પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત: સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Purvanchal Expressway accident: ચંદીગઢમાં તૈનાત સેનાના એક જવાનના નિધન બાદ તેમના પાર્થિવ શરીરને દેવરિયા લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસેથી પસાર થતા પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માતનો શિકાર બની હતી. પૂર્વાંચલ એક્સપ્રેસવેના માઈલ સ્ટોન 79 પાસે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે એમ્બ્યુલન્સનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને કબજામાં લઈને અયોધ્યાના કુમારગંજ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
ચંદીગઢથી સૂબેદારનો પાર્થિવ દેહ લઈને જઈ રહી હતી એમ્બ્યુલન્સ
મળેલી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ સેનાની હતી, જેમાં ચંદીગઢમાં તૈનાત આર્મીના સૂબેદાર સત્યવાન ફૌજીનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો. તેમના પરિવારજનો આ પાર્થિવ દેહને લઈને ઉત્તર પ્રદેશના દેવરિયા સ્થિત તેમના વતન જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સ ચાલક જસપાલ, રાજન સિંહ, ગૌરવ સિંહ અને રામ સમજ નામના ચાર વ્યક્તિઓના મોત થયા છે. સુલતાનપુરપુર પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે સૂબેદાર સત્યવાન ફૌજી દેવરિયાના રુદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા.
પરિવારમાં શોકનો માહોલ
સુલતાનપુરના એસપી વિનીત જયસ્વાલના જણાવ્યા અનુસાર, સૂબેદાર સત્યવાન ફૌજીનું ચંદીગઢમાં અવસાન થયું હતું, ત્યારબાદ તેમનો પુત્ર અને પરિવારના અન્ય સભ્યો પાર્થિવ શરીર લઈને દેવરિયા પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સુલતાનપુર જિલ્લામાં આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ફૌજી સત્યવાનના પુત્ર, ભાઈ અને ભત્રીજા સહિત ચારેય લોકોના મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.




