India

કેદારનાથમાં વધતી ભીડ સાથે 5 મહિનામાં 50 ટનથી વધુ કચરો ફેલાઈ, ગત વર્ષ કરતા અઢી ગણો વધુ

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
કેદારનાથ ધામમાં એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન 50.30 મેટ્રિક ટન કચરો નીકળ્યો છે. નોઈડાના RTI કાર્યકર્તા અમિત ગુપ્તાના ખુલાસા મુજબ, આ આંકડો પાછલા વર્ષની સરખામણીમાં અઢી ગણો વધારે છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે પ્લાસ્ટિક કચરાનું દબાણ વધી ગયું છે, જે પર્યાવરણ માટે મોટો ખતરો બન્યો છે. નગર પંચાયતના આંકડાઓએ સફાઈ વ્યવસ્થા પર ચિંતા જગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેદારનાથમાં વધતી ભીડ સાથે 5 મહિનામાં 50 ટનથી વધુ કચરો ફેલાઈ, ગત વર્ષ કરતા અઢી ગણો વધુ
IMAGE - IANS

Kedarnath Garbage Surges: એપ્રિલથી ઓગસ્ટ 2026 વચ્ચે કેદારનાથ ધામમાંથી 50.30 મેટ્રિક ટન કચરો બહાર આવ્યો છે. આ આંકડો પાછલા વર્ષની આખી ટૂરિસ્ટ સીઝન દરમિયાન નીકળેલા કચરા કરતા અઢી ગણાથી પણ વધુ છે. નગર પંચાયતના આંકડાઓ અનુસાર, પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે પ્લાસ્ટિક કચરાનું દબાણ પણ ખૂબ વધી ગયું છે, જેના કારણે લેન્ડફિલની મર્યાદિત ક્ષમતા વચ્ચે પર્યાવરણ સામે મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે.

આરટીઆઈના ખુલાસાથી સફાઈ વ્યવસ્થા અને પર્યાવરણ પર ચિંતા

કેદારનાથ ધામમાં વધી રહેલા કચરાના આંકડાઓએ ચિંતા વધારી દીધી છે. નોઈડાના આરટીઆઈ કાર્યકર્તા અમિત ગુપ્તા દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નગર પંચાયતે આ ચોંકાવનારી વિગતો આપી છે. આ ખુલાસા બાદ કેદારનાથની સફાઈ વ્યવસ્થા અને હિમાલયી પર્યાવરણને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં કચરામાં ઝડપી વધારો

નગર પંચાયતના આંકડા મુજબ કેદારનાથમાં…

  • વર્ષ 2023માં 32.58 મેટ્રિક ટન કચરો નીકળ્યો હતો.
  • વર્ષ 2024માં આ આંકડો ઘટીને 26.10 મેટ્રિક ટન થયો હતો.
  • વર્ષ 2025માં કચરો ઘટીને 21.40 મેટ્રિક ટન રહ્યો હતો.
  • પરંતુ વર્ષ 2026માં માત્ર પાંચ જ મહિનામાં 50.30 મેટ્રિક ટન કચરો જમા થઈ ગયો છે.

વર્ષ 2026નો આ કચરો 2023 કરતા આશરે 54 ટકા, 2024 કરતા 93 ટકા અને 2025 કરતા લગભગ 135 ટકા વધારે છે. જો મહિના અનુસાર નજર કરીએ તો, એપ્રિલમાં 1.7 મેટ્રિક ટન, મે મહિનામાં સૌથી વધુ 16.3 મેટ્રિક ટન, જૂનમાં 11.5 મેટ્રિક ટન, જુલાઈમાં 10.5 મેટ્રિક ટન અને ઓગસ્ટમાં 10.3 મેટ્રિક ટન કચરો નોંધાયો હતો.

પહાડી વિસ્તારોમાં પ્લાસ્ટિકનો નિકાલ મોટો પડકાર

નગર પંચાયતના ડેટા મુજબ, 2026માં અત્યાર સુધીમાં આશરે 20 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો નીકળ્યો છે, જેમાંથી 18.5 મેટ્રિક ટન (92.5%) પ્રોસેસ કરી દેવામાં આવ્યો છે અને 1.5 મેટ્રિક ટન પ્લાસ્ટિક હજુ બાકી છે. પહાડી પ્રદેશોમાં પ્લાસ્ટિકનો નિકાલ કરવો અત્યંત મુશ્કેલ હોય છે. કેદારનાથમાં લેન્ડફિલની કુલ ક્ષમતા 30,000 ચોરસ ફૂટ છે, જેમાંથી હાલ 28,000 ચોરસ ફૂટ જગ્યા ખાલી છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાર લેન્ડફિલ બનાવવામાં આવ્યા છે, છતાં વધતો કચરો પર્યાવરણ માટે ખતરો બની રહ્યો છે.

આશરે 15 લાખ શ્રદ્ધાળુઓ અત્યાર સુધીમાં કેદારનાથ પહોંચી ચૂક્યા છે. આટલી મોટી ભીડના કારણે કચરા પ્રબંધન પર ભારે દબાણ આવ્યું છે. નિષ્ણાતો અને કાર્યકર્તાઓનું માનવું છે કે યાત્રા વ્યવસ્થાની સાથે-સાથે પર્યાવરણની સુરક્ષાને પણ એટલી જ ગંભીરતાથી લેવી પડશે, જેથી આ પવિત્ર ધામને કચરાના ગંજમાં ફેરવાતું અટકાવી શકાય.