India

4 લાખ મહેમાનો, લક્ઝરી કાર્સ ને ઘોડાદોડ: ધારાસભ્ય અનંત સિંહની દીકરીના લગ્નમાં શાહી ઠાઠ!

By GS Team
10 Nov 20263 mins read
TukuTouch Logo
બિહારના મોકામાના ધારાસભ્ય અનંત સિંહની પુત્રી શિવાંગી સિંહના લગ્ન 25 નવેમ્બરે લડમા ગામમાં ભવ્ય રીતે યોજાશે. 4 લાખ મહેમાનો માટે 10 વીઘામાં મંડપ, 12 વીઘામાં ઘોડાદોડ, 150થી વધુ વાનગીઓ અને વરરાજાને 3 કરોડની લેન્ડ રોવર ડિફેન્ડર ભેટ અપાશે. આ લગ્નમાં બોલિવૂડ કલાકારો, 6 દુબઈ મોડલ્સ અને રાજકીય નેતાઓ પણ હાજર રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

4 લાખ મહેમાનો, લક્ઝરી કાર્સ ને ઘોડાદોડ: ધારાસભ્ય અનંત સિંહની દીકરીના લગ્નમાં શાહી ઠાઠ!

Anant Singh Daughter Wedding : બિહારમાં એક ધારાસભ્યની દીકરીનાં લગ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. મોકામાના ધારાસભ્ય અનંત સિંહ પોતાની નાની દીકરી શિવાંગી સિંહનાં લગ્નને યાદગાર બનાવવા માટે ભવ્ય તૈયારીઓ કરી રહ્યા છે. 25 નવેમ્બરે યોજાનારા આ લગ્નમાં વરરાજા માટે 3 કરોડ રૂપિયાની લેન્ડ રોવર ડિફેન્ડર, નાના દીકરા માટે 1 કરોડ રૂપિયાની BMW, 10 વીઘાથી વધુ જમીનમાં લગ્નનું આયોજન અને ઘોડાદોડની સ્પર્ધામાં વિજેતાને SUV આપવાની તૈયારી છે. લગ્નમાં 150થી વધુ વાનગીઓનું ભોજન પીરસવામાં આવશે. આ ઉપરાંત બોલિવૂડ અને ભોજપુરી કલાકારો, દુબઈથી આવનારી 6 મોડલ્સ અને દેશના અનેક મોટા રાજકીય નેતાઓને પણ આમંત્રણ આપવાની તૈયારી છે. બિહારના લડમા ગામમાં યોજાનારા આ લગ્નમાં આશરે 4 લાખ મહેમાનો આવે તેવી ધારણા છે.

વરરાજા માટે 3 કરોડની ડિફેન્ડર, દીકરા માટે BMW

અનંત સિંહની નાની દીકરી શિવાંગી સિંહનાં લગ્ન પટનાના બિહટા વિસ્તારના કૃષ્ણનગરના રહેવાસી કમાન્ડન્ટ રણવિજય કુમારના પુત્ર ઋષિકેશ કુમાર ઉર્ફે અંકિત સાથે થઈ રહ્યાં છે. ઋષિકેશે MBAનો અભ્યાસ કર્યો છે અને તેઓ આશરે 11 વર્ષ અમેરિકામાં રહી ચૂક્યા છે. લગ્નમાં વરરાજા માટે આશરે 2.5થી 3 કરોડ રૂપિયાની લેન્ડ રોવર ડિફેન્ડર લાવવામાં આવી છે. આ ગાડી લડમા ગામ પહોંચી ગઈ છે. જ્યારે ધારાસભ્યના સૌથી નાના દીકરા અભિનવ માટે આશરે 1 કરોડ રૂપિયાની BMW ખરીદવામાં આવી છે. લગ્નની સાથે અભિનવનો જનોઈ સંસ્કાર પણ યોજાશે. ધારાસભ્યના મોટા જમાઈ પુનીત કુમારે જણાવ્યું હતું કે ડિફેન્ડર કાર શિવાંગીની પસંદગી હતી અને તેના જન્મદિવસે તેને ભેટમાં આપવામાં આવી હતી. શિવાંગીએ દિલ્હીમાં શાળાકીય અભ્યાસ અને દિલ્હી યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

10 વીઘામાં લગ્નમંડપ, 12 વીઘામાં ઘોડાદોડ

લગ્નના આયોજન માટે 10 વીઘાથી વધુ જમીનમાં વિશાળ સ્થળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઘોડાદોડની સ્પર્ધા માટે આશરે 12 વીઘામાં અલગ મેદાન તૈયાર થઈ રહ્યું છે. લગ્નમંડપમાં જયમાળા માટે આશરે 30 ફૂટ ઊંચો વિશાળ સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે. આ સ્ટેજ જયપુરના પત્રકાર ચૌરાહાની થીમ પર તૈયાર કરવામાં આવશે. સજાવટ માટે ચીન અને બેંગલુરુથી ફૂલો મંગાવવામાં આવી રહ્યાં છે. દેશના અલગ-અલગ ભાગોમાંથી ડેકોરેશનની સામગ્રી લાવવામાં આવી રહી છે. જ્યારે ટેન્ટ લગાવવાનું કામ કરવા માટે ઉત્તર પ્રદેશના મઉથી કારીગરો બોલાવવામાં આવ્યા છે. સમગ્ર આયોજનની જવાબદારી એક વિશેષ ઇવેન્ટ કંપનીને સોંપવામાં આવી છે. અનંત સિંહના પરિવારના જણાવ્યા અનુસાર, લગ્નમાં આશરે 4 લાખ મહેમાનો આવે તેવી શક્યતા છે. જરૂર પડે તો તેનાથી વધુ મહેમાનોને આવકારવા માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઘોડાદોડમાં વિજેતાને મળશે SUV, બીજા નંબરને બાઇક

લગ્નના દિવસે એટલે કે 25 નવેમ્બરે બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન ઘોડાદોડની સ્પર્ધા યોજાશે. તેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા સહિત અનેક રાજ્યોમાંથી ઘોડેસવારો ભાગ લે તેવી શક્યતા છે. અનંત સિંહના સહયોગી મનીષ કુમારે જણાવ્યું હતું કે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારને SUV, બીજા ક્રમે આવનારને મોટરસાઇકલ અને ત્રીજા ક્રમે આવનારને સ્કૂટર ઇનામમાં આપવામાં આવશે.

150થી વધુ વાનગીઓનું ભોજન, સિલાવા ખાજા પણ પીરસાશે

લગ્નમાં ભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેમાનો માટે 150થી વધુ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવશે. તેમાં બિહારની પરંપરાગત વાનગીઓની સાથે દેશનાં અન્ય રાજ્યોની જાણીતી વાનગીઓનો પણ સમાવેશ થશે. મીઠાઈમાં કાજુ કતરી અને નાલંદાની ખાસ ઓળખ ધરાવતી સિલાવા ખાજા પીરસવામાં આવશે. સિલાવા ખાજા તેની 52 પડવાળી વિશિષ્ટ બનાવટ માટે જાણીતી છે.

PM મોદીથી લઈને લાલુ યાદવ સુધીને આમંત્રણ

અનંત સિંહે દેશના અનેક મોટા રાજકીય નેતાઓને લગ્નમાં આમંત્રિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર, RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે. બિહાર વિધાનસભાના સ્પીકર પ્રેમ કુમારને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. અનંત સિંહે કહ્યું છે કે લગ્નમાં કોઈ રાજકીય ભેદભાવ રાખવામાં આવશે નહીં. ભારત અને પાકિસ્તાન સહિત દુનિયાના કોઈપણ ભાગમાંથી આવતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દુલારચંદ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે અનંત સિંહને 4 ડિસેમ્બરે આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ સ્થિતિ વચ્ચે 25 નવેમ્બરે યોજાનારા તેમની દીકરીના ભવ્ય લગ્નની તૈયારીઓએ બિહારમાં ભારે ચર્ચા જગાવી છે.