India

હરિયાણામાં ગેંગવૉર, ઢાબા પર જમવા બેસેલા 4 યુવકો પર અંધાધૂંધ ગોળીબાર કરાતા તમામના મોત

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
હરિયાણાના રોહતકમાં બુધવારે મોડી રાત્રે 'મિલન ઢાબા' પર ગોળીબાર થયો. સ્વિફ્ટ કારમાં આવેલા હથિયારધારી બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 4 યુવકોની હત્યા કરી. આ ઘટના ખરાવડ પોલીસ ચોકીથી માત્ર 50 ડગલાં દૂર બની. પ્રાથમિક તપાસમાં આ ઘટના ભાઉ રિટોલિયા અને સન્ની રિટોલિયા ગેંગ વચ્ચેની જૂની અદાવતનું પરિણામ હોવાનું મનાય છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હરિયાણામાં ગેંગવૉર, ઢાબા પર જમવા બેસેલા 4 યુવકો પર અંધાધૂંધ ગોળીબાર કરાતા તમામના મોત

Rohtak gang war shooting: હરિયાણાના રોહતકમાં બુધવારે મોડી રાત્રે ગેંગવૉરની એક ઘટના સામે આવી છે. રોહતકના 'મિલન ઢાબા' પર સ્વિફ્ટ કારમાં આવેલા હથિયારધારી બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 4 યુવકોની હત્યા કરી નાખી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર હત્યાકાંડ ખરાવડ પોલીસ ચોકીથી માત્ર 50 ડગલાંના અંતરે જ બન્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જમતા યુવકો પર વરસાવી ગોળીઓ; ઢાબા પર મચી નાસભાગ

મળતી માહિતી મુજબ, સ્વિફ્ટ કારમાં સવાર થઈને આવેલા 5 હથિયારધારી હુમલાખોરો ઢાબા પર પહોંચ્યા હતા અને ત્યાં બેસીને ભોજન કરી રહેલા યુવકો પર અચાનક ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. ગોળીબારના અવાજથી ઢાબા પર હાજર લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ટેબલ તથા ખુરશીઓની પાછળ છુપાઈ જવું પડ્યું હતું.

આ અંધાધૂંધ ફાયરિંગમાં 3 યુવકોના તો જમવાના ટેબલ પર જ ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે, પોતાનો જીવ બચાવીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ચોથા યુવકનો પણ બદમાશોએ પીછો કર્યો હતો અને તેને પણ ગોળીઓથી વીંધી નાખતા તેનું મોત થયું હતું.

હથિયારો લહેરાવી ફરાર થયા હુમલાખોરો; ગેંગવૉરની આશંકા

આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ બદમાશોમાં કાયદાનો કોઈ ડર ન હોય તેમ તેઓ ઘટનાસ્થળે જ થોડી મિનિટો સુધી ખુલ્લેઆમ હથિયારો લહેરાવતા ફરતા રહ્યા હતા અને ત્યારબાદ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ રોહતક પોલીસ રેન્જના IG હામિદ અખ્તર અને SP ગૌરવ રાજપુરોહિત સહિત જિલ્લા પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત CIA, સ્પેશિયલ સેલ અને FSLની ટીમોએ પણ સ્થળ પર પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર હત્યાકાંડને 'ભાઉ રિટોલિયા' અને 'સન્ની રિટોલિયા' ગેંગ વચ્ચે ચાલી રહેલી જૂની અદાવત અને ગેંગવૉર સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.