તમિલનાડુમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ 10000 કરોડનું કૌભાંડ થયાનો દાવો, CAG રિપોર્ટમાં ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CAG Audit Tamil Nadu: દેશના કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) દ્વારા કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ 'સ્માર્ટ સિટી મિશન'ની તપાસમાં અનેક ગંભીર ખામીઓ અને ગેરરીતિઓ પકડી પાડવામાં આવી છે. વર્ષ 2015થી 2023 વચ્ચે હાથ ધરવામાં આવેલા આશરે 10,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રાલયના નિયમોનું ઉલ્લંઘન, સરકારી નાણાંનો દુરુપયોગ અને મંજૂરી વગર કામો કરાવી દેવા જેવા અનેક ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ રિપોર્ટમાં ખાસ કરીને તમિલનાડુ રાજ્યના વિવિધ શહેરોમાં થયેલા કામોમાં ભારે અનિયમિતતાઓ જોવા મળી છે.
વિના મંજૂરી અને નકશા બહાર કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરાયા
CAGના અહેવાલ મુજબ, 1,602.2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 52 પ્રોજેક્ટ્સમાં મંત્રાલયના સ્પષ્ટ નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે ફેરફારો કરવામાં આવ્યા હતા. આ સિવાય, કોઈ પણ પ્રકારના પૂર્વ આયોજન વગર જ 623.86 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સ શરૂ કરી દેવાયા હતા.
ચોંકાવનારી વાત એ છે કે, 184.71 કરોડ રૂપિયાના 21 પ્રોજેક્ટ્સ નક્કી કરાયેલા વિસ્તારની બહાર જઈને બનાવવામાં આવ્યા હતા, જ્યારે 21.42 કરોડ રૂપિયાના 5 પ્રોજેક્ટ્સ માત્ર રોજબરોજના સામાન્ય કામો જ હતા. તમિલનાડુના તિરુનેલવેલી શહેરમાં આવી સૌથી વધુ ગેરરીતિઓ સામે આવી છે, જ્યાં 314.62 કરોડ રૂપિયાના 15 પ્રોજેક્ટ્સ કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર જ શરૂ કરી દેવાયા હતા.
કાર, ટીવી અને સ્ટાફના પગાર પાછળ સ્માર્ટ સિટીના ફંડનો દુરુપયોગ
ઓડિટ રિપોર્ટમાં જાહેર થયું છે કે છ શહેરોએ 23.83 કરોડ રૂપિયાનું ફંડ એવા કામો પાછળ ખર્ચી નાખ્યું જેની બિલકુલ મંજૂરી નહોતી. આ નાણાંનો ઉપયોગ લક્ઝરી ગાડીઓ ખરીદવા, કમ્પ્યુટર લેવા, કાનૂની ખર્ચ ચૂકવવા, કોન્ફરન્સ હોલનું રિનોવેશન કરાવવા અને 110 ઈંચનું ટીવી ખરીદવા જેવી બાબતોમાં કરાયો હતો.
વધુમાં, ચેન્નઈ શહેરે સરકારી જાહેરાતો પાછળ 66.58 લાખ રૂપિયા અને અન્ય સલાહકારો પાછળ 18.44 લાખ રૂપિયા ઉડાવ્યા હતા, જ્યારે પરિવારના પુનર્વસન પાછળ 15.33 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ઈરોડ શહેરે સીવરેજ કર્મચારીઓના પગાર ચૂકવવા 2.59 કરોડ રૂપિયા અને સેલમ શહેરે પણ આ જ કામ માટે 2.95 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. મદુરાઈ શહેરે અન્ય નાગરિક કામોના કોન્ટ્રાક્ટરોને ચૂકવણું કરવા સ્માર્ટ સિટીના 48.36 લાખ રૂપિયા આપી દીધા હતા.
સરકારી તિજોરીના નાણાં ડાયવર્ટ કરાયા, માત્ર 10 લાખમાં SPV કંપનીઓ બનાવાઈ
કેન્દ્ર સરકારે પોતાના હિસ્સાના પૂરા 5,000 કરોડ રૂપિયાથી વધુનું ફંડ સમયસર ફાળવી દીધું હતું. આમ છતાં, તમિલનાડુ સરકારે જુલાઈથી ઓક્ટોબર 2021 દરમિયાન આઠ અલગ-અલગ હપ્તામાં ઓછામાં ઓછા 1,127 કરોડ રૂપિયા રાજ્યના વિભાગોના પર્સનલ ડિપોઝિટ ખાતામાં ડાયવર્ટ કરી દીધા હતા. ઉપરાંત, 93 પ્રોજેક્ટ્સ જરૂરી મંજૂરી વગર ફરીથી શરૂ કરી દેવાયા હતા.
નિયમ મુજબ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) બનાવવા માટે કંપની એક્ટ 2013 હેઠળ 200 કરોડ રૂપિયાની મૂડી હોવી જરૂરી છે, પણ તેને માત્ર 10 લાખ રૂપિયાની મૂડીમાં જ બનાવી દેવાયા હતા. ચેન્નઈ સિવાય એક પણ SPVમાં ફુલ ટાઈમ CEO નહોતા, જેથી મ્યુનિસિપલ કમિશનરો જ તેને ચલાવી રહ્યા હતા. આ કારણે હિતોના સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ હતી અને નિગમોએ નિયમો વિરુદ્ધ જઈને SPV વતી મર્યાદિત ટેન્ડરો પણ બહાર પાડ્યા હતા.




