9 વર્ષની બાળકીનું રમતા રમતાં હાર્ટ એટેકથી સ્કૂલમાં મોત, દિલ્હીની હચમચાવતી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi School Girl Death News : દિલ્હીના પૂર્વ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી 9 વર્ષની વિદ્યાર્થિનીનું અચાનક મોત થતાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મયૂર વિહાર ફેઝ-2 સ્થિત લવલી હેરિટેજ સ્કૂલના ક્લાસરૂમમાં બાળકીની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ શિક્ષકો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ તપાસ કરી રહી છે અને હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ક્લાસરૂમમાં અચાનક બગડી તબિયત
આ ઘટના પૂર્વ દિલ્હીના પાંડવ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી લવલી હેરિટેજ સ્કૂલની છે. મળતી માહિતી અનુસાર, બાળકી સ્કૂલમાં પોતાના ક્લાસરૂમમાં હાજર હતી ત્યારે અચાનક તેની તબિયત બગડી હતી. આથી સ્કૂલના શિક્ષકો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ડૉક્ટરોએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ક્લાસરૂમમાં બનેલી આ ઘટના સ્કૂલના CCTV કેમેરામાં પણ કેદ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
હાર્ટ એટેકની આશંકા, મોતનું કારણ અકબંધ
પ્રાથમિક માહિતીમાં બાળકીનું મોત હાર્ટ એટેક અથવા અન્ય કોઈ તબીબી કારણસર થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં હાલ કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે અન્ય ગેરરીતિ સામે આવી નથી. જોકે, પોલીસ તમામ પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
પરિવાર શોકમાં, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
માત્ર 9 વર્ષની ઉંમરે બાળકીનું અચાનક મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિજનોની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે સ્કૂલમાં પણ શોકનો માહોલ છે. હાલમાં સૌની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર છે, જેના આધારે બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.




