3 મફત LPG સિલિન્ડર, ટ્રાન્સજેન્ડર્સ માટે મફત બસ મુસાફરી... તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની ભેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tamil Nadu CM Vijay announces 3 free LPG cylinders: તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે સોમવારે ગરીબ પરિવારો માટે વાર્ષિક 3 એલપીજી સિલિન્ડર મફત આપવાની તેમજ ટ્રાન્સજેન્ડરો માટે મફત બસ મુસાફરી અને મહિલાઓ માટેની મફત બસ સેવાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે.
વાર્ષિક 2.5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને લાભ
તમિલનાડુ વિધાનસભામાં આ યોજનાઓની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું કે ‘તમિલનાડુના રૂ. 2.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને વર્ષે 3 કુકિંગ ગેસ સિલિન્ડર ફ્રી અપાશે. 'અન્નપૂરણી સુપર સિક્સ' નામના આ પ્રોજેક્ટનો પ્રારંભ પોંગલ 2027થી કરાશે. આ નિર્ણયથી આશરે 1.30 કરોડ પરિવારોને લાભ મળશે.’
આ યોજના હેઠળ લાભાર્થીઓ જે 3 સિલિન્ડર ખરીદશે તેની રકમ સીધી તેમના બૅંક ખાતામાં જમા કરાશે. જો કે, આ યોજનાથી તમિલનાડુ પર વાર્ષિક આશરે રૂ. 4,000 કરોડનું વધારાનું ભારણ આવશે. ગેસના વધતાં ભાવો અને ખાડી દેશોમાં યુદ્ધ સહિતના સંકટની વાત કરતાં વિજયે કહ્યું કે, ‘નાણાકીય સ્થિતિ વિકટ હોવા છતાં સામાન્ય જનતાના આર્થિક બોજને હળવો કરવા આ નિર્ણય લેવાયો છે.’
ટ્રાન્સજેન્ડર્સ અને મહિલાઓ માટે 'વેત્રિ પયણમ્' યોજનાનો વિસ્તાર
આ દરમિયાન તમિલનાડુ સરકારે સામાજિક ન્યાયની વાત કરીને ટ્રાન્સજેન્ડરસમુદાય માટે સરકારી બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. આ સાથે જ મહિલાઓ માટેની યોજનાનો વિસ્તાર કરીને તેને 'વેત્રિ પયણમ્' એટલે કે વિજયી યાત્રા નામ અપાયું છે.
આ જોગવાઈ મુજબ, મહિલાઓ માત્ર સાધારણ જ નહીં પરંતુ એક્સપ્રેસ, એલએસએસ (LSS) અને ડિલક્સ બસોમાં પણ મફત મુસાફરી કરી શકશે. આ સુવિધા આંતર-જિલ્લા રૂટ પર પણ લાગુ થશે. આ વિસ્તૃત યોજના 2 ઑક્ટોબરથી અમલી થશે, જેનાથી સરકાર પર વાર્ષિક રૂ. 6,000 કરોડનો વધારાનો ખર્ચ થશે.
પરંદૂર ઍરપૉર્ટ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય યથાવત્
ચેન્નાઈ નજીક પરંદૂરમાં પ્રસ્તાવિત નવા ઍરપૉર્ટ અંગે વાત કરતાં વિજયે કહ્યું હતું કે, ‘અમારી સરકાર ખેડૂતો અને સ્થાનિકોના હિતમાં પરંદૂર પ્રોજેક્ટ રદ કરે છે. ખેડૂતો દેશનો આધારસ્તંભ હોવાથી તેમને વિસ્થાપિત ન કરવા પડે તેવા વિકલ્પની શોધ ચાલુ છે અને કેટલીક નવી જગ્યાઓ પણ શોધવામાં આવી રહી છે.’ આ દરમિયાન તેમણે ચેન્નાઈના હાલના મિનમ્બક્કમ ઍરપૉર્ટ પર નવું 'ટર્મિનલ 5' બનાવવાની જાહેરાત કરી હતી.









