ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી 3.38 કરોડ નામ ગાયબ, સૌથી વધુ હિંદુઓના નામ કપાયાનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttar Pradesh Voter List : ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાર યાદીઓની સરખામણીએ વિધાનસભાની મતદાર યાદીમાં 3.38 કરોડ મતદારો ઓછા હોવાનો મોટો ખુલાસો થયો છે. આ વિસંગતતા સામે આવ્યા બાદ હવે ચૂંટણી પંચ દ્વારા ત્રણેય મતદાર યાદીઓને ચકાસવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આંકડાઓની ગંભીર વિસંગતતા
ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીની મતદાર યાદીમાં કુલ 12.58 કરોડ મતદારો નોંધાયેલા છે, જ્યારે તેની સામે વિધાનસભાની ગ્રામીણ ક્ષેત્રોની મતદાર યાદીમાં માત્ર 10.20 કરોડ જ મતદારો છે. આમ, પંચાયત યાદીની સરખામણીએ વિધાનસભાની યાદીમાં 2.38 કરોડ મતદારો ઓછા છે.
આ જ રીતે, શહેરી ક્ષેત્રોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની યાદીમાં કુલ 4.32 કરોડ મતદારો સામે વિધાનસભાની યાદીમાં માત્ર 3.31 કરોડ જ મતદારો નોંધાયેલા છે, એટલે કે અહીં પણ એક કરોડથી વધુ મતદારો ઓછા છે. એકંદરે પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાર યાદીમાં કુલ 16.90 કરોડ મતદારો છે, જ્યારે વિધાનસભાની યાદીમાં માત્ર 13.52 કરોડ જ મતદારો દર્શાવવામાં આવ્યા છે.
કેવી રીતે બહાર આવ્યો મામલો?
આ સમગ્ર મામલાએ ત્યારે જોર પકડ્યું જ્યારે રાયબરેલીના મકદૂમપુર ગામમાં થયેલા વિવાદ મામલે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા. મકદૂમપુર ગામની પંચાયતની મતદાર યાદીમાં 1,987 મતદારોના નામ હતા, જેમાંથી 1,547 મતદારોના નામ જ વિધાનસભાની યાદીમાં સામેલ હતા. આ મામલો અદાલતમાં પહોંચ્યા બાદ અદાલતના નિર્દેશથી 448 ગાયબ મતદારોની તપાસ કરવામાં આવી. ચૂંટણી પંચની તપાસમાં બહાર આવ્યું કે 44 મતદારો બાજુના મતદાન મથક પર સ્થાનાંતરિત થયા હતા, જ્યારે 290 મતદારો અપાત્ર, સ્થાનાંતરિત અથવા ડુપ્લિકેટ હતા.
હિન્દુ અને મુસ્લિમ મતદારોના આંકડા પર ચર્ચા
આ વિસંગતતા વચ્ચે હિન્દુ અને મુસ્લિમ મતદારોના નામ કપાવાને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. રાજધાની લખનૌની વાત કરીએ તો, મુસ્લિમ બહુમત ગણાતી લખનૌ પશ્ચિમ બેઠક પર 55,997 નવા મતદારો જોડાયા છે, જ્યારે હિન્દુ બહુમત ગણાતી લખનૌ ઉત્તર બેઠક પર 1.44 લાખ મતદારો ઓછા થયા છે.
આ ઉપરાંત લખનૌમાં 22 ટકા, ગાઝિયાબાદમાં 20.22 ટકા, કાનપુર નગરમાં 19.92 ટકા અને મેરઠમાં 18.7 ટકા મતદારો ઘટ્યા છે. બીજી બાજુ મુસ્લિમ બહુમત ગણાતી રામપુરમાં 10 ટકા, સહારનપુરમાં 10.48 ટકા અને મુઝફ્ફરનગરમાં 10.38 ટકા મતદારોના નામ કપાયા છે.
તાજેતરમાં અયોધ્યા ખાતે મુખ્યમંત્રીએ મુસ્લિમ મતદારોના નામમાં 1.65 ટકાનો વધારો થવા અને હિન્દુ મતદારોના 1.27 કરોડ નામ કપાવાની વાત પણ કહી હતી. આ સાથે જ આશરે 55 લાખ જેટલા લાભાર્થીઓના નામ પણ વોટર લિસ્ટમાંથી ગાયબ હોવાનું સામે આવ્યું છે.
મહિલાઓના નામ વધુ કપાયા
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પુરૂષોની સરખામણીમાં મહિલા મતદારોના નામ સૌથી વધુ કપાયા છે. હાલની મતદાર યાદી મુજબ 7.37 કરોડ પુરૂષ અને 6.15 કરોડ મહિલા મતદારો છે. ટકાવારીની દ્રષ્ટિએ 54.54 ટકા પુરૂષો અને 45.46 ટકા મહિલાઓ નોંધાયેલ છે, જેથી જેન્ડર રેશિયો ઘટીને 834 થયો છે. એટલે કે 1,000 પુરૂષો સામે 834 જ મહિલાઓ છે.
પાત્ર મતદારો ફરી યાદીમાં જોડવા પ્રક્રિયા
હવે આ ભૂલ સુધારવા માટે તંત્ર દ્વારા ફોર્મ-6 ભરાવવામાં આવી રહ્યા છે, જેથી યોગ્ય અને પાત્ર મતદારોના નામ ફરીથી યાદીમાં જોડી શકાય. મકદૂમપુર તપાસમાં પણ 114 એવા મતદારો મળી આવ્યા હતા જે ગામમાં જ રહેતા હતા અને પંચાયતની યાદીમાં નામ હતું પરંતુ વિધાનસભાની યાદીમાંથી નામ ગાયબ હતું. હવે ચૂંટણી પંચે સમગ્ર રાજ્યમાં ત્રણેય યાદીઓની તપાસ કરીને આ વિસંગતતા દૂર કરવાનો નિર્ણય લીધો છે.




