India

'મારી હાલત એવી પણ નથી કે હું મરી જઉં...' અનશન પર બેઠેલા સોનમ વાંગચુકે જનતાનો સપોર્ટ માગ્યો

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
લદ્દાખની માંગણીઓ માટે પર્યાવરણવિદ સોનમ વાંગચુકની ભૂખ હડતાળ 19મા દિવસે પહોંચી છે. બગડતી તબિયત છતાં તેમનો ઉત્સાહ અકબંધ છે. તેમણે વીડિયો સંદેશમાં લડત ચાલુ રાખવાની વાત કરી. 20 જુલાઈએ 'ચલો સંસદ' માર્ચનું આયોજન કરાયું છે, જેમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને જોડાવા અપીલ છે. 8.9 કિલો વજન ઘટ્યું છતાં વાંગચુક માનસિક રીતે મજબૂત છે. વિપક્ષી નેતાઓએ તેમને ટેકો આપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'મારી હાલત એવી પણ નથી કે હું મરી જઉં...' અનશન પર બેઠેલા સોનમ વાંગચુકે જનતાનો સપોર્ટ માગ્યો

Sonam Wangchuk Hunger Strike Day 19: લદ્દાખની માગણીઓને લઈને આંદોલન ચલાવી રહેલા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળ આજે ગુરુવારે 19મા દિવસમાં પ્રવેશી ગઈ છે. સતત બગડતી તબિયત વચ્ચે પણ તેમનો ઉત્સાહ ઓછો થયો નથી. બુધવારે રાત્રે એક વીડિયો સંદેશ જાહેર કરીને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમનો આ સંઘર્ષ હજુ ખતમ થયો નથી. તેમણે કહ્યું કે, ભલે મારા શરીરના સ્નાયુઓ નબળા પડી રહ્યા છે, પરંતુ મારું દિલ અને મગજ પૂરેપૂરું સ્વસ્થ છે અને હું લડત ચાલુ રાખીશ.

'હું હમણાં મરી જવાનો નથી, લડત ચાલુ રહેશે'

સોનમ વાંગચુકના નિયમિત મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમણે પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે, 'મારી સ્થિતિ એવી નથી કે હું આગામી બે-ચાર દિવસમાં મરી જાઉં. 18 દિવસના અનશન બાદ પણ મારો ઈસીજી રિપોર્ટ સારો આવ્યો છે. હા, શરીરમાં નબળાઈ છે અને મસલ્સ ઘટી રહ્યા છે, પરંતુ મારું દિલ બરાબર કામ કરી રહ્યું છે. તેથી હું હજુ ઘણા દિવસ સુધી આંદોલન ખેંચી શકું તેમ છું.'

લડત ચાલુ રાખવા બાબતે સોનમ વાંગચુકે કહ્યું કે, 'દેશભરમાંથી લોકો અને વરિષ્ઠ નેતાઓ મને અનશન તોડવાની અપીલ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ તો કોર્ટમાં જઈને સરકારને મને બળજબરીથી જમાડવાનો આદેશ આપવાની પણ માગ કરી છે. જોકે, જો હું અત્યારે હાર માની લઈશ, તો સરકારને ખોટો સંદેશ જશે કે કોઈ પણ જવાબ આપ્યા વિના આંદોલન દબાવી શકાય છે. આ લડત મારી વ્યક્તિગત નહીં, પણ લોકશાહીમાં સરકારની જવાબદારી સુનિશ્ચિત કરવા માટેની છે.'

20 જુલાઈએ 'ચલો સંસદ'નું મોટું આહવાન

પોતાના આંદોલનને આગળ વધારવા માટે સોનમ વાંગચુક દ્વારા આગામી 20 જુલાઈએ 'ચલો સંસદ' માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે દેશભરના વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે. તેમણે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને વિનંતી કરી છે કે તેઓ 20 જુલાઈના દિવસને 'એક્સપીરિયન્શિયલ એજ્યુકેશન ડે' (અનુભવાત્મક શિક્ષણ દિવસ) તરીકે ઉજવે, જેથી વિદ્યાર્થીઓ દેશની લોકતાંત્રિક પ્રક્રિયાને નજીકથી અને લાઈવ સમજી શકે. આ વિરોધ પ્રદર્શન માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પણ લોકશાહીને સમજવાની એક મોટી તક છે.

વજનમાં ભારે ઘટાડો છતાં વાંગચુક માનસિક રીતે મજબૂત

19 દિવસ લાંબા અનશનના કારણે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, અનશન શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં તેમનું વજન આશરે 8.9 કિલોગ્રામ ઘટી ગયું છે અને હવે તેમનું વજન માત્ર 57.15 કિલોગ્રામ જ રહ્યું છે. હાલમાં તેમનું બ્લડ પ્રેશર 105/76, બ્લડ શુગર 80 mg/dL અને ઓક્સિજનનું સ્તર 97% નોંધાયું છે. ડોક્ટરોની ટીમ 24 કલાક તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે અને તેમના જણાવ્યા મુજબ, શારીરિક નબળાઈ છતાં વાંગચુક માનસિક રીતે સંપૂર્ણ સચેત અને સ્વસ્થ છે.

વિપક્ષી નેતાઓનો વાંગચુકને ટેકો

બુધવારે દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન કરી રહેલા સોનમ વાંગચુકને મળવા માટે વિપક્ષના અનેક મોટા નેતાઓ પહોંચ્યા હતા. ભીમ આર્મીના પ્રમુખ અને સાંસદ ચંદ્રશેખર આઝાદ સહિત સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને સીપીઆઈના સાંસદોએ મુલાકાત લઈને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

મિસ્ડ કોલ અભિયાનમાં 1.3 લાખ લોકો જોડાયા

વિપક્ષી નેતાઓએ ખાતરી આપી છે કે 19 જુલાઈએ યોજાનારી સર્વદલીય બેઠક અને સંસદના આગામી મોનસૂન સત્રમાં લદ્દાખના આ મુદ્દાઓને ખૂબ જ મજબૂતાઈથી ઉઠાવવામાં આવશે. ચંદ્રશેખર આઝાદે ચીમકી આપતા કહ્યું કે જો વાંગચુકને કંઈ પણ થશે તો તેની પૂરેપૂરી જવાબદારી સરકારની રહેશે. બીજી તરફ, આંદોલનકારીઓનો દાવો છે કે 20 જુલાઈની સંસદ માર્ચ માટે શરૂ કરાયેલા મિસ્ડ કોલ અભિયાનમાં અત્યાર સુધીમાં 1.3 લાખથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે.