India

મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, RSSના ગઢ નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. નાગપુર સ્નાતક મતવિસ્તારની બેઠક પર કોંગ્રેસના અભિજિત વણજારીએ સતત બીજી વખત ભાજપના સુધાકર કોહલેને 3,271 મતોથી હરાવી વિજય મેળવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ગઢમાં ભાજપની આ હારથી કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળ્યો છે. વણજારીએ 67,231 મતો મેળવી જીત નોંધાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, RSSના ગઢ નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
IMAGE - abhijitwanjari.com

Maharashtra MLC Election Result 2026: મહારાષ્ટ્ર વિધાન પરિષદ (MLC) ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો આંચકો લાગ્યો છે. ભાજપનો મજબૂત ગઢ ગણાતી નાગપુર સ્નાતક મતવિસ્તારની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અભિજિત વણજારીએ સતત બીજી વખત શાનદાર જીત નોંધાવી છે. તેમણે ભાજપના ઉમેદવાર સુધાકર કોહલેને 3,271 મતોના અંતરથી પરાજય આપ્યો છે. આ બેઠક પર કોંગ્રેસની જીત પક્ષ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ચૂંટણીના આંકડા અને રસપ્રદ મુકાબલો

નાગપુર સ્નાતક બેઠક પર મંગળવારથી શરૂ થયેલી લાંબી મતગણતરી ગુરુવારે વહેલી સવારે પૂર્ણ થઈ હતી. પ્રથમ પસંદગીના મતોમાં જરૂરી કોટા ન મળતાં બીજી પસંદગીના મતો અને ટ્રાન્સફર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં અપક્ષ ઉમેદવાર નિતેશ કરાલે પણ મહત્ત્વના રહ્યા હતા. અંતે કોંગ્રેસના અભિજિત વણજારીને 67,231 મત અને ભાજપના સુધાકર કોહલેને 63,960 મત મળતા વણજારી વિજેતા જાહેર થયા હતા.

ભાજપના દિગ્ગજોના હોમટાઉનમાં આંચકો

નાગપુર ક્ષેત્ર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું હોમટાઉન છે. ભાજપે આ બેઠક જીતવા માટે સુધાકર કોહલેના સમર્થનમાં પોતાના વરિષ્ઠ નેતાઓની ફોજ પ્રચારમાં ઉતારી હતી. તેમ છતાં ભાજપ આ બેઠક બચાવી શક્યું નથી. એક સમયે ભાજપનો અજેય ગઢ ગણાતી આ બેઠક પર સતત બીજી વાર હાર થવાને કારણે હવે ભાજપે પોતાના જ વિસ્તારમાં મંથન કરવાનો વારો આવ્યો છે.

2020નું પુનરાવર્તન અને કોંગ્રેસમાં ઉત્સાહ

અભિજિત વણજારીએ આ પહેલા ડિસેમ્બર 2020માં યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપના સંદીપ જોશીને હરાવીને પ્રથમ વખત આ બેઠક જીતી હતી. હવે 2026ની આ ચૂંટણીમાં ફરી એકવાર વિજય મેળવીને તેમણે સાબિત કર્યું છે કે નાગપુરના સ્નાતક મતદારો પર કોંગ્રેસની પકડ મજબૂત થઈ રહી છે. આ જીતથી મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોણ છે અભિજિત વણજારી?

અભિજિત ગોવિંદરાવ વણજારી એક અનુભવી નેતા હોવાની સાથે વકીલ અને શિક્ષણશાસ્ત્રી પણ છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી B.A. અને LL.B.નો અભ્યાસ કર્યો છે. તેઓ પોતાના વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં સક્રિય રહ્યા છે અને વર્ષ 1998થી 2002 દરમિયાન 'મહારાષ્ટ્ર પ્રદેશ NSUI'ના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે.