20 નવેમ્બરે 145 કિમીની ઝડપે ત્રાટકશે વાવાઝોડું 'Akvan'! 4 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cyclone Akwan landfall: બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું 'અકવાન' (Cyclone Akwan) ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી આગળ વધીને ચક્રવાતી તોફાન બની ચૂકી છે અને આજે સાંજ સુધીમાં તે 'ગંભીર ચક્રવાતી તોફાન'માં ફેરવાઈ શકે છે. હાલમાં આ વાવાઝોડું ચેન્નાઈથી લગભગ 610 કિલોમીટર પૂર્વમાં, મછલીપટ્ટનમથી 660 કિલોમીટર, વિશાખાપટ્ટનમથી 670 કિલોમીટર અને ઓડિશાના ગોપાલપુરથી 790 કિલોમીટર દૂર સમુદ્રમાં સ્થિત છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, ગુરુવાર સવાર સુધીમાં તે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને શુક્રવાર, 20 નવેમ્બરની બપોર આસપાસ આંધ્રપ્રદેશના નેલ્લોર અને તુની વચ્ચે લૅન્ડ કરશે.
145 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદની આગાહી
લૅન્ડ થવાના સમયે પવનની ઝડપ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જ્યારે પવનના ઝોકા 145 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તાજેતરના અઠવાડિયામાં 'અર્નબ' અને 'મુરાસુ' બાદ આંધ્રપ્રદેશ પર ત્રાટકનારું આ ત્રીજું મોટું વાવાઝોડું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 1થી 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ ઊભું થયું છે. વાવાઝોડાની અસરને કારણે બુધવારથી તટીય આંધ્રપ્રદેશમાં વરસાદ શરૂ થશે અને ગુરુવાર-શુક્રવારે કેટલાક જિલ્લાઓમાં 20 સેન્ટિમીટરથી વધુ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તમિલનાડુ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોમાં પણ વરસાદ અને તોફાનનું ઍલર્ટ જાહેર કરાયું છે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કરી સમીક્ષા, હેલ્પલાઇન નંબર જાહેર
સંભવિત જોખમને જોતાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીમાં અધિકારીઓ સાથે ટેલિકોન્ફરન્સ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે જાનમાલનું નુકસાન ઓછામાં ઓછું થાય તે માટે સંવેદનશીલ વિસ્તારોના લોકોને સમયસર જાણકારી આપવામાં આવે અને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળોએ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવે. તંત્ર દ્વારા તાત્કાલિક મદદ માટે વોટ્સએપ નંબર 9552300009 તેમજ ટોલ-ફ્રી ઈમરજન્સી નંબર 112, 1070 અને 18004250101 જાહેર કરવામાં આવ્યા છે.
માછીમારો અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ
દરિયામાં તોફાની સ્થિતિને કારણે માછીમારો અને નાવિકોને દરિયો ન ખેડવા તેમજ જેઓ દરિયામાં હોય તેમને તાત્કાલિક કિનારે પરત ફરવા કડક સૂચના આપવામાં આવી છે. તેજ પવનને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થવાની શક્યતા હોવાથી મુખ્યમંત્રીએ બચાવ અને રાહત ટીમોને સ્ટેન્ડબાય રહેવા આદેશ આપ્યો છે. આ સાથે જ ખેડૂતોને પણ ઊભા પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળી સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.




