PM CARES ફંડમાં દાન ઘટ્યું પણ બેલેન્સ રેકોર્ડ સ્તરે: ખર્ચ ઘટીને માત્ર 87 લાખ થયો, 8 હજાર 452 કરોડ રૂપિયા જમા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM CARES Fund: વર્ષ 2024-25માં પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને કટોકટી રાહત ફંડ (PM CARES Fund)માં મળતું વાર્ષિક યોગદાન ઘટીને ₹479.96 કરોડ રહી ગયું છે. પીએમ કેર્સ ફંડ પોર્ટલ પર જાહેર કરાયેલા ઓડિટેડ હિસાબી વિગતો અનુસાર, આ કુલ યોગદાનમાં ₹479.04 કરોડ ઘરેલુ દાનમાંથી આવ્યા છે, જ્યારે વિદેશી દાન માત્ર ₹92 લાખ જેટલું જ રહ્યું છે. દાનમાં થયેલા આ ઘટાડા છતાં, ખર્ચ સાવ નહિવત થવાના કારણે નાણાકીય વર્ષના અંતે ફંડમાં જમા બેલેન્સ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.
વ્યાજ અને પરત મળેલી રકમથી ફંડની આવકમાં વધારો
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન પીએમ કેર્સ ફંડને માત્ર દાન જ નહીં પરંતુ અન્ય સ્રોતોમાંથી પણ નોંધપાત્ર આવક થઈ છે. ફંડને ફિક્સ ડિપોઝિટ (FD) અને રેગ્યુલર એકાઉન્ટ્સમાંથી વ્યાજ પેટે ₹475.14 કરોડ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, બેંકો દ્વારા કાપવામાં આવેલા TDSના રિફંડ તરીકે ₹13.49 લાખ અને અમલીકરણ એજન્સીઓ પાસેથી પરત મળેલી રકમ પેટે ₹324.65 કરોડ ફંડમાં જમા થયા છે.
વાર્ષિક ખર્ચ ઘટીને 5 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો
એક તરફ દાન ઘટ્યું છે તો બીજી તરફ ફંડમાંથી થતો વાર્ષિક ખર્ચ સાવ ઘટીને માત્ર ₹87.85 લાખ રહી ગયો છે, જે છેલ્લા 5 વર્ષોમાં સૌથી ઓછો છે. આ કુલ ખર્ચમાંથી ₹87.84 લાખ 'PM Cares for Children' યોજના પાછળ વપરાયા છે, જ્યારે ₹451 બેંક અને એસએમએસ ચાર્જ પેટે ચૂકવાયા છે. નોંધનીય છે કે, અગાઉના વર્ષોમાં આ ખર્ચ ઘણો વધારે હતો; 2023-24માં ₹15.59 કરોડ, 2022-23માં ₹437.87 કરોડ, 2021-22માં ₹3,716.29 કરોડ અને કોરોનાના સમયગાળા દરમિયાન 2020-21માં વિક્રમજનક ₹3,976.17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ફંડની કુલ બેલેન્સ ₹8452.06 કરોડે પહોંચી
ઓછા ખર્ચના કારણે નાણાકીય વર્ષ 2024-25ના અંતે ફંડમાં રહેલી કુલ બેલેન્સ ₹8452.06 કરોડના ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ છે. આ બેલેન્સ અગાઉના નાણાકીય વર્ષ (2023-24)ના ₹7173.03 કરોડની સરખામણીએ 17.83%નો વધારો દર્શાવે છે. પીએમ કેર્સ ફંડમાં સૌથી વધુ દાન કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020-21માં મળ્યું હતું, જેમાં ₹7183.77 કરોડ ઘરેલુ અને ₹494.93 કરોડ વિદેશી દાનનો સમાવેશ થતો હતો. ત્યારબાદના વર્ષોમાં દાનના આંકડામાં સતત ઘટાડો નોંધાયો છે.
પીએમ કેર્સ ફંડનું માળખું
માર્ચ 27, 2020 ના રોજ કોવિડ-19 રોગચાળા દરમિયાન દેશવ્યાપી લોકડાઉન લાગુ થયાના ગણતરીના દિવસોમાં પીએમ કેયર્સ ફંડને 'રજિસ્ટ્રેશન એક્ટ, 1908' હેઠળ એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રી આ ટ્રસ્ટના હોદ્દાની રૂએ (Ex-officio) અધ્યક્ષ છે, જ્યારે સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી અને નાણા મંત્રી તેના હોદ્દાની રૂએ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.









