India

મિડલ ક્લાસની ગાડીઓ ખખડી ગયા બાદ સરકાર જાગી: E20 પેટ્રોલના નિયમો કડક કરવાની તૈયારી!

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
E20 ઇંધણથી વાહનોને થતા નુકસાનની ફરિયાદોને પગલે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઇથેનોલના પ્રમાણ સાથે ઇંધણની ગુણવત્તા પર પણ કડક નિયંત્રણો લાગુ પડશે. ઓટોમોબાઈલ કંપનીઓની ચિંતા બાદ, BIS દ્વારા ક્લોરાઈડની 3 PPM મર્યાદા ફરજિયાત બનાવાશે. આ કડક નિયમોથી દેશભરના વાહનચાલકોને માઇલેજ અને એન્જિન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ક્લાસની ગાડીઓ ખખડી ગયા બાદ સરકાર જાગી: E20 પેટ્રોલના નિયમો કડક કરવાની તૈયારી!
IMAGE - IANS

E20 petrol quality rules : દેશમાં E20 (ઇથેનોલ બ્લેન્ડેડ) બળતણ અંગે ચાલી રહેલી ચર્ચા અને વાહનચાલકોની ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. વાહનચાલકો સતત ફરિયાદ કરી રહ્યા હતા કે આ ઇંધણના ઉપયોગથી વાહનોનું માઇલેજ ઘટી રહ્યું છે અને એન્જિનના પાર્ટ્સ બગડી રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર હવે માત્ર ઇથેનોલનું પ્રમાણ નક્કી કરવા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ઇંધણની ગુણવત્તા પર પણ કડક નિયંત્રણો લાગુ કરવા જઈ રહી છે.

વાહનોના પાર્ટ્સ ખરાબ થવાની ફરિયાદો

તાજેતરમાં પેટ્રોલના સેમ્પલમાં 3 PPM કરતાં વધુ ક્લોરાઈડ અને વધુ પડતો ભેજ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે ઓટોમોબાઈલ કંપનીઓએ વાહનોના પાર્ટ્સ ખરાબ થવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વાહન ઉત્પાદકોનું કહેવું છે કે આવા દૂષિત ઇંધણને કારણે વાહનોના ફ્યુઅલ ટેન્ક અને અન્ય કમ્પોનન્ટ્સ ઝડપથી નિષ્ફળ થઈ શકે છે. કેટલીક જગ્યાએ લેવાયેલા સેમ્પલમાં ક્લોરાઈડનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં ઘણું વધારે મળતાં આ ચિંતા વધુ ઘેરી બની છે.

નવા ગુણવત્તાના નિયમો બનશે ફરજિયાત

સમસ્યાના ઉકેલ માટે સરકાર હવે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) અને ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ સાથે જોડાયેલી એજન્સીઓ માટે ગુણવત્તાના નિયમો કડક કરવા જઈ રહી છે. હાલના નિયમો મુજબ E20 ઇંધણમાં ક્લોરાઈડનું પ્રમાણ 3 PPMથી ઓછું હોવું જોઈએ, જે અત્યાર સુધી મરજિયાત (સ્વૈચ્છિક) ધોરણ હતું. પરંતુ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ્સ (BIS) આ લિમિટને તમામ સપ્લાયર્સ માટે કાયદાકીય રીતે ફરજિયાત બનાવવા પર કામ કરી રહ્યું છે.

પેટ્રોલ પંપ પર મળશે સ્વચ્છ ઇંધણ

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે 20% ઇથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ પૂરો કર્યા બાદ હવે સામાન્ય જનતા સુધી ઉચ્ચ ગુણવત્તાવાળું અને ભેળસેળ વગરનું ક્લીન ફ્યુઅલ પહોંચે. આ કડક નિયમો લાગુ થવાથી પેટ્રોલ પંપ પર પહોંચતા ઇંધણમાં દૂષિત તત્વો પર સીધો કાબૂ મેળવી શકાશે, જેનાથી દેશભરના વાહનચાલકોને માઇલેજ અને એન્જિન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે.