'3 દિવસમાં માફી માગો નહીંતર...' PM મોદીનો વીડિયો હટાવવા અંગે સંસદીય સમિતિની ઝુકરબર્ગને ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Facebook Video: પીએમ મોદીના એક વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અસ્થાયી રૂપે હટાવવાનો મામલો હવે ભારે ગરમાયો છે. સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગને આ મુદ્દે 3 દિવસની અંદર બિનશરતી માફી માંગવા માટે આદેશ આપ્યો છે. સમિતિએ કડક ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો ઝુકરબર્ગ નિયત સમયમાં માફી નહીં માંગે, તો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ તેમની કંપનીને મળતી 'સેફ હાર્બર ઇમ્યુનિટી' (સુરક્ષા) પાછી ખેંચી લેવામાં આવશે. આ અંગે સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણનને પણ પત્ર લખીને જાણ કરી છે.
પીએમ મોદીનો વીડિયોને બ્લોક કરવાનો મામલો ગંભીરતાથી લેવાયો
સંસદીય સમિતિ દ્વારા લખાયેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પીએમ મોદીના વિદ્યાર્થીઓ અને Gen Zને સંબોધતા વીડિયોને 5થી 6 કલાક માટે ફેસબુક પરથી હટાવી દેવામાં આવ્યો હતો. સમિતિએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. પત્ર મળ્યાના 3 દિવસમાં માર્ક ઝુકરબર્ગે આ ભૂલ બદલ સ્પષ્ટતા સાથે માફી માંગવી પડશે.
નિશિકાંત દુબેએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'કેટલાંક ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ્સ દેશમાં સરકાર-વિરોધી અને લોકશાહી-વિરોધી સામગ્રીને પ્રોત્સાહન આપી રહ્યા છે, જ્યારે મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલી ગેરકાયદે સામગ્રી અટકાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.'
'સેફ હાર્બર' સુરક્ષા છીનવી લેવાની ભલામણ અને ગૂગલ ઇન્ડિયા સામે કાર્યવાહીની માગ
સમિતિએ ભલામણ કરી છે કે જો ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ ભારતીય કાયદાઓનું સંપૂર્ણ પાલન નહીં કરે, તો તેમને આઇટી કાયદા હેઠળ મળતી 'સેફ હાર્બર' સુરક્ષા રદ કરી દેવી જોઈએ. આ સુરક્ષા હટવાથી કંપનીઓ યુઝર્સ દ્વારા પોસ્ટ કરાતી સામગ્રી માટે સીધી રીતે જવાબદાર બનશે.
આ ઉપરાંત, અન્ય એક મામલામાં પણ સમિતિએ આકરું વલણ અપનાવ્યું છે. સાયબર ફ્રોડ કેસના સંદર્ભમાં હૈદરાબાદ પોલીસ દ્વારા ગૂગલ ઇન્ડિયાના હેડ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવે તે માટે સંસદીય સમિતિએ ભારત સરકારને ખાસ વિનંતી કરી છે.









