કોંગ્રેસની સરકારને હચમચાવનાર બોફોર્સ કાંડ પર 40 વર્ષે ફૂલ સ્ટોપ, સુપ્રીમ કોર્ટે ફાઈલ બંધ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bofors Case Closed: દેશના સૌથી ચર્ચિત અને રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા બોફોર્સ કૌભાંડનું પ્રકરણ આખરે કાયદાકીય રીતે હંમેશા માટે બંધ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2005ના દિલ્હી હાઇકોર્ટના એ નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી છેલ્લી અને એકમાત્ર અરજીને ફગાવી દીધી છે, જેમાં હિંદુજા બંધુઓ અને સ્વીડિશ હથિયાર નિર્માતા કંપની એબી બોફોર્સને તમામ ગુનાહિત કેસોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ નિર્ણય સાથે જ છેલ્લા 40 વર્ષથી ચાલી આવતા આ બહુચર્ચિત કેસનો સંપૂર્ણપણે અંત આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ભાજપના નેતા અને વકીલ અજય કે. અગ્રવાલે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ સ્વર્ગસ્થ શ્રીચંદ પી. હિંદુજા અને ગોપીચંદ પી. હિંદુજાના નામ કેસમાંથી હટાવવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો.
જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા સવાલ કર્યો હતો કે, 'હિંદુજા બંધુઓ અને સીબીઆઈને લઈને આ બધું શું ચાલી રહ્યું છે? જ્યારે હાઇકોર્ટ દ્વારા તમામ કાર્યવાહી પહેલેથી જ રદ કરી દેવામાં આવી છે, તો પછી હવે આ અરજીનો શું અર્થ છે? આ વાતને કેટલાય વર્ષો વીતી ગયા છે.' આમ કહીને કોર્ટે કેસની સુનાવણી આગળ ટાળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને આ અરજીને ફગાવી દીધી હતી.
છેલ્લો કાનૂની પડકાર પણ સમાપ્ત
આ અરજી ફગાવી દેવાની સાથે જ બોફોર્સ કેસમાં 2005ના નિર્દોષ છૂટવાના નિર્ણય સામેનો છેલ્લો કાનૂની રસ્તો પણ બંધ થઈ ગયો છે. આ અગાઉ, નવેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈની પોતાની અપીલ પણ રદ કરી દીધી હતી. સીબીઆઈએ હાઈકોર્ટના નિર્ણય સામે 4,522 દિવસના વિલંબ પછી કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેનું તે કોઈ સંતોષકારક કારણ આપી શકી નહોતી. 31 મે, 2005ના રોજ દિલ્હી હાઈકોર્ટે શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશ હિંદુજા તેમજ બોફોર્સ કંપની સામેના તમામ આરોપો રદ કર્યા હતા અને સીબીઆઈની આકરી ટીકા કરી હતી.
રાજીવ ગાંધી સરકારને હચમચાવી મુકનાર બોફોર્સ કૌભાંડ
24 માર્ચ, 1986ના રોજ ભારત સરકાર અને સ્વીડિશ કંપની એબી બોફોર્સ વચ્ચે ₹1437 કરોડનો કરાર થયો હતો. આ ડીલ ભારતીય સેના માટે 400 તોપોની સપ્લાય માટે હતી. એપ્રિલ 1987માં સ્વીડિશ રેડિયોએ દાવો કર્યો હતો કે આ સોદો મેળવવા માટે ભારતીય રાજકારણીઓ અને સંરક્ષણ અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી. આ કૌભાંડે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની છબીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને 1989ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી.
તપાસ અને લાંબી કાનૂની લડાઈનો પ્રવાસ
જાન્યુઆરી 1990માં સીબીઆઈએ આ કેસમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર હેઠળ એફઆઈઆર નોંધી હતી. બાદમાં ઈટાલિયન કારોબારી ઓત્તાવિયો ક્વાત્રોચી સહિતના આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જોકે, સમય જતાં આ કેસ અદાલતોમાં નબળો પડતો ગયો. ફેબ્રુઆરી 2004માં હાઈકોર્ટે રાજીવ ગાંધીને ગુનાહિત જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા. ત્યારબાદ ક્વાત્રોચીને ભારત લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને 2011માં ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ છોડી મુક્યો હતો. સમય જતાં આ કેસ સાથે જોડાયેલા મોટાભાગના મુખ્ય આરોપીઓનું નિધન થઈ ચૂક્યું છે.









