હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ જાહેર, અબજોપતિઓની સંપત્તિમાં રોજ સરેરાશ 5833 કરોડ રૂપિયાનો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hurun India Rich List 2026: M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 જાહેર થઈ ગયું છે. જેમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી એકવાર દેશના સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડીને ટોચનું સ્થાન હાસિલ કર્યું છે. 13%ના વાર્ષિક વધારા સાથે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 9.23 લાખ કરોડ રૂપિયા(96 અબજ ડૉલર) સુધી પહોંચી ગઈ છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 10%નો ઘટાડો નોંધાયો છે અને તે 8.63 લાખ કરોડ રૂપિયા(90 અબજ ડૉલર) થઈ છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં 59,400 કરોડ રૂપિયાનો તફાવત છે. બીજી તરફ, ભારતીય અર્થતંત્રની મજબૂતી વચ્ચે દેશમાં ડૉલર આધારિત અબજોપતિઓની સંખ્યા વધીને રૅકોર્ડ 391ના સ્તરે પહોંચી ગઈ છે.
છેલ્લા 5 વર્ષમાં ડૉલર અબજોપતિઓની સંખ્યા 237થી વધીને 391 થઈ
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં આ વખતે કેટલાક મોટા આંકડા સામે આવ્યા છે. નવી યાદીમાં ઓછામાં ઓછી 1,000 કરોડ રૂપિયાની વ્યક્તિગત સંપત્તિ ધરાવતા કુલ 1,810 વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ ધનિકોની સંયુક્ત સંપત્તિ ગયા વર્ષની સરખામણીમાં 12.8% વધીને 187.5 લાખ કરોડ રૂપિયા (1.96 ટ્રિલિયન ડૉલર) થઈ ગઈ છે, જે ભારતના કુલ જીડીપીના લગભગ અડધા ભાગ બરાબર છે. દેશમાં છેલ્લા 5 વર્ષમાં ડૉલર અબજોપતિઓની સંખ્યા 237થી વધીને 391 થઈ ગઈ છે, જેમાં માત્ર છેલ્લા 1 વર્ષમાં 27 નવા ડૉલર અબજોપતિ ઉમેરાયા છે.
અબજોપતિઓએ એક દિવસમાં સરેરાશ 5,833 કરોડ રૂપિયાના દરે પોતાની સંપત્તિમાં વધારો કર્યો
યાદીમાં સામેલ લોકોની સરેરાશ સંપત્તિ વધીને 10,362 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે અને આ સમૂહે દરરોજ સરેરાશ 5,833 કરોડ રૂપિયાના દરે પોતાની સંપત્તિમાં વધારો કર્યો છે. સંપત્તિના સંકેન્દ્રણની વાત કરીએ તો 1 લાખ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવતા 23 અમીરો યાદીની કુલ સંપત્તિનો 28.9% હિસ્સો નિયંત્રિત કરે છે.
M3M Hurun India Rich List 2026ના ટોચના 10 ધનિક વ્યક્તિઓની યાદી
- ગૌતમ અદાણી અને પરિવાર: ₹ 922,800 કરોડ
- મુકેશ અંબાણી અને પરિવાર: ₹ 863,400 કરોડ
- એલ. એન. મિત્તલ અને પરિવાર: ₹ 339,300 કરોડ
- સાયરસ એસ. પૂનાવાલા અને પરિવાર: ₹ 303,400 કરોડ
- રોશની નાદર મલ્હોત્રા અને પરિવાર: ₹ 278,500 કરોડ
- કુમાર મંગલમ બિરલા અને પરિવાર: ₹ 268,700 કરોડ
- દિલીપ સંઘવી: ₹ 264,600 કરોડ
- અઝીમ પ્રેમજી અને પરિવાર: ₹ 262,800 કરોડ
- અનિલ અગ્રવાલ અને પરિવાર: ₹ 208,300 કરોડ
- સમીર મહેતા અને પરિવાર: ₹ 189,400 કરોડ
મિત્તલ પરિવારે સૌથી વધુ 1.64 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ ઉમેરી
ટોચના 10 અમીરોની યાદીમાં આર્સેલરમિત્તલના એલએન મિત્તલ અને પરિવાર 8 સ્થાન ઉપર ચડીને 3જા સ્થાને પહોંચી ગયા છે, જેમની સંપત્તિ 93% વધીને 3.39 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. મિત્તલે આ યાદીમાં સૌથી વધુ 1.64 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ ઉમેરી છે. વેદાંત રિસોર્સિસના અનિલ અગ્રવાલ અને તેમનો પરિવાર 7 સ્થાનની છલાંગ લગાવીને 2.08 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 9મા સ્થાને આવી ગયા છે. બીજી તરફ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને પરિવાર જેબી કેમિકલ્સના વિલય પછી 1.89 લાખ કરોડ રૂપિયા સાથે 10મા સ્થાને પ્રવેશ્યા છે. સેક્ટરની દૃષ્ટિએ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ (166), કેમિકલ્સ (142) અને ફાર્માસ્યુટિકલ્સ (136) સૌથી મોટા વેલ્થ ક્રિએટિંગ સેક્ટર બનીને ઉભર્યા છે. ટૅક્નોલૉજીકલ ઇનોવેશન અને ન્યૂ-એજ સેક્ટર્સનો આ વર્ષની યાદી પર મોટો પ્રભાવ જોવા મળ્યો છે. બેંગલુરુ સ્થિત ક્યુપીએઆઇના નાગેન્દ્ર નાગરાજા 1,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે યાદીમાં સામેલ થનારા દેશના પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ઉદ્યોગસાહસિક બન્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક અલગ સેક્ટર
આ સિવાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)એ એક અલગ સેક્ટર તરીકે પ્રવેશ કર્યો છે, જેમાં 19 પ્રતિનિધિઓની કુલ સંપત્તિ 3.07 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે, અને તેમાંથી 15 નવા પ્રતિનિધિઓ છે. AIના 15 નવા પ્રતિનિધિઓએ સંપત્તિમાં 1.82 લાખ કરોડ રૂપિયા ઉમેર્યા છે. નવા એઆઇ નામોમાં એઆઈ કંપની વિસ્પ્ર ફ્લોના 28 વર્ષીય સ્થાપક તનય કોઠારી અને સહજ ગર્ગ 4,200 - 4,200 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રવેશ્યા છે. આ યાદીમાં કંટ્રોલ એસ ડેટાસેન્ટર્સ, યોટ્ટા, એસ્ટેરા લેબ્સ, પેરેલલ વેબ સિસ્ટમ્સ, સર્વમ AI અને ઇમર્જન્ટ AI સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકો પણ સામેલ છે. એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાંથી પણ 23 નવા નામો ઉમેરાયા છે, જેમની કુલ સંપત્તિ 85,200 કરોડ રૂપિયા છે.
રોશની નાદર મલ્હોત્રા દેશના સૌથી અમીર મહિલા
હુરુન યાદીના 70% સભ્યો એટલે કે રૅકોર્ડ 1,266 ઉદ્યોગસાહસિકો 'સેલ્ફ-મેડ' છે, જ્યારે 5 વર્ષ પહેલા આ આંકડો 55% હતો. જેપ્ટોના 23 વર્ષીય સ્થાપક કૈવલ્ય વોહરા યાદીના સૌથી યુવા અમીર છે, જ્યારે તેમના સહ-સ્થાપક આદિત પાલિચા (24 વર્ષ) બીજા સૌથી યુવા અમીર બન્યા છે. ક્યુપિડના આદિત્ય કુમાર હલવાસિયા 859%ની સંપત્તિ વૃદ્ધિ (18,800 કરોડ રૂપિયા) સાથે સૌથી ઝડપી વેલ્થ ક્રિએટર બન્યા છે. મહિલાઓની ભાગીદારી વધીને 131 થઈ ગઈ છે (જે ગયા વર્ષે 100 હતી), જેમાંથી 33 ડૉલર અબજોપતિ છે. એચસીએલના રોશની નાદર મલ્હોત્રા (2.79 લાખ કરોડ રૂપિયા) દેશના સૌથી અમીર મહિલા છે અને તેઓ સમગ્ર રેન્કિંગમાં 5મા સ્થાને છે.
મુંબઈમાં સૌથી વધુ 465 ધનિકો
શહેરોની વાત કરીએ તો મુંબઈમાં સૌથી વધુ 465 ધનિકો રહે છે, ત્યારબાદ નવી દિલ્હીમાં 236 અને બેંગલુરુમાં 129 છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય અર્થતંત્રમાં પરંપરાગત ઉત્પાદન અને માળખાકીય સુવિધાઓની સાથે એઆઈ, ડિફેન્સ અને ટેક આધારિત નવા સ્ટાર્ટઅપ્સથી વેલ્થ ક્રિએશનની ગતિ ઝડપી થઈ છે. 70% સેલ્ફ-મેડ ઉદ્યોગસાહસિકોની ઉપસ્થિતિ અને 106 ભારતીય શહેરોમાં ફેલાયેલા અમીરોના આધારથી સાબિત થાય છે કે ભારતમાં સંપત્તિનું નિર્માણ હવે માત્ર પરંપરાગત મેટ્રો શહેરો કે વંશાનુગત ઘરાનાઓ પૂરતું મર્યાદિત રહ્યું નથી.




