India

'ગૃહમંત્રીને જણાવો વિપક્ષની માગ...', હોબાળા વચ્ચે કિરેન રિજિજુને રાજ્યસભા ચેરમેનનો નિર્દેશ

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને પેલેટ ગનના કથિત ઉપયોગ મામલે સંસદમાં હોબાળો થયો. રાજ્યસભામાં સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂને ગૃહ મંત્રી અમિત શાહને વિપક્ષની લાગણી જણાવવા સૂચના આપી હતી. વિપક્ષ ગૃહ મંત્રીના નિવેદનની અને પ્રધાનમંત્રીની માફીની માંગ કરી રહ્યું છે. જોકે, કિરેન રિજિજૂએ સભાપતિની ટિપ્પણીનો ઇનકાર કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગૃહમંત્રીને જણાવો વિપક્ષની માગ...', હોબાળા વચ્ચે કિરેન રિજિજુને રાજ્યસભા ચેરમેનનો નિર્દેશ
IMAGE - IANS

Kiren Rijiju Rajya Sabha debate: દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને પગલે સંસદના ચોમાસુ સત્રમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. પોલીસની આ કાર્યવાહી અને તેમાં પેલેટ ગનના કથિત ઉપયોગ અંગે ગૃહ મંત્રી અમિત શાહ ગૃહમાં આવીને સત્તાવાર નિવેદન આપે તેવી માંગણી વિપક્ષ સતત કરી રહ્યું છે. આ દરમિયાન રાજ્યસભામાં એક મહત્ત્વનો કિસ્સો બન્યો હતો, જેમાં સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂને વિપક્ષની આ માંગ અને તેમની લાગણીઓ વિશે ગૃહ મંત્રી અમિત શાહને જાણ કરવા સૂચના આપી હતી.

શું છે સમગ્ર મામલો?

ગત 20 જુલાઈના રોજ તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓએ મોટું પ્રદર્શન કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે આ દરમિયાન પોલીસે અત્યાચાર કર્યો હતો અને પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો. આ જ મુદ્દા પર ગૃહ મંત્રીના નિવેદનની માંગ સાથે છેલ્લા બે અઠવાડિયાથી ચોમાસુ સત્રની કામગીરી સતત ખોરવાઈ રહી છે.

મલ્લિકાર્જુન ખડગેની માંગ: 'ગૃહ મંત્રી અને પ્રધાનમંત્રી ગૃહમાં આવે'

રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગૃહ મંત્રી અને પ્રધાનમંત્રીને ગૃહમાં બોલાવવાની માંગ કરી હતી. ખડગેએ કહ્યું, 'અમે આસન પાસે વિનંતી કરીએ છીએ કે તેઓ ગૃહ મંત્રીને આવીને નિવેદન આપવાનો નિર્દેશ આપે. અમે આ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ. જ્યારે વિપક્ષ વ્યાજબી સવાલો પૂછી રહ્યો છે, ત્યારે સરકાર જવાબ આપવાથી ભાગી રહી છે.'

સભાપતિએ રિજિજૂને શું કહ્યું અને કેન્દ્રીય મંત્રીનો પલટવાર?

ખડગેની આ માંગણી બાદ સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂને વિપક્ષની લાગણીઓ ગૃહ મંત્રી સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું. 'જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ગૃહમાં નિવેદન આપવું કે નહીં તેનો અંતિમ નિર્ણય તો અમિત શાહનો જ રહેશે.' બીજી તરફ, કિરેન રિજિજૂએ વિપક્ષના આ દાવાને ફગાવતા કહ્યું કે, 'સભાપતિએ આવી કોઈ વાત નથી કરી.' સંસદીય નિયમોનો હવાલો આપતાં તેમણે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો હતો અને જણાવ્યું કે, 'પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી દરરોજ સંસદમાં હાજર જ રહે છે, પરંતુ વિપક્ષ પોતે જ ગૃહની કામગીરી ચાલવા દેતો નથી.'

ખડગેની પ્રેસ કોન્ફરન્સ: 'પ્રધાનમંત્રી પણ માફી માગે'

રાજ્યસભામાં સભાપતિની ટિપ્પણી બાદ મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં ગૃહ મંત્રીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. ખડગેએ માંગ કરી હતી કે ગૃહ મંત્રીએ નિવેદન આપવું જોઈએ અને સાથે જ પ્રધાનમંત્રીએ પણ ગૃહમાં આવીને આ મામલે માફી માગવી જોઈએ.