India

સીમાંકન બિલ પર સસ્પેન્સ: ચોમાસુ સત્રને 100 દિવસ પૂરા થયા છતાં સત્રાવસાન નહીં, 2008નો રેકોર્ડ તૂટ્યો

By GS Team
21 Nov 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકાર મહિલા અનામત માટે બંધારણીય સુધારા બિલ પસાર કરવા વિશેષ સત્ર યોજવાનું વિચારી રહી છે. સંસદનું ચોમાસુ સત્ર 100 દિવસ સુધી સત્રાવસાન વગર ચાલુ રહ્યું. કોંગ્રેસના જયરામ રમેશે જણાવ્યું કે, PM-HM જોડી બિલ પસાર કરવા 2/3 બહુમતી મેળવવા પ્રયાસ કરી રહી છે. આ સુધારાથી લોકસભાની બેઠકો 543થી વધી 850 થઈ શકે છે. કોંગ્રેસે 2029 સુધી બેઠકોની સંખ્યા સ્થિર રાખવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીમાંકન બિલ પર સસ્પેન્સ: ચોમાસુ સત્રને 100 દિવસ પૂરા થયા છતાં સત્રાવસાન નહીં, 2008નો રેકોર્ડ તૂટ્યો
IMAGE - IANS

Monsoon Session Unprorogued 100 Days: મહિલા અનામત લાગુ કરવા માટે મતવિસ્તારોના પુનર્ગઠનને જોડતા બંધારણ સુધારા બિલને પસાર કરવા કેન્દ્ર સરકાર વિશેષ બેઠક અંગે વિચારણા કરી રહી છે, ત્યારે શનિવારે સંસદનું ચોમાસુ સત્ર રેકોર્ડ 100 દિવસ સુધી સત્રાવસાન કર્યા વિના જ ચાલુ રહ્યું હતું.

બહુમતી મેળવવા 'PM-HM જોડી'ના પ્રયાસ: જયરામ રમેશ

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે લોકસભામાં આ બિલ પસાર કરવા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હજુ પણ પ્રયાસ કરી રહ્યા છે. 13 ઓગસ્ટના રોજ બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા, પરંતુ શનિવાર સવાર સુધી સત્રાવસાનની ઔપચારિક જાહેરાત થઈ ન હતી.

અગાઉ વર્ષ 2008માં 87 દિવસનો રેકોર્ડ નોંધાયો હતો. જયરામ રમેશે 'X' પર લખ્યું હતું કે ચોમાસુ સત્ર સ્થગિત થયાને આજે 100મો દિવસ છે અને 'PM-HM જોડી' હજુ પણ મતવિસ્તાર પુનર્ગઠન અંગેનું બંધારણ સુધારા બિલ પસાર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતી શોધી રહી છે.

850 બેઠકો સુધી લોકસભા વધારવાની ચર્ચા, શિયાળુ સત્રને લઈને અટકળો

કેન્દ્ર સરકાર વિશેષ અથવા લંબાવેલી બેઠક અંગે વિચારણા કરી રહી છે અને અગાઉ સરકારી સૂત્રોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બિલ 15થી 18 મતોથી લોકસભામાં પસાર થઈ જશે. જોકે, સરકારે હજુ સુધી તારીખો કે બેઠક કેટલા દિવસ ચાલશે તે જાહેર કર્યું નથી, જેના કારણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થનારા શિયાળુ સત્રના સમયને લઈને પણ અટકળો શરૂ થઈ છે.

નિયમ મુજબ ચાલુ સત્રની લંબાવેલી બેઠક માટે ઓછામાં ઓછી 2 દિવસની અને નવા સત્ર માટે 14 દિવસની નોટિસ જરૂરી છે, જ્યારે બંધારણમાં સત્રાવસાન માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી. ચર્ચા હેઠળના આ સુધારાથી લોકસભાની બેઠકો 543થી વધીને મહત્તમ 850 થઈ શકે છે, જેનાથી 2029ની લોકસભા ચૂંટણી પહેલા સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો માર્ગ મોકળો થશે.

દક્ષિણના રાજ્યોની ચિંતા દૂર કરવા દરેક રાજ્યમાં 50 ટકા બેઠકો વધારવા અથવા 1971ની વસ્તીગણતરી મુજબ રાજ્યો વચ્ચેનો વર્તમાન હિસ્સો જાળવી રાખવા જેવા વિકલ્પો વિચારણા હેઠળ છે, પરંતુ અંતિમ નિર્ણય બાકી છે.

'વિકસિત ભારત'ના લક્ષ્ય સુધી વ્યવસ્થા સ્થિર રાખવાની જયરામ રમેશની માંગ

જયરામ રમેશે સવાલ ઉઠાવ્યો હતો કે 17 એપ્રિલ, 2026ના રોજ જૂનું બિલ મોટા અંતરથી પરાજિત થયા બાદ નવા બિલમાં શું હશે તેની કોઈને જાણ નથી અને કોઈ પણ રાજકીય પક્ષ સાથે ગંભીર ચર્ચા થઈ નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને 4 પત્રો લખ્યા હોવા છતાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી નથી.

અગાઉ જયરામ રમેશે લોકસભાની બેઠકો 543 રાખીને, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ યથાવત રાખીને, મહિલાઓને એક-તૃતીયાંશ અનામત આપીને 25 વર્ષ સુધી વ્યવસ્થા સ્થિર રાખવાની ફોર્મ્યુલા આપી હતી, પરંતુ શનિવારની પોસ્ટમાં તેમણે કહ્યું કે આ સ્થિરતા 'વિકસિત ભારત'નું લક્ષ્ય સિદ્ધ થાય ત્યાં સુધી રહેવી જોઈએ.

તેમણે 1976માં ઈન્દિરા ગાંધી અને 2001માં અટલ બિહારી વાજપેયીએ 25 વર્ષ માટે પુનર્ગઠન ટાળ્યું હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આર્થિક, રાજકીય, સામાજિક, સૈન્ય અને વિદેશ નીતિના વધુ મહત્ત્વના પડકારો સામેલ હોવાથી મોટા પાયે પુનર્ગઠન હાલ ટાળી શકાય છે. 19 નવેમ્બરે FICCI કોન્ક્લેવમાં વડાપ્રધાન મોદીએ અર્થતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરી હોવાનો ઉલ્લેખ કરતાં જયરામ રમેશે કહ્યું કે સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા માટે શાંત વાતાવરણ અને વ્યાપક સંવાદ જરૂરી છે, અને 'વિકસિત ભારત' સાકાર થાય ત્યારે જ નવા પુનર્ગઠનનો નિર્ણય લેવો રાષ્ટ્રહિતમાં રહેશે.