એક્સપ્રેસ વે પર 120 kmphની ઝડપે ગાડી દોડાવવાની છૂટ, મેમો નહીં ફાટે, નીતિન ગડકરીની મોટી જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વાહન ચાલકોને સ્પીડિંગ મેમો અંગે મોટી રાહત આપી છે. તેમણે જાહેરાત કરી છે કે હવે એક્સપ્રેસવે પર 120 kmph સુધીની ઝડપે ગાડી ચલાવવા પર કોઈ મેમો નહીં ફાટે. આ સાથે જ નક્કી કરેલી સ્પીડ લિમિટથી 20% વધુ સ્પીડ પર પણ રાહત આપવાની વાત કહી છે, જેથી બિનજરૂરી દંડમાંથી વાહન ચાલકોને મુક્તિ મળી શકે.
એક્સપ્રેસવે પર 120 kmph અને વધુ ઝડપ પર રાહત
કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના એક કાર્યક્રમમાં ભારતના હાઇવેના ભવિષ્ય અંગે વાત કરતા નીતિન ગડકરીએ જણાવ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જેવા મોટા હાઇવે પર વાહનચાલકોને મળતી બિનજરૂરી મેમો નોટિસ ઘટાડવા માટે આ સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, 'મેં નિર્દેશ આપ્યો છે કે 120 kmph સુધીની ઝડપ માટે કોઈ નોટિસ મોકલવામાં ન આવે. આ સિવાય જો કોઈ 120 kmphથી 20% વધુ સ્પીડ (એટલે કે લગભગ 144 kmph સુધી) પર પણ વાહન ચલાવે છે, તો પણ તેમને જવા દો. જો કોઈ તેનાથી પણ વધુ ઝડપે ગાડી ચલાવે ત્યારે જ ભારે દંડ લગાવવો જોઈએ.' જોકે, આ વાત નિયમોના અમલીકરણના સંદર્ભમાં હતી, સ્પીડ લિમિટમાં કોઈ સત્તાવાર ફેરફાર તરીકે નહીં.
AI-આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પર ભાર
કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગ જગતને એક AI-આધારિત એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS) લાગુ કરવામાં મદદ કરવા અપીલ કરી હતી. આ નવી સિસ્ટમથી અધિકારીઓને લેન-શિસ્તના ઉલ્લંઘનને પકડવામાં અને દેશના વધી રહેલા હાઇવે નેટવર્ક પર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં મોટી મદદ મળશે.
E20 ફ્યુઅલની ટીકાઓ પર નીતિન ગડકરીનો કડક જવાબ
આ સિવાય ગડકરીએ E20 પેટ્રોલ સામે થઈ રહેલી ટીકાઓ અને વિરોધ પ્રદર્શનોને 'પેઇડ પ્રોપેગેન્ડા' (નાણાં આપીને ચલાવાતો પ્રચાર) ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે 2022થી દેશમાં 4 કરોડ કાર અને 20 કરોડ ટૂ-વ્હીલર્સ E20 ફ્યુઅલ પર ચાલી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, 'શું અત્યાર સુધી કોઈની ગાડી ખરાબ થઈ છે?' તેમની આ ટિપ્પણી મંત્રાલય દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં કરેલા સુધારાના એક દિવસ બાદ આવી છે, જે અંતર્ગત હવે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને 100% ઇથેનોલ (E100) પર ચાલવાની મંજૂરી પણ મળી ગઈ છે.




