ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર LoC પર ભારે ગોળીબાર, ભારતીય સૈન્યનો જડબાતોડ જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajouri LoC firing: જમ્મુ-કાશ્મીર (PoJK)માં સતત બગડતી પરિસ્થિતિ અને જનતાના વિરોધ પ્રદર્શનથી દેશ અને દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સરહદ પર ફરી એક નવો પેંતરો રચ્યો છે. શુક્રવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પણ આ ઉશ્કેરણીજનક ગોળીબારનો સામનો કરતા પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો છે.
તરકુંડી સેક્ટરમાં રાત્રિના અંધકારમાં ફાયરિંગ
મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે આશરે 10થી 11 વાગ્યાની આસપાસ રાજૌરી જિલ્લાના તરકુંડી ફોરવર્ડ એરિયામાં પાકિસ્તાની સેના દ્વારા નાના હથિયારોથી અચાનક ભારે ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં ભારતીય સેનાએ તેને માત્ર એક ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ગણીને ભારે સંયમ જાળવ્યો હતો. પરંતુ જ્યારે સરહદ પારથી ફાયરિંગ વધુ તેજ થયું, ત્યારે ભારતીય જવાનોએ પણ મોરચો સંભાળી લીધો અને પાકિસ્તાની ચોકીઓ પર જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. આ ગોળીબાર મોડી રાત સુધી અટકતા-અટકતા ચાલુ રહ્યો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આતંકીઓની શંકાસ્પદ હિલચાલ બાદ સેના એલર્ટ પર
સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોર્ડર પર તહેનાત ભારતીય જવાનોએ રાત્રિના સમયે સરહદ પારથી કેટલાક શંકાસ્પદ આતંકીઓની હિલચાલ જોઈ હતી. આતંકીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની આશંકા જણાતા જ સેનાએ તાબડતોબ ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ આતંકીઓને કવર ફાયર આપવા માટે પોતાના તરફથી નાના હથિયારો વડે બ્લાઇન્ડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત મોટો ગોળીબાર
સરહદ પર તહેનાત સૈન્ય અધિકારીઓ હાલ સમગ્ર સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. ગયા વર્ષે સરહદ પર થયેલા 'ઓપરેશન સિંદૂર' બાદ આ પહેલીવાર છે જ્યારે બંને દેશો વચ્ચે આટલી ભારે માત્રામાં ગોળીબાર થયો હોય. આ પહેલા પણ પાકિસ્તાન દ્વારા ઘણી વખત સીમા પારથી ઘૂસણખોરી કરાવવાના પ્રયાસો થયા છે, જેને ભારતીય સેનાના જવાનોએ હંમેશા નિષ્ફળ બનાવ્યા છે.
સરહદી વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ
રાત્રિના સમયે થયેલા આ ફાયરિંગ બાદ શનિવારે સવારથી જ ભારતીય સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સરહદની નજીક કોઈ ઘૂસણખોર અથવા આતંકવાદી છુપાયેલો ન રહે તે સુનિશ્ચિત કરવા માટે જવાનો ઝીણવટભર્યું ચેકિંગ કરી રહ્યા છે. આ સાથે જ કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે એલઓસી પર સેનાની તકેદારી અને સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય કરી દેવામાં આવી છે.









