32 કિલો સોનું, 1500 કિલો ચાંદી અને 582 કરોડ રોકડ દાન... રામ મંદિર ટ્રસ્ટનો હિસાબ સામે આવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ram Mandir Donation Row: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નાણાકીય સ્થિતિ અને દાનમાં મળેલા સોના-ચાંદીના રેકોર્ડ સાથે સબંધિત એક મહત્વની માહિતી સામે આવી છે. SITના પ્રારંભિક અહેવાલ અને ટ્રસ્ટના ઉપલબ્ધ નાણાકીય વિવરણ પ્રમાણે 31 માર્ચ 2026 સુધીમાં ટ્રસ્ટને હજારો કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થયું છે. આ રિપોર્ટમાં રોકડ દાન, મંદિર નિર્માણ પાછળ થયેલા ખર્ચ, ટ્રસ્ટના વર્તમાન ભંડોળ, જમીનની ખરીદી અને દાનમાં મળેલા સોના-ચાંદીની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020થી 31 માર્ચ 2026 સુધીમાં નિધિ સમર્પણ અભિયાન અને કોર્પસ ડોનેશનના માધ્યમથી ટ્રસ્ટને કુલ રૂ. 3,264 કરોડ પ્રાપ્ત થયા છે. આ પ્રાપ્ત થયેલી રકમમાંથી રૂ. 2,370 કરોડ મંદિર નિર્માણ અને અન્ય મૂડીગત કાર્યો પાછળ ખર્ચવામાં આવ્યા છે. આ ખર્ચમાં બાંધકામની કામગીરી અને તેને સંબંધિત અન્ય મૂડીગત ખર્ચ સામેલ છે.
582 કરોડ રોકડ દાન
રિપોર્ટ પ્રમાણે ટ્રસ્ટને 31 માર્ચ 2026 સુધીમાં રૂ. 582 કરોડ રોકડ દાન પ્રાપ્ત થયું છે. આ રકમમાંથી રૂ. 391 કરોડ સંચાલન અને રાજસ્વ સબંધિત ખર્ચ પાછળ વાપરવામાં આવ્યા છે. 31 માર્ચ 2026 સુધીની અન-ઓડિટેડ કામચલાઉ નાણાકીય સ્થિતિ પ્રમાણે ટ્રસ્ટ પાસે હાલ રૂ. 1,876.30 કરોડનું કુલ ભંડોળ ઉપલબ્ધ હતું. આ રકમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), બેન્ક ઓફ બરોડા (BOB) અને પંજાબ નેશનલ બેન્ક (PNB)ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD), મ્યુચ્યુઅલ ફંડ અને બેંક ખાતાઓ અનામત રાખવામાં આવી છે.
32.259 કિલોગ્રામ સોનાનો રેકોર્ડ
દાનમાં મળેલા સોના અંગે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 31 માર્ચ 2026 સુધીમાં ટ્રસ્ટના રેકોર્ડ પર 32.259 કિલોગ્રામ સોના જેવી વસ્તુઓ નોંધાયેલી છે. જ્યારે ચાંદી અંગેના રિપોર્ટ પ્રમાણે ટ્રસ્ટને દાનમાં મળેલી ચાંદીની વસ્તુઓને 'સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા' (SPMCIL) મોકલવામાં આવી હતી, જ્યાં તેને શુદ્ધ કરીને સિલ્વર બારમાં ફેરવવામાં આવી છે.
31 માર્ચ 2026 સુધીમાં ટ્રસ્ટના રેકોર્ડમાં 849.272 કિલોગ્રામ 99.99 ટકા શુદ્ધ ચાંદી અને 669.653 કિલોગ્રામ અન્ય ચાંદી જેવી ધાતુ નોંધાયેલી છે. આ પ્રકારે ટ્રસ્ટ પાસે કુલ 1,518.925 કિલોગ્રામ ચાંદીનો રેકોર્ડ ઉપલબ્ધ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, સોશિયલ મીડિયા પર દાનમાં મળેલી ચાંદીની સિલ્લી ગાયબ થઈ હોવાના જે આક્ષેપો થયા હતા, તેની પણ તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 'ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન' તેમજ 'વિશ્વ સિંધી સેવા સમાજ' દ્વારા દાનમાં આપવામાં આવેલી ચાંદી અંગે કરાયેલા આક્ષેપો ખોટા સાબિત થયા છે. રિપોર્ટ પ્રમાણે તમામ વસ્તુઓ સરકારી ટંકશાળના રેકોર્ડ અને ટ્રસ્ટના દસ્તાવેજોમાં નોંધાયેલી મળી આવી છે.
2.57 એકર જમીન પણ ખરીદી
રિપોર્ટ પ્રમાણે 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 વચ્ચે ટ્રસ્ટે વિવિધ સ્થળો પર 2.57 એકર જમીન ખરીદી છે અથવા તેના માટે કરાર કર્યા છે. આ જમીન પાછળ કુલ રૂ. 20.16 કરોડ ખર્ચવામાં આવ્યા છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, આ સંપૂર્ણ નાણાકીય પત્રક 31 માર્ચ 2026 સુધીની સ્થિતિ પર આધારિત છે, જેમાં ટ્રસ્ટની આવક, ખર્ચ, રોકડ દાન, બાંધકામ પાછળ થયેલો ખર્ચ, જમીનની ખરીદી અને દાનમાં મળેલી કિંમતી ધાતુઓનો સત્તાવાર રેકોર્ડ સામેલ છે.









