150 વર્ષ જૂની અંગ્રેજોની ભૂલ સુધરશે: દિલ્હી-મુંબઈ રેલવે રૂટનો નકશો બદલાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi-Mumbai Railway History: શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનો સીધા રસ્તે જયપુર અને અમદાવાદ થઈને જવાને બદલે મથુરા, કોટા અને રતલામ થઈને લાંબો રસ્તો કેમ પસંદ કરે છે? આની પાછળ કોઈ ભૌગોલિક કારણ નથી, પરંતુ 150 વર્ષ પહેલાં અંગ્રેજોએ કરેલી મોટી ઐતિહાસિક ભૂલ જવાબદાર છે! દાયકાઓ સુધી મુસાફરો આ ભૂલનો ભોગ બનતા રહ્યા છે, પરંતુ હવે રેલવેનો નકશો હંમેશાં માટે બદલાવા જઈ રહ્યો છે. સરકાર દિલ્હીથી જયપુર વચ્ચે એક નવી રેલવે લાઇન નાખવાની તૈયારી કરી રહી છે, જે માત્ર અંતર જ નહીં ઘટાડે, પણ સમયની મોટી બચત કરશે અને સાથે ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ આપશે.
બ્રિટિશરોની 150 વર્ષ જૂની ઐતિહાસિક ભૂલ
સમસ્યાના મૂળ રેલવે ટ્રેકના પાટા વચ્ચેના અંતર (ગેજ)ની અસમાનતામાં હતા.
બે અલગ-અલગ ટ્રેક સિસ્ટમઃ ભારતમાં 1853માં રેલવેની શરૂઆત થઈ, ત્યારે અંગ્રેજોએ બ્રોડગેજ (પાટા વચ્ચે 1.67 મીટરનું અંતર) લાઇન નાખવાનું શરૂ કર્યું હતું. પરંતુ લોર્ડ મેયો નામના બ્રિટિશ વાઇસરોયને આ કામ ઘણું ખર્ચાળ લાગ્યું. તેથી તેમણે 1873માં ખર્ચ બચાવવા માટે મીટરગેજ (પાટા વચ્ચે 1 મીટરનું અંતર) લાઇન નાખવાનો આદેશ આપ્યો. આ ટ્રેનો ઓછી પહોળી હતી અને તેમાં સ્લીપર કોચમાં સાઇડ બર્થની સુવિધા ન હતી. આ સમયગાળામાં રાજસ્થાનના રાજાઓએ દિલ્હીથી લઈને અમદાવાદ સુધી પોતાના રાજ્યમાં મીટરગેજના જ પાટા નાખ્યા.
અંગ્રેજોનો નવો નિર્ણયઃ થોડા સમય પછી અંગ્રેજોને સમજાયું કે મોટા અને લાંબા રૂટ માટે બ્રોડગેજ જ યોગ્ય છે. તેથી તેમણે દિલ્હી-મુંબઈ જેવા મુખ્ય રસ્તાઓ પર ફરીથી બ્રોડગેજ જ નાખવાનું શરૂ કર્યું.
ટ્રેન બદલવાની મજબૂરીઃ પહોળા પાટા પર ચાલતી ટ્રેન સાંકડા પાટા પર ચાલી શકે નહીં. જો કોઈ ટ્રેન દિલ્હીથી જયપુર થઈને મુંબઈ જતી હોય તો મુસાફરોએ દિલ્હીથી બ્રોડગેજ ટ્રેનમાં બેસવું પડે, રાજસ્થાન બોર્ડર પર સામાન સાથે ઉતરીને બીજી મીટરગેજ ટ્રેનમાં બેસવું પડે અને છેક અમદાવાદ પહોંચીને મુંબઈ જવા માટે ફરીથી ત્રીજી બ્રોડગેજ ટ્રેન પકડવી પડે. માલગાડીઓ માટે પણ આ ખૂબ ખર્ચાળ અને મુશ્કેલ હતું.
લાંબો પણ સળંગ રસ્તોઃ ટ્રેન બદલવાની ઝંઝટ ટાળવા માટે અંગ્રેજોએ રાજસ્થાનના ટૂંકા રસ્તે જવાને બદલે મથુરા, કોટા અને રતલામવાળો રસ્તો પસંદ કર્યો. ભલે આ રસ્તો 200 કિલોમીટર લાંબો હતો, પણ તેમાં છેક દિલ્હીથી મુંબઈ સુધી સળંગ બ્રોડગેજના જ પાટા હતા અને ક્યાંય ટ્રેન બદલવી પડતી ન હતી. પરિણામે દિલ્હી-મુંબઈ મુખ્ય રૂટ 1150 કિમીનો ટૂંકો રસ્તો હોવા છતાં મથુરા, કોટા, રતલામ, વડોદરા અને સુરત થઈને જતો રૂટ 1384 કિમીનો થઈ ગયો.
જયપુરનો રૂટ વાંકોચૂંકો કેમ રહ્યો?
1990ના દાયકા સુધીમાં જ્યારે બધી લાઇનોને બ્રોડગેજમાં ફેરવવામાં આવી, ત્યારે પણ દિલ્હી-જયપુર રૂટને દિલ્હી-મુંબઈ મુખ્ય લાઇન ન બનાવી શકાયો. તેનું કારણ એ હતું કે દિલ્હી અને જયપુર વચ્ચેનું સીધું અંતર 200 કિલોમીટરથી પણ ઓછું હોવા છતાં, તે સમયનો ટ્રેન રૂટ 305 કિલોમીટર લાંબો હતો. આ રૂટ રેવાડી, અલવર અને બાંદિકુઈ થઈને વળાંકવાળો હતો.
આ વળાંકવાળો રસ્તો બનાવવાનું મુખ્ય કારણ જયપુર નજીક આવેલું સાંભર સરોવર હતું. તે સમયે મીઠું ખૂબ જ કિંમતી હતું અને અંગ્રેજો સાંભર સરોવરમાંથી મીઠું કાઢીને દેશભરમાં પહોંચાડવા માંગતા હતા. તેથી રજવાડાઓની અનુકૂળતા મુજબ અલવર અને બાંદિકુઈ થઈને લાઇન નાખવામાં આવી. લાંબા અને વાંકાચૂંકા રસ્તાને કારણે જ તે ક્યારેય દિલ્હી-મુંબઈનો સીધો મુખ્ય માર્ગ બની શક્યો નહીં.
નવી 191 કિલોમીટરની રેલ લાઇન
સરકાર હવે આ ઐતિહાસિક ભૂલને સુધારવા જઈ રહી છે. દિલ્હીથી જયપુર વચ્ચે સંપૂર્ણપણે નવા રૂટ પર 191 કિલોમીટર લાંબી નવી રેલ લાઇન નાખવાની યોજના તૈયાર છે. આ નવો ટ્રેક દિલ્હીથી રેવાડી, શાહજહાંપુર, નીમરાણા, બહેરોડ, કોટપૂતલી, પાવાટા-પ્રાગપુરા અને શાહપુરા થઈને સીધો જયપુર જશે.
તાજેતરના અહેવાલો અનુસાર, રેલવે બોર્ડે આ નવા રૂટ માટે ડીપીઆર (DPR) અને ફાઇનલ લોકેશન સર્વેને મંજૂરી આપી દીધી છે. આ લાઇન સંપૂર્ણ રીતે ડબલ ટ્રેક અને ઇલેક્ટ્રિફાઇડ હશે.
નવા પ્રોજેક્ટથી થનારા મુખ્ય ફાયદા
- સમયની મોટી બચત: નવો રૂટ દિલ્હી અને જયપુર વચ્ચેનું અંતર લગભગ 100 કિલોમીટર ઘટાડશે. હાલમાં એક્સપ્રેસ ટ્રેનમાં 4 કલાક લાગે છે, જ્યારે નવા રૂટથી આ મુસાફરી માત્ર 2થી 2.5 કલાકમાં પૂરી થશે. આમ, દોઢથી બે કલાક બચશે.
- ઔદ્યોગિક વિકાસ: નીમરાણા અને કોટપૂતલી વિસ્તારો દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (DMIC)નો હિસ્સો છે. નવી લાઇનથી નીમરાણાની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને કોટપૂતલીના સિમેન્ટ ઉદ્યોગને કાચો માલ લાવવા-લઈ જવા માટે સસ્તો વિકલ્પ મળશે.
- રોજિંદી મુસાફરીમાં સરળતા: જયપુર અને દિલ્હી વચ્ચેનું અંતર એટલું ઘટી જશે કે લોકો સવારે દિલ્હી કે નીમરાણા કામ માટે જઈને સાંજે પાછા જયપુર પોતાના ઘરે આવી શકશે.
- હાઈસ્પીડ ટ્રેનોનો માર્ગ: ભવિષ્યમાં આ નવા ટ્રેક પર વંદે ભારત સ્લીપર, રાજધાની અને તેજસ જેવી ટ્રેનો દોડાવવી સરળ બનશે.
- ઝડપી કનેક્ટિવિટી: આ ટ્રેક શરૂ થતાં દિલ્હીથી ગુજરાત (અમદાવાદ, સાણંદ, ધોલેરા) અને મુંબઈ સુધીની કનેક્ટિવિટી ઝડપી બનશે અને આખા રાજસ્થાનમાં વિકાસની ગાડી પણ બુલેટની ઝડપે દોડવા લાગશે.




