તરફનું પહેલું પગલું ગણાશે.
પેપર લીક સામે કડક બિલ લાવવાની પીએમ મોદીની જાહેરાત
બીજી તરફ, પીએમ મોદીએ ગુરુવારે રાત્રે જાહેરાત કરી હતી કે ચાલી રહેલા સંસદના સત્ર દરમિયાન આવતા સપ્તાહે પેપર લીક સામે કડક જોગવાઈઓ ધરાવતું બિલ રજૂ કરવામાં આવશે. શુક્રવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પર ચર્ચા કરીને તેને આખરી ઓપ આપવામાં આવશે. નોંધનીય છે કે, પીએમ મોદીનો આ વીડિયો સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક તેમની 26 દિવસ લાંબી ભૂખ હડતાળ પૂરી કરી રહ્યા હતા, જે આ આંદોલનનો જ એક ભાગ હતી.









