કેન્સર સારવારના રૂ. 1 લાખના ઈંજેક્શનમાં માત્ર પાણી નીકળ્યું! ક્રાઇમ બ્રાન્ચનો દેશવ્યાપી પર્દાફાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fake cancer injection racket Delhi: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કેન્સરની મોંઘી દવાઓની કાળાબજારી અને નકલી દવાઓ વેચવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. દર્દીઓ દિલ્હીના બ્લેક માર્કેટમાંથી જે 'એવાલુમૅબ' (Avelumab) ઇંજેક્શન આશરે એક-એક લાખ રૂપિયામાં ખરીદી રહ્યા હતા, તેમાં દવાની જગ્યાએ માત્ર પાણી ભરેલું હતું. ઉત્પાદક કંપની દ્વારા જર્મનીની 'મર્ક લેબ'માં તપાસ કરાવતા સામે આવ્યું કે આ ઇંજેક્શનમાં કેન્સર સામે લડતો મૂળ ઘટક (ઇંગ્રીડિયન્ટ) બિલકુલ ગાયબ હતો. આ સિવાય રાજસ્થાન સરકારની યોજના હેઠળ કેન્સરના દર્દીઓ માટે મફત અપાતી સરકારી દવાઓ પણ ગેરકાયદેસર રીતે બ્લેક માર્કેટમાં વેચાઈ રહી હોવાનો ખુલાસો થયો છે.
7 રાજ્યોમાં નેટવર્ક, 9 કરોડનું રેકેટ અને 17 દલાલોની ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચે 20 ઓગસ્ટના રોજ દેશના 7 રાજ્યોમાં ફેલાયેલા આશરે 9 કરોડ રૂપિયાના આ નેટવર્ક પર દરોડા પાડ્યા હતા. આ કૌભાંડમાં સામેલ 17 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસને 588 ભરેલા એન્ટી-કેન્સર વાયલ (શીશીઓ), 6 ખાલી વાયલ, 7 ખાલી બોક્સ, અન્ય દવાઓના 3021 યુનિટ અને રૂ. 50 લાખની રોકડ રકમ મળી આવી છે. આ દરોડામાં ડાર્જાલેક્સ, ઇમફિંજી, એરબિટક્સ, ઓપડાઇટા, કીટ્રૂડા જેવી અત્યંત મોંઘી કેન્સરની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ ગેંગનું નેટવર્ક દિલ્હી-NCR, મુંબઈ, હૈદરાબાદ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું હતું.
ત્રણ રસ્તેથી આવતી દવાઓ અને રીપેકિંગનો કાળો ખેલ
પોલીસ તપાસ અનુસાર, આ સિન્ડિકેટ સુધી દવાઓ પહોંચાડવાના મુખ્ય ત્રણ રસ્તા હતા:
- ગેરકાયદેસર સ્ત્રોતોમાંથી ખરીદાયેલી બનાવટી (નકલી) દવાઓ.
- હોસ્પિટલોમાંથી કેન્સરના દર્દીઓ માટે રાખવામાં આવેલી દવાઓની ચોરી અથવા હેરાફેરી.
- સરકારી સંસ્થાઓ અને ગોડાઉનોમાંથી સરકારી સપ્લાયની દવાઓ બહાર કાઢવી.
આ દવાઓને કોઈ પણ કાયદેસરના બિલ, લાયસન્સ કે ખરીદ રેકોર્ડ વગર ઘરોમાં રાખવામાં આવતી હતી. જૂના અને અસલી બોક્સ પરથી કલર અથવા એસીટોન જેવા કેમિકલથી જૂનો બેચ નંબર અને MRP ભૂંસી નાખી નવું પેકિંગ તૈયાર કરવામાં આવતું હતું.
ડૉ. મનીષ શર્માની ધરપકડ અને દેશવ્યાપી તપાસ
આ રેકેટમાં નોઇડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ઝજ્જર, ફરીદાબાદ, મુંબઈ અને હૈદરાબાદના લોકો પણ સામેલ હતા. આરોપી ડૉ. મનીષ શર્માની ધરપકડ બાદ હવે પોલીસનું ધ્યાન એ બાબત પર છે કે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશભરમાં નકલી કેન્સરની દવાઓ ક્યાં સુધી પહોંચાડવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર સપ્લાય ચેઈન અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.




