India

'જન ગણ મન...' ભારતનું રાષ્ટ્રગાન નથી... 'શક્તિમાન' તરીકે જાણીતા મુકેશ ખન્નાનું વિવાદિત નિવેદન

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
'શક્તિમાન' ફેમ અભિનેતા મુકેશ ખન્નાએ રાષ્ટ્રગાન મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે 'જન ગણ મન'ના સ્થાને 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન બનાવવાની માંગ કરી છે. ખન્નાના મતે, 'જન ગણ મન' ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ છે, જ્યારે 'વંદે માતરમ' દેશની મૂળ ભાવના સાથે જોડાયેલું છે. તેમણે આ અંગે ઝડપી નિર્ણય લેવા સરકારને વિનંતી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જન ગણ મન...' ભારતનું રાષ્ટ્રગાન નથી... 'શક્તિમાન' તરીકે જાણીતા મુકેશ ખન્નાનું વિવાદિત નિવેદન
IMAGE - IANS

Mukesh Khanna on National Anthem: 'શક્તિમાન' તરીકે જાણીતા અભિનેતા મુકેશ ખન્નાએ દેશના રાષ્ટ્રગાનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે માંગ કરી છે કે 'જન ગણ મન'ના સ્થાને 'વંદે માતરમ'ને દેશનું રાષ્ટ્રગાન બનાવવું જોઈએ. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, 'હું આ વાત અગાઉ પણ કરી ચૂક્યો છું અને હવે એવું ઈચ્છું છું કે આ દિશામાં ઝડપથી નિર્ણય લેવામાં આવે.'

'જન ગણ મન' અને ક્વીન એલિઝાબેથ સાથે જોડાયેલો દાવો

મુકેશ ખન્નાએ જણાવ્યું કે, 'મેં ત્રણ વર્ષ પહેલાં પણ કહ્યું હતું કે 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન બનાવવું જોઈએ. 'જન ગણ મન' આપણું રાષ્ટ્રગાન ન હોવું જોઈએ, કારણ કે તે ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ સમાન છે. રવીન્દ્રનાથ ટાગોરે તેમની પ્રશંસામાં આ ગીત લખ્યું હતું અને આપણે તેને સ્વીકારી લીધું.'

'વંદે માતરમ' દેશની ભાવના સાથે જોડાયેલું છે

'જન ગણ મન'ના શબ્દોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'તેમાં આવતા 'ભાગ્યવિધાતા', 'પંજાબ' અને 'સિંધ' જેવા શબ્દો પોતાના નથી લાગતા, જ્યારે 'વંદે માતરમ' દેશની મૂળ ભાવના સાથે જોડાયેલું છે. લતા મંગેશકરે તેને ખૂબ જ સુંદર રીતે ગાયું હતું અને હું પોતે પણ આ ગીત પર લાંબા સમયથી કામ કરી રહ્યો છું. મેં કલ્યાણજી-આનંદજી સાથે મુલાકાત કરીને અંદાજે સાત મિનિટનું 'વંદે માતરમ' રેકોર્ડ કર્યું છે. મારી ઈચ્છા છે કે આ રેકોર્ડિંગ આઇકોનિક બને અને 'જન ગણ મન'ને જલ્દીથી હટાવીને તેની જગ્યાએ 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન બનાવવામાં આવે.'

પીએમ મોદી અને વિવાદિત નિવેદનો

મુકેશ ખન્નાએ જણાવ્યું કે, 'પીએમ મોદીએ આ દિશામાં કામ શરૂ કર્યું છે અને શાળાઓ તેમજ કાર્યક્રમોમાં 'વંદે માતરમ'ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે પૂરેપૂરું 'વંદે માતરમ' ગાવામાં આવે.'

ઉલ્લેખનીય છે કે મુકેશ ખન્ના પોતાના તીખા નિવેદનો માટે જાણીતા છે. અગાઉ શો 'સ્ટીલ અલાઈવ'માં શક્તિમાન પાત્ર પર ટિપ્પણી કરવા બદલ તેમણે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના સામે સોશિયલ મીડિયા પર આકરો રોષ વ્યક્ત કર્યો હતો.