3 કલાકનું અલ્ટીમેટમ! ચૂંટણીમાં ડીપફેક વીડિયો ફેલાવશો તો થશે કાર્યવાહી, ECનો કડક આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Election Commission On Deepfake Video : સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર દરમિયાન નકલી વીડિયો અને ડીપફેકના વધતા દુરુપયોગ સામે ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર આવી કોઈ પણ ગેરમાર્ગે દોરતી કે ખોટી સામગ્રી ધ્યાને આવે તો તેને 3 કલાકની અંદર હટાવી લેવી પડશે. પંચે પક્ષોને સોશિયલ મીડિયાનો ઉપયોગ પૂરી જવાબદારી સાથે કરવાની ચેતવણી પણ આપી છે.
ડીપફેક ટેક્નોલોજી અને પંચની ચિંતા
આજના સમયમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી કોઈ પણ નેતાનો ચહેરો કે અવાજ બદલીને એકદમ સાચો લાગે તેવો નકલી વીડિયો તૈયાર કરી શકાય છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આવા ડીપફેક વીડિયો અને ખોટી માહિતીથી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા જોખમાય છે. તેથી રાજકીય પક્ષોએ મતદારોને ગેરમાર્ગે દોરતી સામગ્રી ફેલાવવાથી દૂર રહેવું પડશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કથિત વીડિયોથી વિવાદ
આ કડક કાર્યવાહી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક કથિત ડીપફેક વીડિયો મામલે મળેલી ફરિયાદ બાદ સામે આવી છે. વકીલ રીના એન. સિંહે ચૂંટણી પંચ સમક્ષ આ વીડિયોના પ્રસારણ પર રોક લગાવવા અરજી કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે લોકશાહીમાં રાજકીય આલોચના સ્વીકાર્ય છે, પરંતુ એઆઈ (AI) ટેક્નોલોજી દ્વારા નેતાઓની એવી ખોટી છબી ઊભી કરવી ગુનો છે જે તેમણે વાસ્તવમાં ક્યારેય કરી જ ન હોય.
વીડિયોના મૂળ શોધવા અને પુરાવા સાચવવા માંગ
ચૂંટણી પંચ સમક્ષ થયેલી ફરિયાદમાં એ વાતની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે કે આ વિવાદિત વીડિયો ક્યાંથી આવ્યો, કોણે બનાવ્યો અને તેને કઈ રીતે વાયરલ કરવામાં આવ્યો. સાથે જ આ મામલે ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા, સંબંધિત લોકો પાસેથી ખુલાસો માંગવા અને પ્રાથમિક દ્રષ્ટિએ નિયમોનો ભંગ જણાય તો નોટિસ પાઠવવાની રજૂઆત પણ કરવામાં આવી છે.
નિયમ તોડનાર સામે કડક કાનૂની કાર્યવાહી
ચૂંટણી પંચે રાજકીય પક્ષોને યાદ અપાવ્યું છે કે દેશમાં આઈટી એક્ટ 2000, આઈટી નિયમો 2021, લોકપ્રતિનિધિત્વ ધારો અને આદર્શ આચારસંહિતા જેવા કડક કાયદાઓ પહેલેથી જ અમલમાં છે. પંચે ચેતવણી આપી છે કે કોઈ પણ પક્ષે ડીપફેક ઓડિયો કે વીડિયો બનાવવા, પોસ્ટ કરવા કે શેર કરવા નહીં. જો કોઈ ફેક એકાઉન્ટ કે ગેરકાયદે પોસ્ટ ધ્યાને આવે તો પ્લેટફોર્મને તાત્કાલિક ફરિયાદ કરવી અને 3 કલાકમાં તેને હટાવવી પડશે.
પ્રચાર દરમિયાન આ બાબતો પર પણ રહેશે પ્રતિબંધ
ચૂંટણી પ્રચાર દરમિયાન માત્ર નકલી વીડિયો જ નહીં, પરંતુ કોઈનું અપમાન કરતી પોસ્ટ મૂકવા પર પણ પંચે સંપૂર્ણ રોક લગાવી છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવા પર તેમજ પ્રાણીઓ પ્રત્યે હિંસા કે ક્રૂરતા દર્શાવતી સામગ્રી શેર કરવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. ચૂંટણી પંચનો મુખ્ય હેતુ તમામ પક્ષો માટે ચૂંટણીનું વાતાવરણ નિષ્પક્ષ અને સમાન રાખવાનો છે.




