India

'હું બાબા બાગેશ્વર તો નથી...' PM મોદીની વાત સાંભળી દિલ્હી IITના વિદ્યાર્થીઓ હસી પડ્યા

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ IIT દિલ્હીના 57મા પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા. મોદીએ રમૂજી અંદાજમાં કહ્યું કે, "હું બાબા બાગેશ્વર નથી, પણ તમારા મનમાં ભવિષ્યનું ચાલતું હશે." તેમણે ટેક્નોલોજીના બદલાતા પ્રવાહ અને સતત શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. PMએ ગોલ્ડ મેડલ વિજેતાઓમાં વધુ દીકરીઓ હોય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી. વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું બાબા બાગેશ્વર તો નથી...' PM મોદીની વાત સાંભળી દિલ્હી IITના વિદ્યાર્થીઓ હસી પડ્યા

PM Modi IIT Delhi: પીએમ મોદી શનિવારે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભ (દીક્ષાંત સમારોહ)માં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને તેમની નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીનો હળવો અંદાજ

પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે રમૂજી અંદાજમાં વાતચીત કરતાં કહ્યું કે, 'આજે તમામ વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં હાજર છે, પરંતુ તમારા મનમાં ભવિષ્યને લઈને કંઈક ને કંઈક જરૂર ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર તો નથી, પણ મનમાં કંઈક તો ચાલતું જ હશે. દરેક વિદ્યાર્થીના મનમાં આવનારા કાલની અલગ-અલગ તસવીર હોય છે. કોઈને પોતાની પહેલી નોકરી અને પગારની રાહ હશે, તો કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યું હશે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ આગળની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનો લક્ષ્યાંક રાખતા હશે.'

'ટેક્નોલોજીને કારણે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે'

વડાપ્રધાને જણાવ્યું કે, 'આજે ગ્લોબલ ઑર્ડર ઝડપથી બદલાઈ રહ્યો છે અને તેની પાછળ ટેક્નોલોજી એક મોટું કારણ છે. આવનારા 20-30 વર્ષમાં દુનિયા કેવી હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ટેક્નોલોજી બદલાશે, દુનિયા બદલાશે, પરંતુ આ બદલાતી દુનિયામાં એ જ આગળ વધશે જે સતત શીખતો રહેશે. IIT દિલ્હીમાં તમારા પહેલા દિવસને યાદ કરો અને હવે આજથી તમામ વિદ્યાર્થીઓના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે.'

ગોલ્ડ મેડલ વિજેતાઓમાં ગર્લ્સની સંખ્યા વધારવા પર ભાર

સમારંભ દરમિયાન પીએમ મોદીએ વિવિધ સિદ્ધિઓ માટે મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને દિલથી અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે હળવી ટકોર કરતાં કહ્યું કે, 'જો મેડલ મેળવનારાઓમાં થોડી વધુ છોકરીઓ હોત તો વધુ સારું હોત. માત્ર એક કે બે જ કેમ? હજુ પણ વધુ હોવી જોઈતી હતી.'

આઝાદીના સંઘર્ષની યાદ અને વિકસિત ભારતનો સંકલ્પ

પીએમ મોદીએ ગુલામીના દૌર અને તે સમયની પેઢીના સંઘર્ષને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'દરેક પેઢીની પોતાની એક રાષ્ટ્રીય જવાબદારી હોય છે. આઝાદી પહેલાં લોકો સામે દેશને આઝાદ કરાવવાનો લક્ષ્યાંક હતો. આજે આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ તો તેની પાછળ તે પેઢીની મહેનત અને બલિદાન છે. આજે આપણી જવાબદારીઓ અલગ છે. આગામી 30-35 વર્ષમાં તમેં જે પણ કામ કરશો, તેની અસર વિકસિત ભારતના સફર પર પડશે. તેથી દરેક નિર્ણય લેતી વખતે દેશે એ વિચારવું જોઈએ કે તેનાથી દેશને શું ફાયદો થશે.'