India

'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સર્જાયેલું 'અર્નબ' વાવાઝોડું મોડી રાત્રે 11થી 1 વાગ્યાની વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટ સાથે ટકરાયું હતું. આ વાવાઝોડાને કારણે બંને રાજ્યોમાં ભારે વરસાદ વરસ્યો છે. ઓડિશામાં 5000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા, જ્યારે 4થી વધુ પુલ અને રસ્તાઓ ધોવાઈ ગયા. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ અને વિજયવાડામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં રેડ, ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
IMAGE - IANS

Cyclone Arnab: બંગાળની ખાડીમાં સર્જાયેલું 'અર્નબ' વાવાઝોડું ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટ સાથે મોડી રાત્રે 11થી 1 વાગ્યાની વચ્ચે ટકરાયું હતું. આ વાવાઝોડાની અસરના કારણે બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઓડિશામાં સુરક્ષાના ભાગરૂપે આશરે 5000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે દક્ષિણી જિલ્લાઓમાં 4થી વધુ પુલ અને રસ્તાઓ ધોવાઈ ગયા છે.

આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને ઍલર્ટ

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલિગપટ્ટનમ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા. વિજયવાડામાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરની ઘણી શાળાઓમાં સતત બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ છેલ્લા 6 કલાકમાં 3 કિમી પ્રતિ કલાકની ગતિએ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના કેટલાક હિસ્સાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જેમાં દાર્જિલિંગ અને કલિમપોંગમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

દેશના વિવિધ રાજ્યોમાં હવામાનનું અનુમાન: રેડ અને ઑરેંજ ઍલર્ટ જાહેર

આગામી સમયમાં દેશના ઘણા ભાગોમાં હવામાનનો મિજાજ બદલાવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા વિવિધ રાજ્યો માટે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રેડ ઍલર્ટ: ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ભારે વરસાદ કે ખરાબ હવામાનની સંભાવનાને કારણે રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે

ઑરેંજ ઍલર્ટ: બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું જોખમ હોવાથી ઑરેંજ ઍલર્ટ જાહેર કરાયું છે.

યલો ઍલર્ટ: ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા સાવચેતીના ભાગરૂપે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.