મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટા ખેલના એંધાણ! 3 દિગ્ગજ નેતાઓની ગુપ્ત બેઠકથી ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jayant Patil Devendra Fadnavis meeting: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર જોરદાર હલચલ શરૂ થઈ ગઈ છે. બુધવારે મોડી રાત્રે શરદ પવારની પાર્ટીના વરિષ્ઠ નેતા જયંત પાટીલ અચાનક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' બંગલે પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે બંધ બારણે યોજાયેલી આ ગુપ્ત બેઠકને કારણે રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર તેજ બન્યો છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં જ કોઈ મોટો રાજકીય ઉલટફેર થવાની આશંકા સેવાઈ રહી છે.
NCPના બંને જૂથના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
આ રાજકીય ગરમાવા વચ્ચે માત્ર શરદ પવાર જૂથ જ નહીં, પરંતુ અજિત પવાર જૂથના નેતાઓએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતાઓ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે પણ મોડી રાત્રે 'વર્ષા' બંગલે પહોંચ્યા હતા અને દેવેન્દ્ર ફડણવીસ સાથે લાંબી ચર્ચા કરી હતી. બીજી તરફ, શરદ પવાર જૂથ વતી જયંત પાટીલે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જોકે, મુખ્યમંત્રીને મળતા પહેલા જયંત પાટીલે દક્ષિણ મુંબઈમાં શરદ પવારના નિવાસસ્થાન 'સિલ્વર ઓક' ખાતે જઈને તેમની સાથે પણ મુલાકાત કરી હતી. હાલમાં આ તમામ મુલાકાતો અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
શરદ પવારની પાર્ટી પર મંડરાઈ રહ્યું છે રાજકીય સંકટ
હાલના તબક્કે મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવારની પાર્ટી મોટા સંકટનો સામનો કરી રહી હોવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારની પાર્ટીના 10 ધારાસભ્યોમાંથી મોટાભાગના ધારાસભ્યો NDA સરકારમાં સામેલ થવાના પક્ષમાં છે. આ ધારાસભ્યોએ પોતાના વિસ્તારોમાં કામ ન થવા અથવા તો વિલંબથી થવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. જયંત પાટીલે આ અગાઉ ધારાસભ્યોની આ સમસ્યાઓ અંગે શરદ પવારને પણ માહિતગાર કર્યા હતા અને હવે આ જ મુદ્દે તેઓ દેવેન્દ્ર ફડણવીસને મળવા પહોંચ્યા હોવાનું માનવામાં આવે છે.
10 ધારાસભ્યો અને 8 સાંસદો તૂટવાનો ભય
મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદોના બળવા પછી હવે શરદ પવાર જૂથ પર પણ આવું જ સંકટ તોળાઈ રહ્યું છે. શરદ પવારની પાર્ટી પાસે હાલમાં 10 ધારાસભ્યો અને 8 સાંસદોનું સંખ્યાબળ છે, પરંતુ આ નેતાઓ પક્ષ છોડી શકે તેવો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. આ જ રાજકીય ખેંચતાણ અને પક્ષને બચાવવાની વ્યૂહનીતિના ભાગરૂપે જયંત પાટીલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પહોંચીને મુલાકાત કરી હોવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ આવી શકે છે.









