India

લખનઉ-કાનુપર એક્સપ્રેસ-વે સૂકવવા પંખા લગાવાયા, અખિલેશ યાદવે શેર કર્યો VIDEO

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર રોડ રિપેરિંગ દરમિયાન મોટા પંખાથી રસ્તો સૂકવવાનો વીડિયો વાયરલ થયો છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે સરકાર પર પ્રહાર કર્યા. NHAIએ નિર્માણ કંપની સામે કાર્યવાહી કરી અધિકારીઓને હટાવ્યા છે. 13 જુલાઈએ ઉદ્ઘાટન થયેલા 63 કિલોમીટરના આ એક્સપ્રેસવેનો ₹4200 કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ 20 દિવસમાં 5 વખત રસ્તો બેસી ગયો હતો. IIT ખડગપુર તપાસ કરશે અને રિપેરિંગનો ₹3 કરોડનો ખર્ચ કંપની ભોગવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લખનઉ-કાનુપર એક્સપ્રેસ-વે સૂકવવા પંખા લગાવાયા, અખિલેશ યાદવે શેર કર્યો VIDEO

Lucknow-Kanpur Expressway Fan Video: લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર રોડ રિપેરિંગ દરમિયાન મોટા-મોટા પંખા ચાલુ કરીને સૂકવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શેર કરીને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NHAIએ નિર્માણ કંપની સામે કડક કાર્યવાહી શરૂ કરી અધિકારીઓને હટાવી દીધા છે અને IIT ખડગપુર દ્વારા તપાસના આદેશ આપી સમારકામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસુલાત પણ બંધ કરી દીધી છે.

ઉદ્ઘાટનના 20 દિવસમાં 5 વખત રસ્તો બેસી ગયો

લખનઉ-કાનપુર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન 13 જુલાઈના રોજ થયું હતું. આશરે 63 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવેના નિર્માણ પાછળ અંદાજે ₹4200 કરોડનો ખર્ચ થયો હતો અને એક તરફના પ્રવાસ માટે ₹275 ટોલ નક્કી કરાયો હતો. જોકે, ઉદ્ઘાટનના ગણતરીના દિવસોમાં જ રસ્તો ધસી જવાની અને સપાટી ખસી જવાની ફરિયાદો સામે આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માત્ર 20 દિવસમાં જ 5 વખત રસ્તો બેસી ગયો હતો.

અખિલેશ યાદવે વીડિયો શેર કરી કટાક્ષ કર્યો

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે X પર વીડિયો શેર કરતાં લખ્યું કે, 'આ ભાજપના વિકાસની નવી હવા છે. જે રસ્તાનું થોડા દિવસો પહેલાં જ ઉદ્ઘાટન થયું હોય તેને આટલી ઝડપથી રિપેરિંગની જરૂર પડે તે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સમારકામના ભાગને ઝડપથી સૂકવવા માટે પંખાનો ઉપયોગ કરવો એ હાસ્યાસ્પદ સ્થિતિ છે. આ જોતાં જ એ પ્રશ્ન થાય કે 2-3 અઠવાડિયામાં જ રસ્તો બગડી જતો હોય તો તેના પર ઝડપથી વાહન ચલાવવાનું જોખમ કોણ લેશે?'

ગ્રાઉન્ડ રિપોર્ટ અને વાહનચાલકોની મુશ્કેલીઓ

ઘટના સ્થળે તપાસ કરતાં જાણવા મળ્યું કે એક્સપ્રેસવેના ક્ષતિગ્રસ્ત હિસ્સા પર એક તરફની લેન બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે બંને તરફનો ટ્રાફિક એક જ લેનમાંથી પસાર કરવો પડી રહ્યો છે. આનાથી વાહનચાલકોની ગતિ ધીમી પડી ગઈ છે. કેટલાક મુસાફરોએ એવી પણ ફરિયાદ કરી છે કે ટોલ પ્લાઝા પર તેમને આગળ રસ્તો ખરાબ હોવાની અને ડાયવર્ઝન હોવાની કોઈ માહિતી આપવામાં આવતી નથી.

કંપની અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી

સતત મળતી ફરિયાદો બાદ NHAIએ નિર્માણ એજન્સી 'PNC ઇન્ફ્રાટેક' સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને તેને 'નોન-પરફોર્મર' જાહેર કરવા મંત્રાલયને ભલામણ કરી છે. આ ઉપરાંત પ્રોજેક્ટ ડાયરેક્ટર નકુલ પ્રકાશ વર્માને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમજ પૂર્વ પ્રોજેક્ટ ડાયરેક્ટર સૌરભ ચૌરસિયાને ચાર્જશીટ અપાઈ છે. પ્રોજેક્ટ મેનેજર વિવેક ગુપ્તા, રેસિડેન્ટ એન્જિનિયર યતેન્દ્ર કુમાર અને સુરેન્દ્ર કુમારને 2 વર્ષ માટે NHAI અને મંત્રાલયના પ્રોજેક્ટ્સમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.

Lucknow-Kanpur Expressway Fan Video Viral: NHAI Halts Toll & Takes Action

NHAI અનુસાર, સતત વરસાદને કારણે રસ્તાની નીચેની માટી સુધી પાણી પહોંચી જતાં સ્લિપેજ થયું હતું. જોકે, સાચા ટેકનિકલ કારણો જાણવા માટે IIT ખડગપુરના નિષ્ણાતોની ટીમને તપાસ સોંપવામાં આવી છે. NHAIએ સ્પષ્ટ કર્યું છે કે રિપેરિંગનો અંદાજે ₹3 કરોડનો ખર્ચ નિર્માણ કંપનીએ જ ભોગવવો પડશે. વધુમાં, સમારકામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસુલાત પણ બંધ રાખવામાં આવી છે અને ટોલના નુકસાનની ભરપાઈ પણ કંપની પાસેથી જ કરવામાં આવશે.