રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર: 'જજ ભાજપ નક્કી કરે, પરંતુ મારી સાથે ખુલ્લી ચર્ચા પછી તેઓ PM નહીં રહે!'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi debate challenge PM Modi: દેશના રાજકારણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શાબ્દિક પ્રહારો વધુ તેજ બન્યા છે. કોંગ્રેસના 'ભારત જોડો' X એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી માહિતી મુજબ, શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ફરી એકવાર વન-ઓન-વન (આમને-સામને) ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, 'હું ગેરંટી આપું છું કે મારી સાથે વન-ઓન-વન ડિબેટ કર્યા પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહી શકશે નહીં.'
બસ્તર પ્રવાસ અને સરકારી મંચના ઉપયોગ અંગે વિવાદ
આ રાજકીય વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં દિવાળીના અવસરે બસ્તરની મુલાકાત દરમિયાન 'બૌદ્ધિક નક્સલીઓ' (Intellectual Naxals)નો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદન બાદ રાહુલ ગાંધીએ ખરેખર રાષ્ટ્રવિરોધી કોણ છે અને વિદેશી શક્તિઓના પ્રભાવ હેઠળ કોણ કામ કરી રહ્યું છે, તે મુદ્દે ચર્ચાનો પડકાર આપ્યો હતો. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે સરકારી મંચોનો ઉપયોગ કરી રહ્યા છે. બીજી તરફ, ભાજપે વળતો જવાબ આપતા કહ્યું હતું કે આવી ચર્ચાઓ માટે સંસદ જ યોગ્ય મંચ છે.
'કેટલાક લોકો માને છે કે બંધારણ તેમના ખિસ્સામાં છે': પીએમ મોદી
ગુરુવારે દિલ્હીમાં આયોજિત 'કિસાન તક ભારત એગ્રીકલ્ચર કોન્ફરન્સ 2026'ને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કાર્યક્રમોમાં બંધારણની નકલ સાથે રાખતા વિપક્ષી નેતાઓ પર નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, 'આજકાલ કેટલાક લોકો પોતાના ખિસ્સામાંથી બંધારણ કાઢે છે અને તેમને લાગે છે કે દેશનું બંધારણ અને લોકશાહી તેમના ખિસ્સામાં જ રહે છે. સત્તા ગુમાવ્યા પછી પણ તેઓ સત્તાના નશામાં ડૂબેલા છે, પરંતુ જ્યારે આ જ લોકો સત્તામાં હતા ત્યારે તેમના કાર્યો કેવા હતા?'
સંસદમાં બોલવા ન દેવાના રાહુલ ગાંધીના આક્ષેપો
રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં સંસદની કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, 'મેં સંસદમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મને બોલવા દેવામાં આવ્યો નહોતો અને ઘણીવાર મારું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. મેં કિસાન બિલ, એસઆઈઆર, ચીનના મુદ્દા અને નરવાણેની પુસ્તક પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને ક્યારેય પૂરતી તક આપવામાં આવી નથી.'
'અદાણી કે મોહન ભાગવતને પણ જજ બનાવી શકો છો'
વડાપ્રધાન મોદી સાથે ચર્ચાની ઈચ્છા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ કોઈપણ મંચ પર આ ચર્ચા માટે તૈયાર છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, 'ભાજપ પોતાની પસંદગીનો કોઈપણ વ્યક્તિ જજ તરીકે રાખી શકે છે, ભલે તેઓ ગૌતમ અદાણી કે મોહન ભાગવતને જ કેમ ન બેસાડે. આ વન-ઓન-વન ચર્ચા બાદ વડાપ્રધાન પોતાનું પદ જાળવી શકશે નહીં.'
અગાઉ પણ આપી ચૂક્યા છે ચર્ચાની ચેલેન્જ
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અગાઉ પણ અલગ-અલગ તકો પર વડાપ્રધાન મોદીને સાર્વજનિક ચર્ચાની ચેલેન્જ આપી ચૂક્યા છે. એપ્રિલ 2019માં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે રાફેલ સોદા અને ભ્રષ્ટાચારના મુદ્દે 15 મિનિટની સીધી ચર્ચાનો પડકાર ફેંક્યો હતો. આ ઉપરાંત, મે 2024માં લોકસભા ચૂંટણી દરમિયાન પૂર્વ ન્યાયાધીશો અને વરિષ્ઠ પત્રકારો દ્વારા આપવામાં આવેલા ચર્ચાના નિમંત્રણને પણ રાહુલ ગાંધીએ સ્વીકાર્યું હતું, જેમાં તેમણે પીએમ મોદીને સામે-સામે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું હતું.




